કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના યુવકને હની ટ્રેપ કરી ૨૨ લાખ રૂપિયા પડાવી લેવાના ગુનામાં પોલીસે ધરપકડ કરેલાં ત્રણે આરોપીને આજે રીમાન્ડ પૂર્ણ થયાં બાદ નીચલી કૉર્ટે નિયમિત જામીન પર મુક્ત કરી દીધાં છે. ભુજ એ ડિવિઝન પોલીસે મંગળવારે ત્રણેની ધરપકડ કરીને બે દિવસના રીમાન્ડ મેળવ્યાં હતાં. રીમાન્ડ પૂર્ણ થયાં બાદ આજે આરોપીઓએ ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ સમક્ષ જામીન અરજી કરી હતી. ફરિયાદ પક્ષે ગુનાની ગંભીરતા, સજાની જોગવાઈ અને ફરિયાદની હકીકતને ધ્યાને લઈ જામીન અરજી નામંજૂર કરવા રજૂઆત કરી હતી.
ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ પી.એલ. પટેલે ગુનામાં લાગેલી કલમોનું વિશ્લેષણ કરીને કોંગી નગરસેવક અબ્દુલહમીદ ઉમર સમા, સરફરાઝ રઝાક ખાટકી અને મુંદરાના કોંગી નેતા હરિસિંહ ધનુભા જાડેજાને જામીન પર છોડી મૂકવા હુકમ કર્યો છે.
પોલીસે આરોપીઓ સામે લગાવેલી કલમોનું વિશ્લેષણ કરતાં CJM પટેલે જણાવ્યું કે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૮ (૬) (કોઈને ભય બતાડીને ખંડણી વસૂલવી)માં મહત્તમ સજાની જોગવાઈ ૧૦ વર્ષની કેદને પાત્ર છે પરંતુ આ કલમ જામીન લાયક છે. ૩૫૧ (૨) (ધાક ધમકી કરવી) અને ૬૧ (૨) (ગુનાહિત કાવતરું ઘડવું)ની કલમો પણ જામીન લાયક છે જ્યારે ૨૦૪ બિનજામીનપાત્ર છે પરંતુ તેમાં મહત્તમ સજાની જોગવાઈ ત્રણ વર્ષ સુધીની છે.
આરોપીઓને ટ્રાયલ દરમિયાન જ્યુ. કસ્ટડીમાં રાખવું ન્યાયોચિત જણાતું નથી સહિતના તારણ સાથે ત્રણેને પચ્ચીસ પચ્ચીસ હજારના જાતમુચરકા પર જામીન પર છોડવા હુકમ કર્યો છે.
Share it on
|