કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના જમીન ધંધાર્થી પાસે મહિને વીસ હજારનો હપ્તાની માંગણી કરીને તેના સગીર વયના બે પુત્રો પર હિંસક હુમલો કરાવવાના તથા પુત્રોનું અપહરણ કરાવી મારી નાખવાની ધમકી આપનાર બે ટીવી પત્રકારોના તોડકાંડ અંગે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. ભુજના ટાંકણાસર ગામે રહેતા જાકબ જુમા જત નામના ટ્રક માલિકે માનકૂવા પોલીસ મથકે અલીમામદ આરબ ચાકી (ઉ.વ. ૩૪, મોટા રેહા, ભુજ) અને વાજીદ અલસાદ ચાકી (ઉ.વ. ૨૯, મદિનાનગર-૦૨, મોટા પીર રોડ, ભુજ) વિરુધ્ધ ખંડણીની વસૂલાત અને માંગણીની ફરિયાદ નોંધાવી છે. જાકબે ફરિયાદમાં જણાવ્યું કે તે ટ્રક માલિક છે અને તેનો ડ્રાઈવર અકબર મામદ જત ભુજ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી કાયદેસરની ખાણોમાંથી ટ્રકમાં રેતી, પથ્થર, ટોડાં, કાંકરી વગેરેના ફેરાં કરે છે. દોઢેક માસ અગાઉ તેનો ડ્રાઈવર રેતી ભરીને માનકૂવા આવતો હતો ત્યારે સુમરાસર જતના પીરવાળી ફાટકે નંબર વગરની વર્ના કારમાં આવેલા વાજીદ અને અલીએ તેને અટકાવ્યો હતો.
અલી ચાકીએ પોતાની પત્રકાર તરીકેની ઓળખ આપી હતી અને વાજીદે ટ્રકમાં ભરેલા માલની તપાસ કરવાનું શરૂ કરી દીધેલું.
ત્યારબાદ કોની ટ્રક છે? બિલ છે? વગેરે પૂછપરછ કરેલી. ડ્રાઈવરે બેઉને બિલ્ટી, લીઝ રોયલ્ટીના કાગળિયા બતાડેલાં.
બેઉ જણે ડ્રાઈવરને જણાવેલું કે ‘તારા શેઠને કહી દેજે કે માનકૂવા એરિયામાંથી જેટલી પણ ટ્રકો ચાલે છે તેનો હપ્તો અમને બંનેને મળે છે. તારી ગાડીનો હપ્તો અમને આવતો નથી, હપ્તો આપવો પડશે નહીંતર અમે ટ્રકમાં ભરેલા માલના ફોટા પાડીને સમાચારો છાપી, પોલીસ ખાણ ખનિજમાં ટ્રક પકડાવી દઈશું’
આ અંગે ડ્રાઈવરે જાકબને વાત કરતાં જાકબે પ્રાથમિક તપાસ કરતાં જાણવા મળેલું કે બેઉ જણ આ રીતે કારમાં ફરીને પત્રકારના નામે ઉઘરાણાં કરતાં ફરે છે.
બીજા દિવસે ફરી વાજીદ અને અલીએ ટ્રકને રોકીને ડ્રાઈવરને જણાવેલું કે ‘તારા શેઠને અહીં બોલાવ, કેમ અમારો કોન્ટેક્ટ કરતો નથી, તારા શેઠને ફોન લગાડ’
ડ્રાઈવરે જાણ કરતાં જાકબ સ્થળ પર દોડી ગયો હતો. બેઉ જણે તેને મોબાઈલમાં ટ્રકના પાડેલા ફોટા બતાવીને રૂપિયા ના મળે તો હેરાન પરેશાન કરવાની ધમકી આપીને એક જણના પાંચ હજાર લેખે દસ હજાર રૂપિયા માંગેલાં.
ડરી ગયેલા જાકબે બેઉને તરત દસ હજાર રૂપિયા આપી દીધા હતા. રૂપિયા મેળવ્યા બાદ બેઉ જણ તારે દર મહિને દસ હજાર રૂપિયા આપવા પડશે કહીને કારમાં જતા રહેલાં.
બનાવ અંગે માનકૂવા પોલીસે તપાસ શરૂ કરી છે. આ બંનેની તોડબાજીનો ભોગ બનેલાં અન્ય લોકો પણ ફરિયાદ નોંધાવવા આગળ આવે તેવી શક્યતા છે.
Share it on
|