કચ્છખબરડૉટકોમ, ભુજઃ મેટ્રિમોનિયલ વેબસાઈટ પર ફેક આઈડી બનાવી ભુજની લગ્નોત્સુક યુવતીને ફસાવી ૧૦.૩૦ લાખની ઠગાઈ કરવાના ગુનામાં દિલ્હીથી પકડાયેલાં નાઈજીરીયન યુગલની જામીન અરજી કૉર્ટે ફગાવી દીધી છે. યુગલે ફેક આઈડી મારફતે લગ્નની વાત ચલાવીને વિદેશથી પોતે એન્ગેજમેન્ટ રીંગ, ગોલ્ડ અને બે લાખ યુરો ભરેલું પાર્સલ મોકલ્યું હોવાનું જણાવ્યું હતું. બાદમાં આ પાર્સલને એરપોર્ટ કસ્ટમ ક્લિયરન્સમાંથી છોડાવવાના નામે અલગ અલગ બહાને ઠગાઈ કરી હતી. ઘટના અંગે ભુજ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગુનો દાખલ કરી દિલ્હીમાં રહેતાં નાઈજીરીયન યુગલની ધરપકડ કરી હતી. પાલારા જેલમાં કેદ વિદેશી યુગલે નિયમિત જામીન અરજી કરેલી પરંતુ છઠ્ઠા અધિક સેશન્સ જજ વી. વી. શાહે ગુનામાં બેઉની સક્રિય અને પ્રથમદર્શનીય ભૂમિકા, ગુનામાં વપરાયેલો ફોન યુવતીએ તોડી નાખીને પૂરાવાનો નાશ કરવા પ્રયાસ કર્યો હોવાની બાબત, વિદેશી નાગરિકો હોઈ જામીન મુક્ત થયાં બાદ ફરાર થઈ જવાની ભીતિ વગેરે બાબતોને અનુલક્ષી તેમજ સમાજમાં આ પ્રકારના ગુનાઓ વધી રહ્યાં હોવાનું જણાવી અરજી ફગાવી દીધી હતી. કેસમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ સરકાર તરફે પેરવી કરી હતી.
Share it on
|