|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના રતિયા ગામની જમીનના માપણી વધારા અંગે કલેક્ટરના ચિટનીસ અને કલેક્ટરનો નકલી આખરી હુકમ બનાવનાર કલેક્ટર કચેરીની મહેસુલ શાખાના ક્લાર્ક અનિલ ભીખાભાઈ કરેણે ધરપકડથી બચવા કરેલા આગોતરા કૉર્ટે ફગાવી દીધા છે. ગત ૧૮ સપ્ટેમ્બરે અનિલ કરેણ સામે ભુજના મામલતદાર અરુણ શર્માએ ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં ઠગાઈ કરવાના હેતુથી બોગસ દસ્તાવેજો બનાવવા સબબ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. મૂળ પાલનપુરના લાલાવાડા ગામના વતની અને હાલ અબડાસા મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા ૩૨ વર્ષિય અનિલ કરેણની પોલીસ આજ દિન સુધી ધરપકડ કરી શકી નથી.
ભુજના સાતમા અધિક સેશન્સ જજ એન.પી. રાડિઆએ આજીવન કેદની સજાને પાત્ર આ કેસમાં આરોપીની પ્રથમદર્શનીય સંડોવણી હોવાનું માનીને એન્ટીસિપેટરી બેઈલ એપ્લિકેશન ફગાવી દીધી છે. ભુજ એ ડિવિઝન પોલીસ કે બાહોશ LCBની નજરે કરેણ ક્યારે ચઢશે તેના પર કચ્છની જાગૃત જનતાની નજર મંડાઈ છે. આ કેસમાં સરકાર તરફે એડવોકેટ ડી.જે. ઠક્કરે દલીલો કરી હતી.
વિદેશમાં નોકરીની લાલચે ફ્રોડઃઆરોપીના આગોતરા રીજેક્ટ
કડિયાકામ, સુથારીકામ વગેરેના બહાને વિદેશમાં કામ અપાવવાની લાલચે અનેક લોકોનું કરી નાખનારી ગેંગના નાસતાં ફરતાં સાગરીત દિનેશ દેવજી ભાનુશાલી (ઉ.વ. ૩૫, માનકૂવા નવાવાસ, ભુજ)ની આગોતરા જામીન અરજી સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. માધાપર પોલીસ મથકે દાખલ થયેલા આ ગુનામાં એફઆઈઆરમાં આરોપી તરીકે દિનેશનું નામ નહોતું, તપાસ દરમિયાન ખૂલ્યું હતું. પોલીસે પાછળથી આ ગુનામાં ગુનાહિત ષડયંત્રની કલમ પણ ઉમેરી હતી.
દિનેશે અગાઉ સેશન્સ કૉર્ટમાં આગોતરા જામીન અરજી કરેલી જેને કૉર્ટે રીજેક્ટ કરી દીધેલી. ત્યારબાદ, પકડાયેલાં અન્ય આરોપીઓ સામે પોલીસે ચાર્જશીટ રજૂ કરતાં તેનો આધાર લઈને દિનેશે ફરી સેશન્સ કૉર્ટમાં સતત બીજી આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.
સરકારી વકીલ પી.વી. વાણિયાએ આ રીતે સહઆરોપીઓ સામે ચાર્જશીટ થયા બાદ આરોપી બીજીવાર આગોતરા જામીન અરજી દાખલ કરી શકે નહીં, દિનેશનો ભૂતકાળ ગુનાહિત છે, સમાજવિરોધી ગુનો છે વગેરે મુદ્દે દલીલો કરી અરજી રીજેક્ટ કરી દેવા રજૂઆત કરી હતી. આઠમા અધિક સેશન્સ જજ તુષાર ખંધડિયાએ દિનેશની અરજી રીજેક્ટ કરી દીધી છે. પોલીસ ચોપડા પર નાસતો ફરતો દિનેશને ક્યારે ઝડપાશે તેના પર કચ્છની જાગૃત જનતાની મીટ મંડાઈ છે.
ડિજિટલ અરેસ્ટના ગુનામાં ભુજના યુવકને જામીનની ના
ભુજની બેન્કર્સ કોલોનીમાં રહેતી ૬૪ વર્ષિય એકાકી નિવૃત્ત શિક્ષિકા ડિજિટલ અરેસ્ટ કરીને ૭૬ લાખ રૂપિયા જેવી જંગી રકમ પડાવી લેવાના ગુનામાં ઝડપાયેલા ભુજના યુવકે ચાર્જશીટ બાદ કરેલી જામીન અરજી કૉર્ટે ફગાવી દીધી છે. સાયબર માફિયાઓએ પોલીસનો વેશ ધારણ કરીને, મની લોન્ડરિંગનો કેસ દાખલ થયો હોવાનું જણાવી, સુપ્રીમ કૉર્ટની બોગસ નોટિસ બતાવીને શિક્ષિકાને હાઉસ અરેસ્ટ કરીને સતત ત્રણ દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી રાખેલા.
સાયબર માફિયાઓએ આ નાણાં જે વિવિધ બેન્ક ખાતાઓમાં જમા કરાવડાવેલાં તે પૈકીનું એક બેન્ક ખાતું ભુજની શાહરાબાગ સોસાયટી, એરપોર્ટ રોડ પર રહેતા સાહિલ મુસ્તાક ખત્રી (ઉ.વ. ૨૩)નું હોવાનું તપાસમાં ખૂલેલું.
પોલીસે તેની ધરપકડ કરેલી. તપાસમાં બહાર આવ્યું હતું કે સાહિલના ખાતામાં ૧૦ લાખ રૂપિયા જમા થયેલા અને કમિશન પેટે તેને ૧ લાખ રૂપિયા મળ્યાં હતા.
કૉર્ટે ગુનાને ગંભીર ગણાવી અરજી ફગાવી
૧૮-૦૭-૨૦૨૫ના રોજ દાખલ થયેલી ફરિયાદ સંદર્ભે સાહિલની ધરપકડ બાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને તેની વિરુધ્ધ ચાર્જશીટ દાખલ કર્યા બાદ તેણે નિયમિત જામીન મેળવવા અરજી કરેલી. ગુનામાં આરોપીની પ્રથમદર્શનીય અને સક્રિય સંડોવણી, અન્ય આરોપીઓ સામેની તપાસ હજુ ચાલું હોવાનું તથા સમાજમાં આવા ગુના વધ્યા હોવાનું અને આરોપીએ આ ગુનામાં મુખ્ય આરોપીને મદદ કરી પ્રોત્સાહન આપ્યું હોવાના અવલોકન કરીને છઠ્ઠા અધિક સેશન્સ જજ વી.એ. બુધ્ધે અરજી ફગાવી દીધી છે. આ કેસમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ સુરેશ એ. મહેશ્વરીએ દલીલો કરી હતી.
Share it on
|