|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ દુષ્કર્મનો ભોગ બનેલી ૬ વર્ષની માસૂમ બાળકીને સરકારી હોસ્પિટલોમાં તાત્કાલિક યોગ્ય અને અસરકારક સારવાર ના મળતાં ભુજની વિશેષ પોક્સો કૉર્ટે જી.કે. જનરલ સહિતની હોસ્પિટલો અને મુખ્ય જિલ્લા તબીબી અધિકારીને શૉ કૉઝ નોટિસ ફટકારી છે. મંગળવારે કૉર્ટ સમક્ષ હાજર થઈ યોગ્ય ખુલાસો કરવા નોટિસમાં તાકીદ કરાઈ છે. સોમવારે બાળકી પર દુષ્કર્મ આચરાયેલું
૧૨ જાન્યુઆરીના રોજ મુંદરા તાલુકાના એક ગામ નજીક શ્રમિક વસાહતમાં બાળકી પર દુષ્કર્મનો બનાવ બન્યો હતો. ઝારખંડનું યુગલ મજૂરીકામે ઘરબહાર ગયેલું ત્યારે પડોશમાં રહેતા મનીષકુમાર નામના ૨૬ વર્ષિય નરાધમે માસૂમ બાળકીને નિશાન બનાવી હવસ સંતોષી હતી. બનાવમાં બાળકીને પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટના બાદ બાળકીને ભદ્રેશ્વર આરોગ્ય કેન્દ્ર, મુંદરા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી.
આ તમામ હોસ્પિટલોમાં બાળકીની યોગ્ય સારવાર ના કરાઈ હોવાનું જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને ચાઈલ્ડ વેલફેર કમિટીના ધ્યાને આવ્યું હતું. તેમણે આ બાબતને ગંભીરતાથી લઈ એડિશનલ સેશન્સ જજ અને સ્પેશિયલ જજ (પોક્સો) જે.એ. ઠક્કરની કૉર્ટ સમક્ષ વિગતવાર રિપોર્ટ રજૂ કર્યો હતો.
આ રિપોર્ટને ગંભીરતાથી લઈ જજ જે.એ. ઠક્કરે ભદ્રેશ્વર આરોગ્ય કેન્દ્ર, મુંદરા સિવિલ હોસ્પિટલ અને જી.કે. જનરલ હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ તથા સિવિલ સર્જનને કારણદર્શક નોટિસ ફટકારી છે. સરકારી સંસ્થાઓએ કૉર્ટ સમક્ષ કરેલી રજૂઆત સમયે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભુજમાં ૧૨ કલાક સુધી બાળકીને સારવાર ના મળી
સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ગુનાનો ભોગ બનનાર બાળકીને મુંદરાની હોસ્પિટલે વધુ સારવાર માટે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં રીફર કરી હતી. બાળકીને લઈ તેની માતા પરોઢે સાડા ચાર વાગ્યે જી.કે. જનરલ હોસ્પિટલમાં પહોંચી હતી. પરંતુ, ૧૨ કલાક સુધી હોસ્પિટલમાં બાળકીની સારવાર કરાઈ નહોતી. તેને ઈન્ડોર પેશન્ટ તરીકે એડમિટ કરાઈ ના હોઈ માતા બાળકીને લઈ હોસ્પિટલમાં ઠેબે ચઢતી રહેલી. આખરે સાંજે સાડા ચાર પાંચ વાગ્યે બાળકીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
Share it on
|