click here to go to advertiser's link
Visitors :  
19-May-2026, Tuesday
Home -> Bhuj -> Bhuj Session Judge dismiss revision appeals of Sharma Brothers and others
Wednesday, 24-Sep-2025 - Bhuj 99639 views
કુલદીપ શર્મા અને પ્રદીપ શર્માએ જુદાં જુદાં ગુનામાં થયેલી સજા સામે કરેલી અપીલો રદ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં ૧૯૮૪ના ગાળામાં એસપી તરીકે ફરજ બજાવી ગયેલા નિવૃત્ત આઈપીએસ કુલદીપ શર્મા અને ભૂકંપ બાદ કચ્છ કલેક્ટર તરીકે ફરજ બજાવનારા તેમના લઘુબંધુ પ્રદીપ શર્મા સહિત અન્ય અધિકારીઓને ભુજ સેશન્સ કૉર્ટમાંથી ઝટકો મળ્યો છે. શર્માબંધુઓ સહિતના અધિકારીઓ સામે ચાલતાં બે જુદાં જુદાં ગુનામાં ભુજની અદાલતે દોષી ઠેરવી કેદની સજા ફટકારી હતી. જે સામે તેમણે કરેલી અપીલોને આજે પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ સેશન્સ જજે ફગાવી દઈ ૧૫ દિવસમાં સરન્ડર કરવા હુકમ કર્યો છે.
ઈભલા શેઠના કેસમાં કુલદીપ શર્મા સહિત બેને ૩ માસની સાદી કેદ થયેલી

કોંગ્રેસના ધારાસભ્ય સાથેના પ્રતિનિધિ મંડળમાં ભુજમાં એસપીને રજૂઆત કરવા ગયેલા ઈભલા શેઠ નામના શખ્સને પોલીસ કંટ્રોલ રૂમમાં ગેરકાયદે ગોંધીને ઢોર માર મારવાના ૧૯૮૪ના કેસમાં ભુજની લૉઅર કૉર્ટે તત્કાલિન SP કુલદીપ નિરંકરનાથ શર્મા અને PSI ગિરીશ હસમુખરાય વસાવડાને ૧૦-૦૨-૨૦૨૫ના રોજ ત્રણ મહિનાની સાદી કેદ અને એક એક હજારનો દંડ ફટકાર્યો હતો.

૪૦ વર્ષ અને ૯ મહિને આવેલા આ ચુકાદા સામે કુલદીપ શર્મા અને ગિરીશ વસાવડા સેશન્સ કૉર્ટમાં અપીલ કરી હતી.

જે-તે સમયે બનાવ અંગે ભુજમાં જ્યુ. મેજિસ્ટ્રેટની કૉર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. કૉર્ટે કુલદીપ શર્મા અને જી.એચ. વસાવડાને ઈભલા શેઠને પોલીસ કંટ્રોલ રૂમમાં ગેરકાયદે રીતે અડધો કલાક ગોંધી રાખી એકમેકની મદદ કરવા બદલ ઈપીકો કલમ (૩૪૨, ૩૪, ૧૧૪) હેઠળ દોષી ઠેરવી ત્રણ માસની સાદી કેદ અને એક એક હજારનો દંડ ફટકાર્યો હતો.

સેશન્સ કૉર્ટે અપીલ ફગાવીને નીચલી કૉર્ટનો હુકમ કાયમ રાખતા બેઉ આરોપીઓએ સજામાફી (પ્રોબેશન ઑફ ઓફેન્ડર્સ)ની અરજી કરી હતી.

ફરિયાદ પક્ષના વકીલે તેનો વિરોધ કરી દલીલ કરી હતી કે આ અરજી ત્યારે જ કરી શકાય જ્યારે આરોપીઓએ સજાના હુકમને ઉપલી અદાલતમાં ચેલેન્જ ના કર્યો હોય. કૉર્ટે પ્રોબેશનની અરજી ફગાવી દેતા બેઉ નિવૃત્ત અધિકારીએ કૉર્ટના હુકમ સામે વડી અદાલતમાં અપીલ કરવા માટેનો સમય માંગી ત્યાં સુધી સજાના હુકમ પર સ્ટે ફરમાવવા અરજી કરી હતી.

કૉર્ટે બેઉને ૧૫ દિવસની મહેતલ આપી છે.

કેસમાં ફરિયાદ પક્ષે ભુજના સિનિયર એડવોકેટ આર.એસ. ગઢવી અને તેમના સહાયક એડવોકેટ વી.જી. ચૌધરી, વિશ્વા પરમાર, શિવમ સોલંકી હાજર રહ્યા હતા. સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી.

જિન્દાલ જમીન કૌભાંડમાં પ્રદીપ શર્મા સહિત ૪ને પાંચ વર્ષની કેદ કાયમ

કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા, તત્કાલિન નિવાસી નાયબ કલેક્ટર અજીતસિંહ એમ. ઝાલા, ભુજના તત્કાલિન ટાઉન પ્લાનર નટુભાઈ એમ. દેસાઈ અને તત્કાલિન નાયબ મામલતદાર નરેન્દ્ર પી. પ્રજાપતિને મુંદરાના જિન્દાલ સૉ પાઈપ્સ લિમિટેડ નામના ઔદ્યોગિક એકમને ગેરકાયદે જમીન ફાળવણી કરવાના ગુનામાં ભુજની નીચલી અદાલતે ૧૯-૦૪-૨૦૨૫ના રોજ દોષી ઠેરવી પાંચ વર્ષની સખ્ત કેદ સાથે પ્રત્યેકને દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

આ ચુકાદા સામે પ્રદીપ શર્મા અને અન્ય ત્રણ અધિકારીઓએ સેશન્સ કૉર્ટમાં સંયુક્ત રીતે બે જુદી જુદી અપીલ દાખલ કરી હતી. જેને ભુજના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ જજ ડી.પી. મહિડાએ અંશતઃ નામંજૂર કરી છે.

આરોપીઓને નીચલી કૉર્ટે ઈપીકો કલમ  ૨૧૭, ૪૦૯, ૧૨૦ (બી) હેઠળ દોષી ઠેરવેલાં. સેશન્સ જજે ઈપીકો કલમ ૨૧૭ પુરતી કરાયેલી સજાનો હુકમ રદ્દ કરી અન્ય બે કલમ હેઠળ થયેલી પાંચ વર્ષની સજા અને દંડનો હુકમ યથાવત્ રાખ્યો છે. ચુકાદા બાદ એ.એમ. ઝાલા, એન.એમ. દેસાઈ અને એન.પી. પ્રજાપતિએ સજાના હુકમ સામે વડી અદાલતમાં અપીલ કરવા હેતુ સ્ટે માંગતા કૉર્ટે ૧૫ દિવસની મહેતલ આપી છે.

પ્રદીપ શર્મા હાલ અન્ય ગુના હેઠળ જેલમાં છે અને તેમણે કોઈ સ્ટે માગ્યો નહોતો.

આ કેસમાં સરકાર તરફે વિશેષ સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી.

Share it on
   

Recent News  
ભુજ, અંજાર, મુંદરા, માંડવી અને નખત્રાણા નગરપાલિકાના સૂકાનીઓની કરાઈ વરણી
 
ભુજમાં મહિલાઓએ રેઈડ કરી ૨૦ હજારનો દારૂ ઝડપ્યો! માધાપરમાં હાર્દિકના પોઈન્ટનો VDO
 
રાપર નજીક મામાદેવના મંદિરમાં ગાંજાનું વાવેતરઃ ૧૪ લીલા છોડ સાથે પૂજારીની ધરપકડ