કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ એરફોર્સ બેઝમાં તૈનાત ગરુડ કમાન્ડોના આપઘાતની અરેરાટી હજુ શમી નથી ત્યાં ખાવડા નજીક રણ સરહદે તૈનાત સીમા સુરક્ષા દળના જવાને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. પાકિસ્તાન રણ સરહદે આવેલી ‘શેર દિલ’ બોર્ડર આઉટ પોસ્ટ અંતર્ગત આવતા બોર્ડર પીલર નંબર ૧૦૫૩ પર તૈનાત ૨૬ વર્ષિય અજૉય બિશ્વાસ નામના જવાને સવારે ૧૧.૧૫ના અરસામાં આપઘાત કર્યો હતો. પશ્ચિમ બંગાળના વતની અજૉય બિશ્વાસે અગમ્ય કારણોસર ઈન્સાસ રાયફલથી માથામાં ગોળી મારી દેતાં ત્યાં જ ઢળી પડ્યો હતો. સાથી જવાનો તેને જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યાં હતા પરંતુ તબીબોએ તેને સારવાર પૂર્વે મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે ખાવડા પોલીસે એક્સિડેન્ટલ ડૅથની નોંધ પાડી તપાસ હાથ ધરી છે. ગણતરીના દિવસોમાં બબ્બે જવાનોએ માથામાં ગોળી મારી કરેલાં આપઘાતના બનાવે સુરક્ષા દળોમાં વધુ એકવાર ચિંતાનો માહોલ સર્જ્યો છે.
Share it on
|