|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ચોપડાં પર બોગસ કંપનીઓ ઊભી કરી, કાગળ પર કરોડોના માલનું ખરીદી વેચાણ દર્શાવી સેન્ટ્રલ GST પાસેથી કરોડો રૂપિયાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ (ITC) કટકટાવવાના ગુનામાં દિલ્હીના બે ઠગની જામીન અરજી કૉર્ટે ફગાવી દીધી છે. વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩ દરમિયાન ગાંધીધામસ્થિત સેન્ટ્રલ GST ઈન્ટેલિજન્સ વિભાગના ડિરેક્ટર જનરલની કચેરી (DGGI)ને ગાંધીધામના સરનામે બોલતી બે પેઢીઓના શંકાસ્પદ આર્થિક વ્યવહારો ધ્યાને આવ્યાં હતાં. ગાંધીધામના સરનામે નોંધાયેલી આદમ સ્મિથ કૉમોડિટીઝ પ્રાઈવેટ લિ. અને વારસુર ઈમ્પેક્સ પ્રા.લિ.ના સરનામે તપાસ કરતાં આવી કોઈ વેપારી પેઢીઓ અસ્તિત્વમાં ના હોવાનું સ્પષ્ટ થયેલું.
બેઉ પેઢીઓએ એક રૂપિયાનો માલ મગાવ્યો ના હોવા છતાં ચોપડાં પર રાઈસ બ્રાન અને કોલનો કરોડોનો માલ મગાવીને જિમ્પેક્સ પ્રા.લિ., ઈમામી એગ્રો ટેક લિમિટેડ, નાઈન પ્લેનેટ્સ, અગરાર ટ્રેડિંગ પ્રા.લિ. નામની અન્ય કંપનીઓમાં સપ્લાય કર્યો હોવાનું દર્શાવીને સેન્ટ્રલ GST પાસેથી ૧૭.૦૪ કરોડની ITC મેળવેલી.
CGST વિભાગે તપાસ કરતાં આ કંપનીઓના બે સૂત્રધાર સાઉથ દિલ્હીમાં રહેતાં હોવાનું બહાર આવેલું. બંનેના વિસ્તૃત નિવેદનો, પૂછપરછ બાદ ગયા મહિને બેઉની ધરપકડ કરાયેલી.
આદમ સ્મિથ કૉમોડિટીઝ નામની બોગસ કંપની ઊભી કરનારા ૫૭ વર્ષિય આશિષ મદન વતી કૉર્ટમાં દલીલ કરવા સુપ્રીમ કૉર્ટ સહિત બબ્બે સિનિયર વકીલો હાજર રહ્યાં હતાં.
આ બેઉ વકીલોએ જણાવ્યું હતું કે ગુનો મહત્તમ પાંચ વર્ષની કેદની સજાને પાત્ર છે, જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ છે, કેસ કમ્પાઉન્ડેબલ ઓફેન્સ (માંડવાળ પાત્ર ગુનો) છે, આશિષની ૮૭ વર્ષિય માતા અલ્ઝાઈમરની પીડાય છે. વારસુર ઈમ્પેક્સ પ્રા.લિ. નામની બોગસ પેઢી ધરાવતા વરુણ ટંડને પણ જામીન અરજી દાખલ કરેલી.
સરકારી વકીલની ધારદાર દલીલોથી કૉર્ટ કન્વિન્સ
DGGI વતી બેઉ આરોપીની જામીન અરજી નામંજૂર કરવા દલીલ કરતાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ગુનો કંપાઉન્ડેબલ ઓફેન્સ છે પરંતુ આરોપીઓની પેનલ્ટી સહિત ૩૩.૩૬ કરોડ રૂપિયા ચૂકવવાની કોઈ દાનત જ નથી, અન્યથા CGST વિભાગ તો માંડવાળ કરવા તત્પર જ છે!
આરોપીઓએ કોઈપણ પ્રકારનો સામાન કે સેવા પ્રદાન કર્યાં વગર બોગસ કંપનીઓ ઊભી કરીને સરકારને કરોડોનો ચૂનો ચોપડ્યો છે. પાંચ કરોડથી વધુની ITCનો ગુનો હોય ત્યારે જે કલમો લગાડાય તે જ કલમો લગાડાઈ છે.
ગોસ્વામીએ ITCનો ફ્લૉ ચાર્ટ રજૂ કરીને દલીલ કરી હતી કે જામીન અરજી સમયે આરોપીની ગુનામાં પ્રથમદર્શનીય સંડોવણી જોવાની હોય છે, પુરાવાનું મૂલ્યાંકન કરવાનું હોતું નથી. આરોપીઓની ગુનાહિત માનસિક્તા, ગુનામાં તેમની સંડોવણી, ભૂમિકા જોવી જરૂરી છે. કારણ કે, એક રૂપિયાનો માલ સામાન ખરીદ વેચાણ કર્યાં વગર તેમણે આ કૌભાંડ આચર્યું છે.
તેમાંય નાઈન પ્લેનેટ્સ અને અગરાર ટ્રેડિંગ નામની કંપનીઓ આરોપીઓએ જ ઊભી કરેલી બોગસ કંપનીઓ હોવાનું તપાસમાં સ્પષ્ટ થયું છે.
સ્પષ્ટ રીતે આ વ્હાઈટ કૉલર ક્રાઈમ છે. બંને પક્ષની દલીલો, ઉપલબ્ધ પુરાવા અને કાયદાકીય જોગવાઈઓને અનુલક્ષીને ગાંધીધામના ચોથા અધિક સેશન્સ જજ એ.એમ. મેમણે આશિષ મદન અને દસમા અધિક સેશન્સ જજ લલિત ડી. વાઘે વરુણ ટંડનની જામીન અરજીઓ ફગાવી દીધી હતી.
Share it on
|