click here to go to advertiser's link
Visitors :  
15-Aug-2026, Saturday
Home -> Bhuj -> Bhuj Spcl Court Awards RI Life Term to Murder Convict
Monday, 20-Apr-2026 - Bhuj 43570 views
બેસતાં વર્ષના દિવસે માનકૂવામાં યુવકની સરાજાહેર હત્યા કરનાર હત્યારાને આજીવન કેદ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ આજથી સાડા ૪ વર્ષ અગાઉ બરાબર બેસતાં વર્ષના દિવસની સાંજે માનકૂવામાં ૪૨ વર્ષિય યુવકના માથામાં ધોકા મારીને મોત નીપજાવનાર હત્યારાને ભુજ કૉર્ટે સખ્ત આજીવન કેદની સજા ફટકારી છે. સજા સાથે કૉર્ટે ૫૦ હજારનો દંડ પણ ફટકાર્યો છે. ૫ નવેમ્બર ૨૦૨૧ની સાંજે માનકૂવાના જાહેર ચોકમાં જુમ્મા મસ્જિદની સામે આવેલી ચાની હોટેલ પર સરાજાહેર હત્યાનો બનાવ બન્યો હતો. મરણ જનાર વિનોદ થાવર દનીચા (મહેશ્વરી) તેના ત્રણ મિત્રો જોડે ચાની હોટેલ પર વાતો કરતો હતો

તે સમયે ગામમાં રહેતા હાજીખાન ઓસમાણખાન બલોચ (ઉ.વ. ૪૪, રહે. સદુરાઈ વિસ્તાર, ભારાસર રોડ, માનકૂવા)એ ધોકાથી તેના પર હુમલો કરેલો.

હાજીખાનની બહેન એક વર્ષ અગાઉ કોઈની સાથે ભાગી ગયેલી અને ઘરે પરત ફરી નહોતી. બહેનને ભગાડવામાં વિનોદનો હાથ હોવાનો વહેમ રાખીને તેણે લાકડાના ધોકાથી વિનોદના માથામાં જોરદાર ફટકો માર્યો હતો. ગંભીર ઈજાથી વિનોદનું મરણ નીપજ્યું હતું.  

બનાવ અંગે તત્કાલિન ઈન્ચાર્જ પીઆઈ વાય.પી. જાડેજાએ હત્યા, એટ્રોસિટી સહિતની કલમો તળે ફરિયાદ નોંધી હતી. આ કેસમાં હત્યાને નજર જોનાર વિનોદના બે મિત્રોએ આપેલી સમર્થનકારી જુબાની, ગામના સીસીટીવી ફૂટેજના પુરાવા, ધોકા પરથી મળી આવેલા બ્લડના પુરાવા સહિતના ૩૯ દસ્તાવેજી પુરાવા અને ૧૯ સાક્ષીઓના આધારે ભુજના આઠમા અધિક સેશન્સ જજ અને એટ્રોસિટી કૉર્ટના વિશેષ જજ તુષાર એન. ખંધડીયાએ હાજીખાનને સખ્ત આજીવન કારાવાસ સાથે પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

દંડની રકમ વસૂલ થયે મૃતકના વારસદારોને વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે. ગુનો બન્યો ત્યારથી હત્યારો હાજીખાન જેલમાં જ કેદ છે.

ગુનાની તપાસ પશ્ચિમ કચ્છ SC/ST Cellના તત્કાલિન DySP આશિષ એ. પંડ્યાએ કરેલી. કેસમાં સરકાર તરફે અધિક જિલ્લા સરકારી વકીલ પ્રવિણચંદ્ર વી. વાણિયાએ હાજર રહીને તહોમતનામું પુરવાર કરવા દલીલો કરી હતી.

Share it on
   

Recent News  
સામખિયાળીઃ ૧૧ વર્ષની દીકરીની લાંબા સમયથી જાતીય સતામણી કરતો યુવક ઝડપાયો
 
આદિપુરઃ વિમાનમાં ઉડી રોયલ લાઈફ માણવા ૧ કરોડનો માલ ચોરનાર બે નેપાળી કામવાળી પકડાઈ
 
અદાણી મુંદરા એરપોર્ટ પરથી બાવન દિવસમાં ૧૦ હજાર પ્રવાસીઓએ ઉડાન ભરી