કચ્છખબરડૉટકોમ, ભુજઃ મુંદરાના પત્રી ગામે ૨૮-૧૦-૨૦૨૩ના રોજ ગામના યુવાન પૃથ્વીરાજસિંહ જાડેજાને લોડરની ટક્કર મારી હત્યા કરવાના ગુનામાં સૂત્રધાર વેજીબેન વાલજીભાઈ ચાડની જામીન અરજી કૉર્ટે ફગાવી દીધી છે. ગુનાનું કાવતરું ઘડવામાં વેજી ચાડની રહેલી મહત્વની ભૂમિકા, તેના પર અગાઉ દાખલ થયેલાં પાંચ જેટલાં ગંભીર ગુના તથા જામીન પર છૂટ્યાં બાદ સાક્ષીઓ અને પૂરાવાને પ્રભાવિત કરી શકવાની દહેશતને અનુલક્ષીને કૉર્ટે અરજી ફગાવી દીધી છે. ચાર્જશીટ થયાં બાદ વેજીએ ભુજ સેશન્સ કૉર્ટમાં નિયમિત જામીન અરજી દાખલ કરી હતી.
પત્નીને મરવા મજબૂર કરનાર યુવકને જામીનની ના
અન્ય મહિલા સાથેના આડા સંબંધોના કારણે પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કરવાના ગુનામાં સુખપરના યુવક અજય પ્રેમજીભાઈ દાફડાની નિયમિત જામીન અરજી કૉર્ટે ફગાવી દીધી છે. કૉર્ટમાં મુખ્ય સરકારી વકીલ કે.સી. ગોસ્વામીએ દલીલ કરી હતી કે અજયના ત્રાસથી તેની પત્નીએ એક વર્ષ અગાઉ પણ ફિનાઈલ પીધું હતું. છ વર્ષના લગ્નગાળાની અંદર તેની પત્નીએ આપઘાત કર્યો છે.
સોપારી દાણચોરીકાંડમાં આગોતરા ફગાવાયા
સોપારી તોડકાંડ બાદ પોલીસ તપાસમાં બહાર આવેલા સોપારીની દાણચોરીના કૌભાંડના ગુનામાં નાસતાં ફરતાં રહેલાં રાજકોટના પંકજ લક્ષ્મીદાસ ગજરા (ભાનુશાલી)એ કરેલી આગોતરા જામીન અરજી ભુજ કૉર્ટે ફગાવી છે. ગત ઓક્ટોબર ૨૦૨૩માં મુંદરા પોલીસ મથકે સંખ્યાબંધ આરોપીઓ વિરુધ્ધ બોગસ પેઢીના નામે સોપારીના ખરીદ વેચાણના બિલ, જીએસટી નંબર તેમજ ઈ-વે બિલ જનરેટ કરવા સહિતના આરોપ તળે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. મદદનશી સરકારી વકીલ ડી.જે. ઠક્કરે પંકજના કહેવાથી મોહિત એન્ટરપ્રાઈઝના નામે બોગસ ઈ-વે બિલો બન્યાં હોવાનું અને અન્ય આરોપી-પેઢીઓના નામે ખોટાં બિલ બન્યાં હોવાનું જણાવી અરજી ફગાવી દેવા રજૂઆત કરી હતી. ત્રણેય અરજીઓની સુનાવણી છઠ્ઠા અધિક સેશન્સ જજ વિશાલ વી. શાહે કરીને ત્રણેને ફગાવી દીધી છે.
Share it on
|