કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ પાલનપુર વચ્ચે દોડતી ઈન્ટરસીટી એક્સપ્રેસને હવે વધુ ૬ માસ માટે એટલે કે ૭ એપ્રિલ ૨૦૨૬ સુધી ટેકનિકલ કારણોસર અસ્થાયીરૂપે રદ્દ કરી દેવાઈ છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે સવા બે વર્ષથી ભુજ પાલનપુર વચ્ચે આ ટ્રેન દોડી જ નથી! સવા બે વર્ષથી દર ત્રણ કે છ મહિને ટ્રેન અસ્થાયી રીતે રદ્દ કરી દેવાઈ હોવાની જાહેરાત થાય છે! હકીકતે આ ઈન્ટરસીટી ટ્રેન સેવાનો સંકેલો જ થઈ ગયો છે. ટ્રેન બંધ કરવાની વિધિવત્ જાહેરાત થાય તો કદાચ લોકોના વિરોધનો સામનો કરવો પડે અથવા રેલવેના ચોપડા પર આ ટ્રેન સેવા મોકૂફી દર્શાવવાનો કોઈ અગમ્ય હેતુ હોય, જે કારણ હોય તે પણ આ ટ્રેનની ‘બંધ સેવા’ ફરી ક્યાં સુધી બંધ રહેશે તેની દર ત્રણ કે છ મહિને વધારાતી અવધિની સૂચનાઓ જારી કરાય છે!
ગાંધીધામસ્થિત એરિયા રેલવે મેનેજર આશિષ ધાનિયાએ જણાવ્યું કે પુરતા ટ્રાફિકના અભાવે આ ટ્રેન સેવા બંધ છે અને સમયાંતરે આ ટ્રેન રદ્દ રહેવાની સમય મર્યાદા વધારાતી જાય છે.
૧૫ ઑગસ્ટ ૨૦૧૮થી ભુજ પાલનપુર વચ્ચે ઈન્ટરસીટી એક્સપ્રેસ શરૂ થયેલી.
૭ ઑગસ્ટ ૨૦૨૩ના રોજ એક માસ માટે આ ટ્રેન સેવા મોકૂફ રખાઈ હોવાની જાહેરાત બાદ આ ટ્રેન સેવા આજ દિન સુધી પૂર્વવત્ થઈ નથી.
ગાંધીધામ પાલનપુર વચ્ચે દોડતી ઈન્ટરસીટી સેવા યથાવત્ છે. સૂત્રોના મતે ભુજ પાલનપુર વચ્ચે દોડતી ટ્રેનનો સમય અનુકૂળ ના હોઈ પુરતાં પ્રવાસીઓ મળતાં નહોતા. જો વહેલી પરોઢે દોડાવાઈ હોત તો ભુજથી ઉત્તર ગુજરાતને સાંકળતી આ સેવા ઉપયોગી બની રહી હોત. જો આ ટ્રેન સેવા પૂર્વવત્ થવાની જ ના હોય તો ગાંધીધામ પાલનપુર એક્સપ્રેસને ભુજ સુધી લંબાવવાનો વિકલ્પ છે.
Share it on
|