કચ્છખબરડૉટકોમ, ભુજઃ પગના મોજાની આડમાં ચીનથી સ્લીપર અને સેન્ડલનું સ્મગલિંગ કરવાના ગુનામાં ગાંધીધામ ડીઆરઆઈએ ઝડપેલા હિસાર, હરિયાણાના સૂત્રધારે કરેલી નિયમિત જામીન અરજી ભુજની સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. આ ગુનામાં ૨૪-૦૭-૨૦૨૫ના રોજ પકડાયેલા આરોપી શંકર ત્રિલોકચંદ ગર્ગ (ઉ.વ. ૩૬)એ ગુનાનું આખું ષડયંત્ર તેના બાળપણના મિત્ર અવનિશે ઘડ્યું હોવાની રજૂઆત કરી હતી. પોતાની આર્થિક નબળી પરિસ્થિતિને અનુલક્ષીને અવનિશના કહ્યા મુજબ પોતાના નામથી મહાદેવ ટ્રેડ લિન્ક્સ નામની પેઢી ખોલી હોવાનું અને પાવર ઑફ એટર્ની મારફતે પેઢીનો બધો વહીવટ અવનિશને સોંપી દીધો હોવાનો દાવો કર્યો હતો. જો કે, બિલ ઑફ એન્ટ્રીમાં શંકરે કરેલી સહીઓ, વૉટસએપ મારફતે દસ્તાવેજો તથા ઓટીપીની કરેલી આપ-લે વગેરેની પુરાવા સહ રજૂઆત કરી ડીઆરઆઈ કસ્ટમ્સના વિશેષ પબ્લિક પ્રોસિક્યુટર કલ્પેશ ગોસ્વામીએ જામીન નામંજૂર કરવા રજૂઆત કરી હતી.
ગુનામાં આરોપીની વર્તાઈ આવતી પ્રાથમિક સંડોવણી, ડીઆરઆઈની તપાસ હજુ નાજૂક તબક્કે હોવાનું, સ્મગલિંગના રેકેટનો ખરેખર કોણ સૂત્રધાર છે તે મામલે અનેક પ્રશ્નોનો જવાબ મેળવવાનો હજુ બાકી હોવાનું જણાવી ભુજના સાતમા અધિક સેશન્સ જજ એન.પી. રાડિઆએ આરોપીની અરજી ફગાવી દીધી છે.
મહાદેવ ટ્રેડ લિન્ક્સના નામે મુંદરા પોર્ટ પર ગત મે માસના અંતિમ સપ્તાહ તથા જૂન માસના પ્રારંભે ચાઈનાથી પાંચ કન્સાઈન્મેન્ટ ઈમ્પોર્ટ કરાયા હતા. હિસારની આ પેઢીએ ચોપડા પર મોજાની આયાત કર્યું હોવાનું જણાવેલું પરંતુ ડીઆરઆઈએ ગહન તપાસ કરતાં મોજાની આડમાં સ્લીપર અને સેન્ડલ પણ આયાત કરાયાં હોવાનું બહાર આવ્યું હતું. ડીઆરઆઈએ કુલ ૧૫.૭૩ કરોડનો માલ જપ્ત કરી તપાસ હાથ ધરી હતી. પૂછપરછ બાદ કસ્ટમ્સ એક્ટની સેક્શન ૧૩૨ અને ૧૩૫ હેઠળ ગુનો દાખલ કરીને શંકરની ધરપકડ કરી હતી.
Share it on
|