કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં પશુ આહારના ખોળ ભૂસાના વેપારી સાથે તેના વર્ષો જૂનાં મિત્રએ ધંધામાં રોકાણ કરવાના બહાને ૮૯ લાખ રૂપિયા મેળવી લઈને છેતરપિંડી કરી છે. LCBએ પ્રાથમિક તપાસ કરી, બી ડિવિઝનમાં FIR નોંધાવડાવી આરોપીને ભુજથી જ દબોચી લીધો છે. ભુજ માર્કેટ યાર્ડમાં અરિહંત ટ્રેડર્સ નામથી પશુ આહારની વેપારી પેઢી ધરાવતા ૩૮ વર્ષિય અંકિત ધનસુખલાલ શેઠે તેના કૉલેજકાળના મિત્ર દર્શિત પ્રભુલાલ મહેતા (રહે. હાલ વડોદરા) વિરુધ્ધ વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. અંકિતે જણાવ્યું કે તે ૨૦૦૩માં ભુજની કૉલેજમાં ભણતો હતો ત્યારથી દર્શિત મહેતા તેનો મિત્ર હતો. કૉલેજ અભ્યાસ બાદ દર્શિત દુબઈ જતો રહેલો. ૨૦૨૩માં દર્શિત ભુજમાં તેને રૂબરૂ મળવા આવ્યો હતો. દર્શિતે તેને જણાવ્યું હતું કે હાલ તે સુરતમાં એક ટાઈલ્સ કંપનીના એરિયા સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે.
સુરતની એક જાણીતી રીયલ એસ્ટેટ પેઢીએ રહેણાક મકાનોનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે તેમાં ટાઈલ્સ અને વાયરીંગનો ઓર્ડર મળે તેમ છે. દર્શિતે અંકિતને રોકાણ કરવા જણાવી સારો નફો મળવાની લાલચ આપેલી.
વર્ષો જૂનાં મિત્રની વાતો પર ભરોસો કરીને અંકિતે તેના બેન્ક એકાઉન્ટથી ૨૭-૧૦-૨૦૨૩થી ૨૫-૧૧-૨૦૨૪ના ૧૩ માસના સમયગાળા દરમિયાન ટૂકડે ટૂકડે ૧૮ વખત દર્શિતના જણાવ્યા મુજબ તેના ભાઈ નિરવના ખાતામાં ૧ કરોડ ૬ લાખ ૪૫ હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યાં હતાં.
અંકિતને વિશ્વાસમાં લેવા માટે નફા પેટે દર્શિતે મે ૨૦૨૪થી ઓક્ટોબર ૨૦૨૪ દરમિયાન ટૂકડે ટૂકડે ૧૭ લાખ ૧૨ હજાર ૫૦૦ રૂપિયા પરત જમા કરાવ્યાં હતા.
છેલ્લે ૨૫-૧૦-૨૦૨૪ના રોજ દોઢ લાખ જમા કરાવ્યાં બાદ દર્શિતે વાયદાબાજી શરૂ કરી દીધેલી. બિલ્ડરનું કૌભાંડ નીકળ્યું હોઈ તે અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે તેવું કહીને દર્શિતે બે ચાર મહિનાનો ટાઈમ ખેંચી કાઢ્યો હતો. ગયા મહિનાથી દર્શિતના મોબાઈલ ફોન નંબરો બંધ થઈ ગયેલાં.
દર્શિતને મળવા ફરિયાદી સુરતમાં આંટો મારી આવેલો પણ તે ઘરે હાજર મળ્યો નહોતો.
બનાવ અંગે અરજીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરાવીને આરોપી દર્શિતને ભુજમાંથી જ દબોચી લઈ બી ડિવિઝનના હવાલે કર્યો છે.
Share it on
|