કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજની ખાનગી સંસ્થામાં નોકરી કરવા સાથે અભ્યાસ કરતી ૨૦ વર્ષની યુવતીએ રાજસ્થાનમાં રહેતા યુવક વિરુધ્ધ પોતાને પ્રેમજાળમાં ફસાવી, બ્લેકમેઈલીંગ કરીને વારંવાર દુષ્કર્મ ગુજારી રૂપિયા પડાવવા સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે. પરપ્રાંતની વતની આ યુવતી જૂન ૨૦૨૨થી રાજસ્થાનના અનુપગઢના આકાશ નરેશ સ્વામી નામના યુવક સાથે પરિચયમાં આવેલી. યુવતીએ આકાશ સામે પોક્સો, આઈટી એક્ટ, દુષ્કર્મ, ખંડણી સહિતની કલમો તળે ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ગુનાનો ભોગ બનનાર યુવતીએ જણાવ્યું છે કે તે જ્યારે સગીર વયની હતી ત્યારે આકાશના પરિચયમાં આવેલી. આકાશે તેની સાથે મિત્રતા કેળવેલી અને લગ્ન કરવાની લાલચ આપેલી.
એક દિવસ આકાશે તેને બ્લ્યૂ રંગની કેપ્સ્યુલ પીવડાવીને ઘેનમાં હતી ત્યારે શારીરિક સંબંધ બાંધીને તેનો અશ્લીલ વીડિયો અને ફોટા પાડી લીધા હતા. ત્યારબાદ આકાશે આ વીડિયો અને ફોટા વાયરલ કરવાના નામે તેને સતત બ્લેકમેઈલીંગ કરીને વારંવાર શારીરિક સંબંધો બાંધેલા તથા તેની પાસેથી રૂપિયા પણ પડાવેલાં.
એટલું જ નહીં, તેની માગણીને વશ ના થઈ તો એકવાર ફરિયાદીની પરિચિત વ્યક્તિને તે અશ્લીલ ફોટો વીડિયો મોકલી આપીને વાયરલ કર્યાં હતા. આ બનાવના પગલે વિવાદ થતા આકાશે તેની જોડે લગ્ન કરવાનો વાયદો કરીને ખાતરી માટે નોટરી પાસે લખાણ લખી આપ્યું હતું. જો કે, આકાશ ના સુધરતા અને તેનો ત્રાસ સતત જારી રહેતા યુવતીએ પોલીસનું શરણ લીધું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
Share it on
|