|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ દિપોત્સવી ટાણે કચ્છમાં દારૂની રેલમછેલ કરવા માટે વિવિધ રીઢા બૂટલેગરો એક્ટિવ થઈ ગયાં છે. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે માંડવીના ત્રગડી ગામે બે જુદાં જુદાં દરોડામાં ૩૦.૫૮ લાખનો ઈંગ્લિશ શરાબ અને બિયર જપ્ત કર્યો છે. માંડવીના ત્રગડી ગામથી મીઠા પોર્ટ તરફ જતાં રોડ પર ત્રગડી ગામના લિસ્ટેડ બૂટલેગર યુવરાજસિંહ વજુભા જાડેજાએ પોતાના કબજા ભોગવટાની વાડીમાં છૂપાવેલો ૨૯ લાખનો શરાબ LCBએ જપ્ત કર્યો છે. યુવરાજ અને તેના સાગરીતોએ વાડીમાં ઘાસ સંઘરવા માટે બનાવેલી સિમેન્ટના પતરાંવાળી ઓરડીની નજીક એક ગુપ્ત ઓરડો બનાવ્યો હતો. મધરાતે પોલીસે જેસીબીની મદદથી આ ઓરડામાં બાકોરું પાડીને ૨૯ લાખની કિંમતના વિવિધ બ્રાન્ડના શરાબની ૭૮૦૦ નંગ બાટલીઓ કબજે કરી છે.
યુવરાજ અને તેના સાગરીતો મેહુલસિંહ ચંદુભા ઝાલા, રામદેવસિંહ ચંદુભા ઝાલા (બંને રહે. માંડવી) દિવ્યરાજસિંહ સુરુભા જાડેજા અને પારસગર મયૂરગર ગોસ્વામીએ માલ મગાવ્યો હોવાની બાતમીના આધારે LCBએ આ સફળ દરોડો પાડ્યો હતો અને પાંચે સામે માંડવી મરિન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. દરોડા સમયે એકેય બૂટલેગર સ્થળ પર હાજર મળ્યો નહોતો. યુવરાજ સામે અગાઉ પણ કરોડોના દારૂ સંગ્રહ, વેચાણના ૪૨ ગુના નોંધાયેલાં છે. મેહુલ ઝાલા, તેના ભાઈ રામદેવ ઝાલા અને દિવ્યરાજ જાડેજા સામે પણ પ્રોહિબિશન તળે પાંચથી આઠ ગુના નોંધાયેલાં છે.
ત્રગડીમાં અન્ય યુવરાજનો ૧.૫૮ લાખનો માલ જપ્ત
LCBએ ત્રગડી ગામે અન્ય એક બૂટલગેર યુવરાજસિંહ ઊર્ફે ટીટી મનુભા જાડેજાના રહેણાક પાસે બનાવેલા ગુપ્ત રૂમમાં દરોડો પાડીને ૧.૫૮ લાખનો દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. જો કે, આરોપી હાજર મળ્યો નહોતો. LCB પીઆઈ એ.એમ. મકવાણા, પીએસઆઈ જે.બી. જાદવ અને એમ.એચ. શિણોલ સહિતનો સ્ટાફ બંને દરોડામાં જોડાયો હતો.
અનોપને છૂટ મળી હોવાના ચાડી ખાતાં દ્રશ્યો
યુવરાજની જેમ અનોપ પણ સક્રિય થઈ ગયો છે. જો કે, ‘અગમ્ય કારણોસર’ અનોપના અડ્ડાઓ સામે ‘ખાખી’ આંખ આડા કાન કરી રહી હોઈ ‘ખાખી’ની કાર્યવાહીની દાનત પર શંકા ઉત્પન્ન થઈ રહી છે. ભુજમાં મહાદેવ નાકા આસપાસ અનોપ પાસેથી માલ ખરીદીને રાજદીપ છૂટથી વેચાણ કરી રહ્યો છે. તો, માધાપરના કારીમોરી બાગમાં કાનો પણ અનોપના માલનું છૂટથી વેચાણ કરી રહ્યો છે. લાકડીયામાં પડેલા દરોડામાં પણ અનોપનું નામ ના ખૂલે તે માટે ત્રણેક પેટીનો તગડો વહેવાર થઈ ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બેફામ અનોપે મોટો જથ્થો ઉતારી લીધો હોવાનું ચર્ચાય છે.
Share it on
|