કચ્છખબરડૉટકોમ, ભુજઃ માંડવી તાલુકાના બિદડા ગામે રહેતી વ્યાજખોરીના ગુનાની મહિલા આરોપીએ ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીન અરજી ભુજ સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. એ જ રીતે, મુંદરાની જિંદાલ કંપનીના મેનેજર સાથે શેર બજારમાં રોકાણ કરવાના બહાને ૯૬.૧૬ લાખ રૂપિયા મેળવીને ઠગાઈ કરવાના ગુનામાં ઝડપાયેલાં સૂત્રધારની નિયમિત જામીન અરજી કૉર્ટે ફગાવી દીધી છે. ધનવંતી સંઘારની આગોતરા જામીન અરજી રદ્દ
બિદડાના આમદ ફકીરમામદ સંઘારે ઘરમાં આવેલી માંદગીની સારવાર માટે રૂપિયા ના હોઈ બે વર્ષ અગાઉ ગામની ધનવંતીબેન કારાભાઈ સંઘાર નામની ૪૦ વર્ષિય મહિલા પાસેથી ટૂકડે ટૂકડે ૧.૬૦ લાખ રૂપિયા વ્યાજે મેળવેલાં. થોડોક સમય આમદે માસિક હપ્તા ચૂકવેલાં પરંતુ બાદમાં નાણાં ના ચૂકવતાં ધનવંતીએ હવે તારે દર મહિને બાર ટકા વ્યાજે રૂપિયા ચૂકવવા પડશે કહીને નાણાં વસૂલવાનું શરૂ કરેલું. આમદે તેને ટૂકડે ટૂકડે ૩.૬૪ લાખ રૂપિયા ચૂકવી આપેલાં.
ધનવંતી તેને અવારનવાર ફોનમાં ગાળો ભાંડીને ધાક-ધમકી કરીને પઠાણી ઉઘરાણી કરતી. એકવાર તો આમદના ઘરે જઈને તેને દવા પીવડાવી મારી નાખવાની ધમકી આપેલી.
બનાવ અંગે કોડાય પોલીસ મથકે દાખલ થયેલા ગુના સબબ પોતાની ધરપકડથી બચવા ધનવંતીએ ભુજ સેશન્સ કૉર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલી. ધનવંતીના વકીલે કૉર્ટમાં રજૂઆતો કરી હતી કે આરોપી મહિલાને ત્રણ નાનાં બાળકો છે, પતિ તેને ત્યજીને અન્ય સ્ત્રી સાથે જતો રહ્યો છે અને કૉર્ટે હુકમ કર્યો હોવા છતાં ભરણ પોષણની રકમ ચૂકવતો નથી. તે જેલમાં જાય તો બાળકો રખડી પડે તેમ છે. તેનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી. જો કે, ગુનામાં તેની સીધી ભૂમિકા, મોબાઈલ ફોન રેકોર્ડિંગના પૂરાવા, ફરિયાદી અને આરોપી બેઉ એક જ ગામમાં રહેતા હોઈ જામીન મળે તો આરોપી મહિલા ફરિયાદી જોડે ઝઘડો કરી શકે તેવી સંભાવના હોવાના, પોલીસ તપાસ હજુ ચાલું હોઈ તે પૂરાવા સાથે ચેડાં કરી શકે તેવી સંભાવના હોવાના વિવિધ કારણે સેશન્સ જજ અંબરિષ વ્યાસે આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.
૯૬.૧૬ લાખની ઠગાઈના સૂત્રધારને જામીનનો ઈન્કાર
મુંદરાની જિન્દાલ કંપનીના સિનિયર મેનેજરને ઊંચું વળતર મળવાની લાલચ આપીને અલગ અલગ એપ અને વેબસાઈટના માધ્યમથી બહાને ૯૬.૧૬ લાખ રૂપિયાનું રોકાણ કરાવીને ઠગાઈ કરવાના ગુનાના મુખ્ય સૂત્રધારની નિયમિત જામીન અરજી સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. ૨૯-૦૬-૨૦૨૪ના રોજ ભુજ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરીને મધ્યપ્રદેશમાં રહેતા મુખ્ય સૂત્રધાર ૨૬ વર્ષિય વીરેન્દ્રસિંહ નારાયણસિંહ ઠાકુરની ધરપકડ કરી હતી. ગુનો મહત્તમ સાત વર્ષની સજાને પાત્ર હોવાનો અને મેજિસ્ટ્રેટ ટ્રાયેબલ હોવાના આધાર પર જામીન આપવા માગ કરાઈ હતી.
ગુનામાં આરોપીની મુખ્ય ભૂમિકા હોવાનું, ગુનો સમાજવિરોધી હોવાના અને પોલીસ તપાસ ચાલું હોવાના આધાર પર આઠમા અધિક સેશન્સ જજ શિલ્પાબેન કાનાબારે અરજી ફગાવી દીધી છે.
બંને મહત્વના કેસમાં સરકાર તરફે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ સી. ગોસ્વામીએ હાજર રહીને તર્કબધ્ધ દલીલો કરી હતી.
Share it on
|