કચ્છખબરડૉટકોમ, ભુજઃ મુંદરામાં બે વર્ષ અગાઉ ૧૬-૦૨-૨૦૨૩ના રોજ, શિવરાત્રિના બે દિવસ પૂર્વે જ જાણીતા મહાદેવ મંદિરના પૂજારીની કરાયેલી હત્યાના આરોપીને કૉર્ટે અપરાધી ઠેરવીને જનમટીપની સજા ફટકારી છે. ૫૪ વર્ષિય ભવાનપુરી ભીમપુરી ગોસ્વામીની નજીવા કારણોસર કશું જ બોલ્યાં ચાલ્યા વગર ઈરફાન ઊર્ફે ઈમલો મામદ હુસેન (ઉ.વ. ૨૮) ગળામાં છરી મારી નાસી ગયો હતો. મૃતક મુંદરાના જૂના બંદર રોડ પર આવેલા રામેશ્વર મંદિરના પૂજારી હતા. સેવા પૂજા કરવા સાથે મંદિર નજીક ચા નાસ્તાની હોટેલ ચલાવતા હતા.
બનાવના દિવસે બપોરે સવા બાર સાડા બારના અરસામાં ભવાનપુરી બે મિત્રો જોડે દુકાન પર કેરમ રમતા હતા ત્યારે ઈમલાએ દુકાન પર આવીને કશું જ બોલ્યાં ચાલ્યાં વગર ભવાનપુરીના ગળા પર છરી ફેરવી દીધી હતી.
હુમલા બાદ છરીને દુકાનમાં જ ફેંકીને તે નાસી ગયો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછ અને તપાસમાં બહાર આવ્યું હતું કે મરણ જનાર ઈમલાને અવારનવાર ‘તારા બાપ દાદા તો ભેંસોની ચોરીઓ કરતાં હતા, તું તો આવો છે, તેવો છે’ કહીને મસ્તી મજાક કરતાં હતા. આ બાબતનો ખાર રાખીને ઈમલાએ મર્ડર કરી નાખ્યું હતું.
ગુરુવારે પૂજારીની હત્યા થઈ હતી અને શનિવારે શિવરાત્રિ નિમિત્તે મુંદરામાં નીકળતી રવાડીનું આ જ મંદિરે સમાપન થવાનું હોઈ આ ઘટનામાં કોમી વિખવાદનો રંગ ચઢવાની આશંકાથી પોલીસ દોડધામમાં મૂકાઈ ગઈ હતી.
જો કે, તત્કાલિન પીઆઈ હાર્દિક સૂર્યશંકર ત્રિવેદીએ ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં આરોપીના વકીલે ફરિયાદ નોંધનાર અને તપાસ કરનાર એક જ અધિકારી હોવા સહિતના મુદ્દે કૉર્ટમાં દલીલો કરી હતી. પરંતુ, હત્યા કરનાર આરોપી જ અપરાધી હોવાનું પોલીસની તપાસ, બનાવને નજરે જોનાર એક પ્રત્યક્ષદર્શીની જુબાની અને વૈજ્ઞાનિક પુરાવા પરથી સાબિત થયું હતું. જેના પગલે ભુજના સેશન્સ જજ દિલીપ પી. મહિડાએ ઈરફાન ઊર્ફે ઈમલો ખોખરને ઈપીકો કલમ ૩૦૨ હેઠળ આજીવન સખ્ત કેદની સજા સાથે ૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
પીઆઈ ત્રિવેદી હાલ ભુજ પોલીસ હેડ ક્વાર્ટરમાં લીવ રીઝર્વમાં ફરજ બજાવી રહ્યાં છે, તે આજની વાસ્તવિક્તા છે. બધા એસપી સુભાષ જી. ત્રિવેદી, પીયૂષ પટેલ, સૌરભ તોલંબિયા કે સૌરભ સિંઘની પ્રામાણિક્તા, કાર્યદક્ષતા, સૂઝ અને સ્તરના નથી હોતા તે પોલીસ ખાતાંનો નાનામાં નાનો કર્મચારી પણ હવે સમજવા માંડ્યો છે.
Share it on
|