|
કચ્છખબરડૉટકોમ, માધાપરઃ ભુજ નજીક શેખપીર ત્રણ રસ્તા પાસે લોખંડના સળિયા ભરેલી ઓવરલોડ ટ્રક અટકાવી સરકારી ચલણ મેમો ફાડવા બદલ ટ્રાન્સપોર્ટરે આરટીઓ ઈન્સ્પેક્ટરને ફોનમાં બેફામ ગાળો ભાંડી તેની ‘વાટ લગાડી દેવાની’ ધમકી આપી છે. બનાવ અંગે પધ્ધર પોલીસ મથકે આરટીઓ ઈન્સ્પેક્ટર ધર્મેશ બી. બલદાણિયાએ મીતુલ ગઢવી નામના શખ્સ વિરુધ્ધ ઈપીકો કલમ ૨૯૪ અને ૫૦૭ હેઠળ ફરિયાદ નોંધાવી છે. ગુરુવારે સાંજે સાડા પાંચના અરસામાં ફરિયાદીએ શેખપીર પાસે ઓવરલોડ સળિયા ભરીને જતી GJ-12 AZ-6351 નંબરની ટ્રકને અટકાવી મેમો ફાડ્યો હતો. ત્યારબાદ રાત્રે ૯.૫૪ વાગ્યે બલદાણિયાને મીતુલ ગઢવી નામના શખ્સે ફોન કરી ભૂંડી ગાળો બોલી મારી નાખવાની ધમકી આપતાં કહ્યું હતું કે ‘અમારી ગાડીને હાથ ના લગાડતો, તું જે જગ્યાએ હો ત્યાં તારી વાટ લગાડી દઈશ, મારું જે થવાનું હશે તે થશે તારું વિચારી લેજે’ પીએસઆઈ એચ.એમ. ગોહિલે મોબાઈલ નંબર સાથે મીતુલ ગઢવી નામના શખ્સ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Share it on
|