કચ્છખબરડૉટકોમ, ભુજઃ લગ્નેતર સંબંધની અદાવતમાં ભુજના ૩૪ વર્ષિય યુવકની ગુનાહિત ષડયંત્ર ઘડીને ઘાતકી હત્યા કરવાના ગુનામાં જેલમાં કેદ દંપતીએ ચાર્જશીટ બાદ કરેલી નિયમિત જામીન અરજીને ભુજ સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. હત્યાનો બનાવ ૨૦ મે ૨૦૨૪ની રાત્રિથી ૨૨ મેની સવારે ૧૧ દરમિયાન બન્યો હતો. ભુજના રીજીયોનલ સાયન્સ મ્યુઝિયમ બહાર આવેલી ઓરડીમાં અંજલિ ઊર્ફે ટીના રાઠોડ અને તેના પતિ સંજય શાંતિભાઈ રાઠોડ (રહે. બંને સ્મૃતિવન ક્વાર્ટર, ભુજ)એ અહેમદ વલીમામદ મેમણને ધોકા અને સાણસીથી માર મારીને હત્યા નીપજાવી હતી.
અહેમદને માર માર્યાં બાદ દંપતી તેને સારવાર માટે આદિપુરની રામબાગ હોસ્પિટલમાં લઈ ગયું હતું. જ્યાં ટીનાએ અહેમદને પોતાનો પતિ ગણાવી પોલીસ ચોપડે પોતાનું ખોટું નામ પરવીન બાનુ જણાવી કોન્ટેક્ટ નંબરમાં પોતાના પતિ સંજયનો નંબર લખાવ્યો હતો. ત્યારબાદ અહેમદને હોસ્પિટલથી પરત લઈ આવી ફરી ક્રૂરતાપૂર્વક ઢોર માર મારી હત્યા નીપજાવી હતી.
પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં મૃતકના શરીરે ઈજાના ૩૬ નિશાન હોવાનું સ્પષ્ટ થયેલું. ટીનાએ પોલીસને ગેરમાર્ગે દોરવા પોતાનું ખોટી ઓળખ જાહેર કરેલી, ચાર્જશીટ બાદ કેસના સંજોગોમાં કોઈ ફેરફાર ના થયો હોવાના તથા ફરિયાદી અને આરોપીઓ બધા એક જ વિસ્તારમાં રહેતાં હોઈ સાક્ષીઓ પૂરાવા પ્રભાવિત થવાની દહેશત સહિતના સહિતના મુદ્દે સેશન્સ જજ અંબરીષ વ્યાસે દંપતીની અરજી ફગાવી દીધી છે.
Share it on
|