click here to go to advertiser's link
Visitors :  
30-May-2026, Saturday
Home -> Bhuj -> Bhuj NDPS Court refuses to grant pre arrest bail to Dubai based key accused
Friday, 10-Apr-2026 - Bhuj 18830 views
સ્ક્રેપની આડમાં હાઈડ્રોપોનિક ગાંજો મુંદરા મોકલવાના કેસમાં દુબઈના સૂત્રધારને ઝટકો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કેનેડાથી ભંગાર (સ્ક્રેપ) ભરેલાં કન્ટેઈનરમાં યુક્તિપૂર્વક લાખો રૂપિયાની કિંમતના મૂલ્યનો ૫૯ કિલો ૩૭૦ ગ્રામ હાઈડ્રોપોનિક ગાંજો ભારતમાં ઘૂસાડવાના કાવતરાંના દુબઈસ્થિત મુખ્ય આરોપીની આગોતરા જામીન અરજી ભુજ કૉર્ટે ફગાવી દીધી છે. ગુપ્ત બાતમીના આધારે ફેબ્રુઆરી ૨૦૨૨માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરૉ, દિલ્હીએ મુંદરા પોર્ટ પર ઉતરેલું સ્ક્રેપનું કન્ટેઈનર કબજે કરી તપાસ હાથ ધરતાં હાઈડ્રોપોનિક વીડનો કોમર્સિયલ જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓએ એક ભંગાર કારની અંદર ગાંજો છૂપાવ્યો હતો.

આ કન્ટેઈનર પંજાબના જલંધરની RDMK નામની પેઢીએ મગાવ્યું હતું. NCBએ પેઢીના માલિક દિનેશ ગર્ગની ધરપકડ કરતાં તેણે દીપક મિત્તલ નામના મિત્રના કહેવાથી સ્ક્રેપનું કન્ટેઈનર ઈમ્પોર્ટ કર્યું હોવાનું બહાર આવેલું. NCBએ દિનેશ ગર્ગ અને દીપક મિત્તલની ધરપકડ કરી પૂછપરછ કરતાં મૂળ ભારતના પરંતુ દુબઈમાં સ્થાયી થયેલાં અરુણદીપ નિર્મલકુમાર સુદ (ઉ.વ. ૪૫)ની સંડોવણી બહાર આવેલી.

તપાસમાં બહાર આવેલું કે અરુણદીપ હોટેલમાં દિનેશ ગર્ગ અને દીપક મિત્તલને રૂબરૂ મળેલો. કેનેડાથી સ્ક્રેપની આડમાં ગાંજો છૂપાવીને મુંદરા પોર્ટ પર કન્ટેઈનર મોકલવાના જરૂરી કાગળિયા, નકલી આધારો અરુણે જ તૈયાર કરેલાં.

NCB વતી દલીલ કરતા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર કલ્પેશ ગોસ્વામીએ દલીલ કરેલી કે અરુણદીપને ઈ-મેઈલ અને અન્ય રાજદ્વારી ચેનલ મારફતે વારંવાર નોટિસ પાઠવાઈ છે પરંતુ તે હાજર થતો નથી.

તે આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકીંગ સિન્ડીકેટમાં સામેલ એક મહત્વનો આરોપી છે. યુએઈ સરકાર સાથે તેના પ્રત્યાર્પણની વાટાઘાટો ચાલી રહી છે.

અગાઉ તેણે હાઈકૉર્ટમાં અરજી કરેલી પરંતુ પાછી ખેંચી લીધી હતી. ભુજના છઠ્ઠા અધિક સેશન્સ જજ અને NDPS Courtના વિશેષ જજ વિરાટ એ. બુધ્ધે ગુનાની ગંભીરતા, કાયદાની જોગવાઈઓ, આરોપીની સંડોવણી વગેરેને અનુલક્ષીને આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.

Share it on
   

Recent News  
અદાણી ગૃપ કચ્છની ૧૧ ITIનો કરશે કાયાકલ્પઃ ઉદ્યોગોની જરૂર મુજબ છાત્રોને આપશે તાલીમ
 
ગાયનેકથી લઈને ગાયક સુધીની સફરઃ શેર માટીની ખોટ પૂરતા તબીબનો વતનની માટીનો પ્રેમ
 
દહેજમાં ૧૦ લાખ સાથે ઘરવખરી મળેલી છતાં જમાઈને ઓછાં પડ્યાં: પરિણીતાનો આપઘાત