કચ્છખબરડૉટકોમ, ભુજઃ અનુસૂચિત જાતિની ૧૧ વર્ષની બાળા પર નિર્લજ્જ હુમલો કરી, શારીરિક અડપલાં કરવાના બનાવમાં ભુજની ખાસ પોક્સો કૉર્ટે આરોપીને દોષી ઠેરવી ૫ વર્ષની સખ્ત કેદ સાથે ૧૭ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એક વર્ષ અગાઉ ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ બાળા ઘર બહાર સાયકલથી રમતી હતી ત્યારે અઝીઝ સુલેમાન શેખ (ઉ.વ. ૩૧, રહે. સુમરાસર શેખ ગામ, ભુજ) મોટર સાયકલ લઈને નીકળ્યો હતો. ‘તું સાયકલની ઘંટડી કેમ વગાડે છે? મારું માથું ફરે છે’ કહીને અઝીઝે બાળાને ગાળો ભાંડી, છાતી પર હાથ ફેરવેલો.
બાળાની બૂમાબૂમના પગલે તેની માતા ઘર બહાર દોડી આવી અઝીઝને ઠપકો આપવા માંડી ત્યારે ઉગ્ર થઈને અઝીઝ બાળાના કપડાં ફાડવા માંડેલો.
માતા દીકરીને છોડાવવા જતા અઝીઝે માતાને ધક્કો મારીને નીચે પાડી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપેલી. બનાવ અંગે માધાપર પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા, પોક્સો અને એટ્રોસીટી એક્ટ તળે ફરિયાદ નોંધાવાઈ હતી.
પોક્સો કૉર્ટે પાંચ વર્ષનો સખ્ત કારાવાસ ફટકાર્યો
આ કેસમાં ફરિયાદ પક્ષ તરફે રજૂ થયેલા ૧૧ દસ્તાવેજી આધારો અને ૮ સાક્ષીઓની જુબાની, બંને પક્ષના ધારાશાસ્ત્રીઓની દલીલોના આધારે આજે પોક્સો કૉર્ટના ખાસ જજ જે.એ. ઠક્કરે અઝીઝ શેખને વિવિધ કલમો તળે દોષી ઠેરવી કેદ અને આર્થિક દંડ ફટકાર્યો છે. કૉર્ટે પોક્સો એક્ટની કલમ ૮ હેઠળ પાંચ વર્ષની સખ્ત કેદની સજા સાથે દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એ જ રીતે, ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૫ (૨) અને ૩૫૧ (૨) હેઠળ ૬-૬ માસની સાદી કેદ અને ૧-૧ હજાર રૂપિયા દંડ, એટ્રોસીટી એક્ટની કલમ ૩ (૧) (W) (૧) હેઠળ ૬ માસની સાદી કેદ અને ૫ હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે.
ગુનાનો ભોગ બનનાર બાળાને પચાસ હજાર રૂપિયાનું વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને ભલામણ કરી છે.
સંબંધિત સરકારી વિભાગોને ગુનાનો ભોગ બનનાર બાળાનું જીવન અને શિક્ષણ સારી રીતે પુનઃ સ્થાપિત થાય તેની કાળજી લેવા હુકમ કર્યો છે. આ કેસમાં પ્રોસિક્યુશન તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહી સાક્ષી તપાસેલા અને દલીલો કરી હતી.
Share it on
|