|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના લેર ગામના સીમાડે આવેલી આશાપુરા પરફોક્લે કંપની પ્રદૂષણ ફેલાવતી હોવાના આરોપ સબબ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઈન્ચાર્જ પ્રાદેશિક અધિકારી સુરેશ અગ્રાવતે ભુજના ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ કૉર્ટમાં ખાનગી ફરિયાદ દાખલ કરેલી. ૨૦૧૯માં દાખલ કરેલી આ ફરિયાદમાં આરોપી તરીકે કંપનીના ત્રણ ડાયરેક્ટરો ચેતન નવનીતલાલ શાહ, રજનીકાંત પજવાની અને સૂર્યકાન્ત શાહ (રહે. ત્રણે મુંબઈ)ને દર્શાવાયા હતા. ફરિયાદ અન્વયે ભુજ કૉર્ટે પ્રોસેસ ઈસ્યૂ કરતા આરોપીઓ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થયેલાં. ત્યારબાદ કૉર્ટે ફરિયાદ પક્ષનો પુરાવો નોંધવાનું શરૂ કરેલું.
આરોપીઓની ડિસ્ચાર્જ અરજી આ માટે ફગાવાયેલી
આરોપીઓએ કૉર્ટ સમક્ષ હાજર થયાં બાદ પોતે કંપનીના ડાયરેક્ટરો ના હોવાની, કંપનીના ચાર્જમાં રહેલી દરેક વ્યક્તિ જ નિયમભંગ બદલ જવાબદાર (માની લીધેલી- Deemed) ગણાય વગેરે મુદ્દે રજૂઆત કરી તેમને આ કેસમાં બિન તહોમત છોડી મૂકવા અરજી (ડિસ્ચાર્જ એપ્લિકેશન) કરેલી.
ત્રીજા અધિક ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટએ તેઓ કંપનીના ડાયરેક્ટરો ના હોવાનો તર્ક યોગ્ય જણાતો ના હોવાનું તથા ફરિયાદ પક્ષને પુરાવા રજૂ કરવાની તક આપ્યા વગર આરોપીઓને બિન તહોમત ઠરાવવા ન્યાયોચિત નથી તેમ જણાવીને ૨૫-૦૧-૨૦૨૫ના રોજ અરજી ફગાવી દીધી હતી.
કૉર્ટે જણાવેલું કે આરોપીઓને પણ તેમના પુરાવા રજૂ કરવાની તક રહેલી છે અને રજૂ થયેલા પુરાવા અન્વયે ઉલટતપાસ કરવાની તક રહેલી છે.
સેશન્સે અરજીને પ્રીમેચ્યોર અને નોન મેઈન્ટેનેબલ ગણાવી
નીચલી કૉર્ટના હુકમ સામે ત્રણે ડાયરેક્ટરોએ સેશન્સ કૉર્ટમાં રિવિઝન અરજી દાખલ કરેલી. સેશન્સ કૉર્ટે રિવિઝન અરજીને પ્રી મેચ્યોર ગણાવી મેઈન્ટેનેબલ (ટકવાપાત્ર) ના હોવાનું જણાવીને રીજેક્ટ કરી દીધી છે. આઠમા અધિક સેશન્સ જજ તુષાર ખંધડિયાએ હુકમમાં જણાવ્યું કે પર્યાવરણ સુરક્ષા અધિનિયમ ૧૯૮૬ની કલમ ૧૫ હેઠળ દાખલ થયેલો કેસ છે. જેમાં મહત્તમ પાંચ વર્ષ સુધીની કેદ અથવા એક લાખ સુધીનો દંડ અથવા બંનેની જોગવાઈ છે. વૉરન્ટ ટ્રાયેબલ કેસ છે. ફરિયાદ પક્ષના પુરાવાની નોંધણી ચાલું છે.
પુરાવાની નોંધણી પૂરી થયા બાદ તહોમતનામું ઘડવા (ચાર્જ ફ્રેમ)નો અથવા આરોપીઓને બિન તહોમત છોડી મૂકવાનો (ડિસ્ચાર્જ)નો તબક્કો શરૂ થાય છે. જ્યાં સુધી પુરાવો પૂરો ના થાય ત્યાં સુધી આવી અરજી નિયત મુદ્દત પહેલાંની અથવા કસમયની (પ્રી મેચ્યોર) ગણાય. તેથી આ અરજી અદાલતમાં ટકવાપાત્ર નથી.
સેશન્સ કૉર્ટે ટ્રાયલ કૉર્ટે કરેલા હુકમને સમર્થન આપીને હાલના તબક્કે તેમાં કોઈ દખલ કરવા જેવું જણાતું ના હોવાનું જણાવ્યું છે. પુરાવો નોંધવાની પ્રક્રિયા પૂરી થયાં બાદ આરોપીઓ/અરજદારોને CrPC ૨૪૫ મુજબ ડિસ્ચાર્જ અરજી દાખલ કરવાની સ્વતંત્રતા રહેશે. આ કેસમાં સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ પી.વી. વાણિયા અને જીપીસીબીના અધિકારી તરફે એડવોકેટ વી.બી. મકવાણાએ દલીલો કરી હતી.
Share it on
|