|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજની બેન્કર્સ કોલોનીમાં રહેતા ૬૪ વર્ષિય નિવૃત્ત લેડી ટીચરને ડિજિટલ અરેસ્ટ કરી ૭૬ લાખ રૂપિયાનું ફ્રોડ કરવાના ગુનામાં પકડાયેલા રાજસ્થાનના એક આરોપીએ ચાર્જશીટ બાદ કરેલી જામીન અરજી કૉર્ટે નામંજૂર કરી છે. ગિરિજા લિન્કન ટેનન નામના લેડી ટીચરે ૧૮-૦૭-૨૦૨૫ના રોજ બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં પોલીસે રાજસ્થાનના જોધપુરના ૨૨ વર્ષિય બલવીર ઊર્ફે બલ્લુ બિશ્નોઈની ૭મી સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ધરપકડ કરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે જે બેન્ક ખાતાઓમાં રૂપિયા જમા થયાં હતા તે બેન્ક ખાતાઓ બલવીરે બીજા લોકોને કમિશન આપીને તેમના નામે ખોલાવેલાં અને બધા ખાતાને લગતાં દસ્તાવેજો, વિગતો અન્ય એક આરોપીને આપી હતી.
આ ગુનામાં હજુ ૬૮.૨૬ લાખ રૂપિયા જેવી મોટાભાગની રકમ રીકવર કરવાની બાકી છે.
બલ્લુની જામીન અરજી ફગાવતાં આઠમા અધિક સેશન્સ જજ તુષાર ખંધડિયાએ જણાવ્યું કે સમાજમાં આજકાલ વૃધ્ધોને ટાર્ગેટ કરી, ડરાવી ધમકાવી ડિજિટલ અરેસ્ટ કરીને કરોડો રૂપિયા હજમ કરી જવાના બનાવોમાં ખૂબ ઉછાળો આવ્યો છે. આ ગુનો અનેક વૃધ્ધોનું જીવતર રોળી દે છે. ગુનામાં આરોપીએ ભજવેલી ભૂમિકા ગંભીર છે તેથી તેને જામીન પર છોડવો ઉચિત જણાતો નથી.
Share it on
|