કચ્છખબરડૉટકોમ, ભુજઃ અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દેશભરમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી માટે મોક ડ્રીલ યોજવા આદેશ કર્યો છે. જેના પગલે આજે ભુજ એરપોર્ટ ઑથોરીટીએ પાલારાથી એકાદ કિલોમીટર દૂર પ્લેન ક્રેશ દુર્ઘટના અંગેની મોક ડ્રીલ યોજી હતી.
એરપોર્ટ ડિરેક્ટર નવીનકુમાર સાગરે જણાવ્યું કે અમદાવાદમાં જેમ એરપોર્ટથી ટેક ઓફ્ફ કર્યાના થોડાંક કિલોમીટર દૂર પ્લેન ક્રેશ થયું હતું તે જ રીતે અમે પાલારા પાસેની એક નિર્જન સાઈટ પસંદ કરી હતી.
મુખ્ય હેતુ પ્લેન ક્રેશ બાદ જવાબદાર તમામ સરકારી વિભાગો સંકલન સાધીને કેટલી ઝડપથી રાહત અને બચાવ માટે કાર્યવાહી હાથ ધરે છે તે જોવાનો હતો.
મોક ડ્રીલમાં પ્લેન ક્રેશ થયાની નિર્ધારિત વીસ મિનિટમાં ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ પહોંચી જઈને રેસ્ક્યુ અને રિલીફ વર્ક શરૂ કર્યું હતું.
મોક ડ્રીલમાં સીઆઈએસએફ, ઈન્ડિયન એરફોર્સ, સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, ફાયર બ્રિગેડ, આરોગ્ય તંત્ર વગેરે જવાબદાર તંત્રો જોડાયાં હતા.
મોક ડ્રીલ દરમિયાન ફાયર બ્રિગેડના બંબાઓની પાછળ એમ્બ્યુલન્સો જોડાઈ હતી. મોક ડ્રીલ બાદ એમ્બ્યુલન્સો માટે અલગ પેસેજ રાખવાનું સૂચન કરાયું હતું. જેને સૌએ ગ્રાહ્ય રાખ્યું હતું.
Share it on
|