કચ્છખબરડૉટકોમ, ભુજઃ બે મહિના અગાઉ માંડવીમાં અમદાવાદના ફાઈનાન્સર યુવકની છરીની અણીએ પાંચ લાખ રૂપિયાની લૂંટ કરવાના ગુનામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભુજના નગરસેવક મહેબુબ પંખેરીયાના પુત્ર અબરાર સહિત બે લોકોની ધરપકડ કરી છે. ગત ૧૯મી મેના રોજ માંડવી પોલીસ સ્ટેશનથી માંડ અડધો કિલોમીટર દૂર મહિલા બાગ પાસે લૂંટનો ચકચારી બનાવ બન્યો હતો. જેમાં બે અજાણ્યા શખ્સ સહિત ત્રણ જણ સામે ફરિયાદ દાખલ થયેલી. આ રીતે લૂંટનું ષડયંત્ર રચાયું હતું
અમદાવાદનો ઓમ પરેશ શાહ નામનો યુવક તેના સગા મામા અને માસીના દીકરા સાથે પાર્ટનરશીપમાં ગોલ્ડ ફાઈનાન્સ કંપની ચલાવે છે. તેઓ ગોલ્ડ પર લોન મેળવી, ગોલ્ડ છોડાવી ના શકતાં લોકોના દાગીના છોડાવી માર્કેટ રેટ કરતાં બે ટકા ઓછાં ભાવે છોડાવેલું ગોલ્ડ ખરીદે છે. તેમની ફાઈનાન્સ કંપનીની સોશિયલ મીડિયા પર પ્રગટ થયેલી જાહેરાત જોઈને માંડવીના મોટા સલાયાના અવેશ અલીમામદ સોઢાએ વોટસએપ પર તેમનો સંપર્ક કરેલો.
અવેશે પોતે મુથુટ ફાઈનાન્સમાં સાડા નવ તોલા ગોલ્ડ પર છ લાખની લોન મેળવેલી હોઈ અને પોતે લોન બંધ કરાવવા ઈચ્છતો હોવાનું જણાવેલું.
ફરિયાદી ઓમે ગણતરી કરતાં તે સમયે ગોલ્ડની કિંમત ૭.૪૧ લાખ રૂપિયા થતી હોઈ તેનું ગોલ્ડ પોતે છોડાવી દેશે અને માર્કેટ કરતાં બે ટકા ઓછાં દરે તેને મળતા વધતાં રૂપિયા આપી દેવા જણાવેલું. અવેશે તેને મુથુટ ફાઇનાન્સમાં ગિરવે મૂકેલા ઘરેણાંની પહોંચ, આધાર કાર્ડ વગેરે મોકલતાં ફરિયાદીને તેના પર ભરોસો આવી ગયો હતો.
પોલીસ સ્ટેશનની નજીક ભરબપોરે લૂંટ થયેલી
હકીકતમાં અવેશ અને ગેંગના અન્ય લોકોએ તેમને માંડવી બોલાવી લૂંટ કરવાનો પ્લાન ઘડ્યો હતો. ૧૯મી મેના રોજ ફરિયાદી તેના અન્ય પાર્ટનરો સાથે ગાડીથી માંડવી આવ્યો હતો. તેમણે આંગડિયાથી પાંચ લાખ રોકડાં રૂપિયા મગાવેલા અને અન્ય કૅશ સાથે રાખી હતી.
અવેશ મોપેડ લઈને તેમને મળવા આવેલો અને ફાઈનાન્સ પેઢીની ઑફિસ ગલીકૂંચીઓમાં આવેલી હોવાનું જણાવીને ગાડી અંદર નહીં જઈ શકે તેમ જણાવી ફરિયાદીને પોતાની મોપેડ પર બેસી જવા જણાવેલું. તેના પર ભરોસો કરીને ફરિયાદી પાંચ લાખ રોકડ રુપિયા ભરેલો થેલો લઈને મોપેડ પાછળ બેસી ગયો હતો.
પૂર્વ આયોજિત પ્લાન મુજબ રસ્તામાં મોપેડ પર આવેલા બે જણાંએ છરી બતાડી, મારી નાખવાની ધમકી આપીને પાંચ લાખ રોકડાં રૂપિયા ભરેલો થેલાની લૂંટ કરી નાસી ગયાં હતા. લૂંટ બાદ અવેશ પણ ફરિયાદીને ઉતારીને આરોપીઓ જે દિશામાં ગયેલા તે બાજુ નાસી ગયો હતો.
LCBની મહેનત વચ્ચે સ્થાનિક પોલીસ શું કરે છે?
લોકલ ક્રાઈમ બ્રાન્ચે આજે આ બનાવમાં ભુજના વૉર્ડ નંબર એકના કોંગ્રેસી નગર સેવક અને આરટીઓ એજન્ટ મહેબુબ પંખેરીયાના પુત્ર અબરાર (રહે. ઓધવ વંદના, એરપોર્ટ રોડ, ભુજ) અને ભુજના રહિમનગરમાં રહેતા સોહિલ સલીમ ચાવડાની ધરપકડ કરી છે. એલસીબીની મહેનત વચ્ચે માંડવીની કહેવાતી બાહોશ પોલીસ ત્રણમાંથી એકેય આરોપી પકડી શકી નથી. માંડવી પીઆઈ ચેતક બારોટનો ફોન નો રીપ્લાય થતાં ખુલાસો જાણી શકાયો નથી.
Share it on
|