કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના દેશલપર ગામે રહેતી ૨૦ વર્ષિય યુવતીની છરી વડે હત્યા કરનારા માધાપરના પ્રેમીએ ચાર્જશીટ બાદ કરેલી નિયમિત જામીન અરજી ભુજના સેશન્સ જજે ફગાવી દીધી છે. હત્યાના બનાવ અંગે ૪-૧૦-૨૦૨૩ના રોજ માનકૂવા પોલીસ મથકે FIR નોંધાયેલી. ભુજના દેશલપર ગામે રહેતી નઝમા હુસેન હિંગોરજા ૨૯ સપ્ટેમ્બરના રોજ ઘરેથી ભેદી રીતે ગુમ થઈ ગઈ હતી. દીકરી ગુમ થતાં માલધારી પરિવારે તેની શોધખોળ કરેલી અને ના મળતાં બીજા દિવસે માનકૂવા પોલીસ મથકે ગુમનોંધ લખાવેલી. પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે નઝમા માધાપરમાં રહેતા કેવલ માવજીભાઈ સથવારા (૨૩, રહે. સથવારા વાસ, મઢુલી પાસે, માધાપર) સાથે કેરીની વાડીઓમાં મજૂરીકામે જતી હોઈ બેઉ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. પોલીસે કેવલને બોલાવી પૂછતાછ કરતાં તેણે પોલીસને એમ કહી ગેરમાર્ગે દોરી હતી કે નઝમાએ કોડકી નજીક નદીમાં કૂદકો મારી આપઘાત કર્યો છે. પોલીસે આખો દિવસ નદીમાં લાશની શોધખોળ કરી હતી પરંતુ કોઈ સફળતા મળી નહોતી.
યુક્તિપૂર્વક પૂછતાછ બાદ કેવલે કોડકી ગામની સીમમાં ખારી તલાવડી નજીક આવેલા ડુંગર પાસે નઝમાને પેટમાં ચાકુ મારી મારી નાખી હોવાનું કબૂલ્યું હતું. કેવલે બતાડેલી જગ્યા પર પોલીસે તપાસ કરતાં નઝમાની લાશ અને નજીકમાં પડેલું લોહીથી ખરડાયેલું ચાકુ મળી આવ્યું હતું.
તપાસમાં ખૂલ્યું હતું કે નઝમા ઘરેથી સોનાનો હાર અને મોબાઈલ લઈને આવેલી. આરોપીએ તે સોનાનો હાર ૮૨ હજાર રૂપિયામાં સોનીને વેચી માર્યો હતો અને મોબાઈલ ફોન ફેંકી દીધો હતો. પોલીસે તે હાર કબજે કર્યો હતો. નઝમાને જે છકડામાં લઈ ગયો હતો તે છકડો પણ કબજે કરાયો હતો.
ચાર્જશીટ દાખલ થયા બાદ આરોપીને જામીન આપવા રજૂઆત કરતા તેના વકીલે દલીલ કરી હતી કે માત્ર શંકાના આધારે તેને ખોટાં કેસમાં ફીટ કરી દેવાયો છે. ફરિયાદીએ બનાવ નજરે જોયો નથી કે બનાવ સમયે મૃતક અને આરોપી સાથે હોય તેવી હકીકત ચાર્જશીટ પરથી સ્પષ્ટ થતી નથી.
આમ, ગુનામાં આરોપીને સંડોવતો કોઈ સીધો કે આડકતરો પૂરાવો નથી. જો કે, સરકારી વકીલ એસ.એ. મહેશ્વરીની દલીલો અને ચાર્જશીટના કાગળિયા જોઈને સેશન્સ જજ એચ.એસ. મુલિયાએ જામીન અરજી ફગાવી દેતાં જણાવ્યું કે હાલનો કેસ લાસ્ટ સીન ટૂગેધરનો નથી અને જે રીતે આરોપીએ ગુનો આચર્યો છે તે જોતાં સાંયોગિક પૂરાવા આધારીત કેસ છે.
સાંયોગિક પૂરાવા જોતાં આરોપીએ પ્રથમદર્શનીય રીતે ગુનો આચર્યો હોવાનું સ્પષ્ટ ફલિત થાય છે.
આરોપીની વર્તણૂક ધ્યાને લેતાં તેણે પોલીસને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કર્યો હોવાનું અને ગુનો આચર્યાં બાદ લાંબા સમય સુધી હકીકત છૂપાવી રાખી પૂરાવાનો નાશ પણ કર્યો હોવાનું જણાય છે. ગુનાની ગંભીરતા, આરોપીની પ્રથમદર્શનીય સંડોવણી અને સાંયોગિક પૂરાવાને અનુલક્ષીને તેને જામીન આપવા ન્યાયોચિત જણાતું નથી.
Share it on
|