કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ અમદાવાદ વચ્ચે નવી સેમી હાઈસ્પીડ નમો ભારત રેપિડ ટ્રેન શરૂ થયાં બાદ સહજપણે જેની શક્યતા સેવાતી હતી તે ભુજ ગાંધીનગર ઈન્ટરસીટી ટ્રેન સેવા આજથી વિધિવત્ રીતે સમાપ્ત થઈ ગઈ છે. નવી ટ્રેન એક સરખા રૂટ અને સમયે શરૂ થતાં આ ટ્રેન સેવાનો ૧ ઓક્ટોબરથી સંકેલો થઈ જવાની શક્યતા સેવાતી હતી. છેલ્લે ૩૦ સપ્ટેમ્બર સુધી ત્રણ માસ પૂરતી આ ટ્રેન સેવા વિસ્તારવામાં આવેલી. જો કે, આ બાબતથી અજાણ અનેક પ્રવાસીઓ રેલવે સ્ટેશને પહોંચ્યા હતા અને રઝળી પડ્યાં હતાં.
નમો ભારત ટ્રેનના ટિકિટ દરની તુલનાએ આ ટ્રેનમાં સ્લીપર કોચનું ભાડું લગભગ અડધું અને જનરલ કોચનું ભાડું કેવળ દોઢસો રૂપિયા હતું. આમપ્રવાસીઓ માટે આ ટ્રેન નવી કોર્પોરેટ હાઈસ્પીડ ટ્રેનની તુલનાએ વધુ કિફાયતી હતી.
ગત ૭ એપ્રિલ ૨૦૨૩થી ભુજ અમદાવાદ (સાબરમતિ) વચ્ચે સમર સ્પેશિયલ તરીકે ત્રણ માસ પૂરતી આ ટ્રેઈન શરૂ થયેલી. ટ્રેનની ઉપયોગિતા અને લોકપ્રિયતા વધતાં દર ત્રણ મહિને આ ટ્રેનને એક્સટેન્ડ કરાતી હતી. રેલવે યાર્ડની કામગીરીને અનુલક્ષીને થોડાંક માસથી આ ટ્રેન સાબરમતિના બદલે ગાંધીનગર સુધી વિસ્તારવામાં આવી હતી. રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ આ ટ્રેન હવે ભુજ રાજકોટ વચ્ચે દોડાવાય તેવી શક્યતા છે.
Share it on
|