click here to go to advertiser's link
Visitors :  
29-Sep-2026, Tuesday
Home -> Bhachau -> Bhachau Electricity Court Awards 3 year RI and 5.41 Lakh Fine To Convict
Thursday, 23-Jul-2026 - Bhachau 46096 views
વીજ ચોરી બદલ બાંભણકાની બ્લોક ફેક્ટરીના માલિકને ૩ વર્ષનો કારાવાસ, ૫.૪૧ લાખનો દંડ
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉની ખાસ ઈલેક્ટ્રિસીટી કૉર્ટે વીજ ચોરીના વધુ એક ગુનામાં ભચાઉના બાંભણકાની બ્લોક ફેક્ટરીના માલિકને ૩ વર્ષની સખ્ત કેદ સાથે ૫.૪૧ લાખનો દંડ ફટકાર્યો છે. ૨૦-૦૧-૨૦૨૨ના રોજ બાંભણકાની સીમમાં ધમધમતી પથ્થર બ્લોકના કારખાનામાં PGVCLની ચેકીંગ ટીમે દરોડો પાડીને વીજ ચોરીનો પર્દાફાશ કરેલો. આરોપી નવીન મગનલાલ દવે (ઉ.વ. ૩૯, રહે. જનાણ) સ્થળ પર ખોદકામ કરી પથ્થરો બહાર કાઢી તેનું કટિંગ કરી બ્લોક બનાવતો હતો.

કારખાનામાં રહેલા ત્રણ પથ્થર કટર મશિનોને પાંચ હોર્સપાવરની જુદી જુદી મોટરોથી જોડી પાવર અપાતો હતો.

આરોપી નવીન દવે ૧૧ Kvના ધોળાવીરા AG ફીડરના વીજ થાંભલામાંથી ડાયરેક્ટ કનેક્શન લઈને વીજ ચોરી કરતો હતો. PGVCLએ ૫ લાખ ૭૨૨ રૂપિયાની વીજ ચોરી ગણી ૩૪ હજાર રૂપિયા કમ્પાઉન્ડીંગ ચાર્જ સાથે નાણાં ભરવા હુકમ કરીને નવીન સામે વીજ ચોરીનો ગુનો દાખલ કરેલો.

નવીને વીજ ચોરી બદલ રકમ ભરપાઈ ના કરતાં ખાસ કૉર્ટમાં ટ્રાયલ ચાલેલી. જેમાં આજે વિશેષ ઈલેક્ટ્રિસીટી કૉર્ટના ખાસ જજ અને બીજા અધિક સેશન્સ જજ ભરત એલ. ચોઈથાણીએ નવીન દવેને દોષી ઠેરવીને ત્રણ વર્ષની સખ્ત કેદ સાથે દંડ પેટે ૫.૪૧ લાખ રૂપિયા ભરવા હુકમ કર્યો છે. આ કેસમાં પ્રોસિક્યુશન તરફે અધિક જિલ્લા સરકારી વકીલ ડી.એસ. જાડેજાએ હાજર રહીને સાક્ષીઓ પુરાવા તપાસીને ટ્રાયલ દરમિયાન દલીલો કરી હતી.

Share it on
   

Recent News  
ભુજની ખાણ ખનિજ કચેરીનો IT એક્ઝિક્યુટીવ વચેટિયા વતી ૫૦ હજારની લાંચ લેતાં ઝડપાયો
 
‘ઉપરની’ ભલામણ અને પ્રસાદીના પગલે માંડવીના વાંઢમાં બોક્સાઈટની બિન્ધાસ્ત ચોરી
 
ઈંગ્લિશ દારૂના ૪૬ ગુનાનો ‘મોસ્ટ વોન્ટેડ’ બૂટલેગર ઝડપાયોઃ LCBનું ‘ઓપરેશન ખોજ’