|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના ભાનુશાલીનગરમાં રહેતા ખાનગી ટ્યુશન ક્લાસના શિક્ષકને શેર માર્કેટમાં ઈન્વેસ્ટ કરવાની લાલચ આપીને ૩૨.૮૨ લાખની ઠગાઈ કરવાના કાંડનો એક આરોપી પણ અમદાવાદનો એક ટ્યુશન ચીટર નીકળ્યો છે. ભુજના હિતેશ રસિકલાલ સોની નામના શિક્ષક જોડે થયેલી ઠગાઈના ગુનામાં સાયબર ક્રાઈમ પોલીસે ઝડપેલાં બે આરોપીની નિયમિત જામીન અરજી ભુજ સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. હિતેશ સોનીએ ગત ચોથી જાન્યુઆરીના રોજ ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં પોલીસે અમદાવાદના વિપુલ મહેન્દ્રભાઈ સોલંકી (ઉ.વ. ૩૮, રહે. સાનિન્ધ્ય રેસિડેન્સી, સાઉથ બોપલ, અમદાવાદ) અને તેના સાગરીત સૂર્યામીન સુરેશભાઈ પંચાલ (ઉ.વ. ૩૬, રહે. કે.બી. અલ્ટેઝા, ચાંદખેડા ચાર રસ્તા, અમદાવાદ)ની ધરપકડ કરેલી. વિપુલ સોલંકી અમદાવાદમાં ખાનગી ટ્યુશન કલાસ ચલાવે છે જ્યારે સૂર્યામીન પોતાને બિઝનેસમેન ગણાવે છે.
પોલીસની પૂછપરછ તપાસમાં બહાર આવેલું કે વિપુલે જ ફરિયાદીને ફોન પર પોતે ORLBM LLC કંપનીના સર્વિસ ડિપાર્ટમેન્ટના કર્મચારી તરીકે ઓળખ આપી તેમની ટીપ્સ મુજબ રોકાણ કરવા અને કંપનીનો સક્સેસ રેટ સારો હોવાની લાલચ આપેલી.
એટલું જ નહીં, પાછળથી વિપુલે ફરિયાદીનો સૂર્યામીન પંચાલ જોડે સંપર્ક કરાવેલો. સૂર્યામીને આપેલા એક ખાતામાં ફરિયાદીએ ૧૦ ડિસેમ્બરના રોજ ૨.૬૦ લાખ રૂપિયા જમા કરાવ્યાં હતા. ગુનામાં બેઉની પ્રાથમિક અને સક્રિય સંડોવણી તથા તપાસ હજુ નાજૂક તબક્કે ચાલી રહી હોવાનું જણાવીને આઠમા અધિક સેશન્સ જજ તુષાર ખંધડીયાએ બેઉની અરજીઓ ફગાવી દીધી છે. બંને કેસમાં સરકાર તરફે એડવોકેટ પી.વી. વાણિયાએ દલીલો કરી હતી.
Share it on
|