કચ્છખબરડૉટકોમ, ભુજઃ પશ્ચિમ કચ્છમાં જાણે ખાખીના આશીર્વાદથી ખુલ્લેઆમ દેશી વિદેશી શરાબનું બેફામ વેચાણ ચાલતું હોઈ હવે જનતાને જ પોલીસની ભૂમિકા ભજવવાનો વારો આવ્યો છે! ગત રાત્રે ભુજના સરહદી ખાવડા નજીક લુડિયા ત્રણ રસ્તા નજીક પેટ્રોલ પંપ સામે સફેદ ફોરચ્યુનર કારની ડીકીમાં બિન્ધાસ્ત રીતે દારૂની બાટલીઓ લાવીને ખુલ્લેઆમ વેચાણ કરતાં એક શખ્સને ગ્રામજનોએ પડકાર્યો હતો. ગામના સરપંચ લતીફભાઈ સહિતના લોકોએ આ શખ્સને પડકારીને પોલીસને જાણ કરી હતી. પરિણામે, તે દારૂ ભરેલી ગાડી લઈને ભુજ તરફ ભાગી ગયો હતો.
સમગ્ર ઘટના અંગે ગ્રામજનોએ મોબાઈલમાં વીડિયો રેકોર્ડ કરી લીધો હતો.
પરિણામે, પોલીસે તથાકથિતપણે આ ગાડીનો પીછો કરીને ભીરંડિયારા ટોલ નાકા પાસે ઝડપી પાડી હતી. GJ-12 CP-0962 નંબરની સફેદ ફોરચ્યુર કારની ડીકીમાંથી પોલીસે વ્હિસ્કીની ૩૬ અને વોડકાની ૧૨ બોટલ મળી ૨૬ હજારની કિંમતની ૪૮ બોટલ જપ્ત કરી ડ્રાઈવર મહાવીરસિંહ બળવંતસિંહ સોઢા (રહે. વેરસરા, રાપર) સામે ગુનો દાખલ કર્યો છે.
આ શખ્સ કોની પાસેથી દારૂ ખરીદીને લાવીને અહીં વેચાણ કરતો હતો તે શખ્સનું નામ પોલીસે ફરિયાદમાં જણાવ્યું નથી.
ખાવડા નજીક આરઈ પાર્ક સહિતના વીજ મથકો અસ્તિત્વમાં આવ્યાં છે. આ વીજ મથકોમાં મોટાપાયે પરપ્રાંતીય મજૂરો કામ કરી રહ્યાં હોઈ ગાંધીધામ અને મુંદરાની જેમ અહીં પણ મોટાપાયે દેશી વિદેશી દારૂની બદી વ્યાપક બની છે. પશ્ચિમ કચ્છમાં મુંદરાની જેમ ખાવડા પણ હવે ‘કમાઉ’ પોલીસ મથકમાં ગણાવા માંડ્યું છે.
SP DySPના પેટનું પાણી કેમ હલતું નથી?
ખાવડામાં અગાઉ પણ ખુલ્લેઆમ દેશી અને વિદેશી દારૂના વેચાણની વીડિયો ક્લિપો વાયરલ થયેલી છે. પરંતુ, ભુજમાં બેસતાં SP, DySPના પેટનું જરાય પાણી હલતું નથી. ખરેખર તો આ પ્રકારના વીડિયો વાયરલ થતાં જ જે-તે પોલીસ મથકના પીઆઈ સામે કડક એક્શન લેવાતાં હોય છે. અષાઢી બીજે ભુજમાં કહેવાતો બિન સરકારી કાર્નિવલ યોજાવાનો છે ત્યારે પશ્ચિમ કચ્છમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અનુલક્ષીને ભુજની જનતા જોઈ જાળવીને તેમાં ભાગ લે તે હિતાવહ છે. કારણ કે, સેંકડો લોકો એકઠાં થશે ત્યારે જો તેને અનુરૂપ સલામતી વ્યવસ્થા નહીં ગોઠવાઈ હોય તો મજાના બદલે વગર કારણે સજા મળી શકે છે.
Share it on
|