કચ્છખબરડૉટકોમ, ભુજઃ ધી ભુજ મર્કેન્ટાઈલ કો ઓપરેટિવ બેન્ક સાથે ૨૦૦૪માં થયેલા ૧૪.૬૦ લાખના ફ્રોડ કેસમાં ICICI બેન્કને જવાબદાર ઠેરવી વ્યાજ સાથે રકમ અપાવવા કરાયેલી અપીલ જિલ્લા અદાલતે ફગાવી દીધી છે. ૨૦૧૯માં ભુજના પ્રિન્સીપલ સિનિયર સિવિલ જજે BMCB બેન્કે ICICI બેન્ક પર કરેલો દાવો કાઢી નાખેલો. જેથી, નીચલી અદાલતના ચુકાદા સામે BMCB બેન્કે જિલ્લા અદાલતમાં અપીલ કરેલી. જિલ્લા અદાલતે નીચલી કૉર્ટના હુકમને યથાર્થ ઠેરવી અપીલ ફગાવી દીધી છે. જાણો શો છે બે દાયકા જૂનો મામલો
BMCB બેન્કે ICICI બેન્ક સાથે એગ્રીમેન્ટ કરીને ICICI બેન્કની ભુજ શાખામાં બેન્કનું ખાતું ખોલાવ્યું હતું. એપ્રિલ ૨૦૦૪માં બેન્કની ભુજ શાખામાં સુરેન્દ્ર સેજપાલ (રહે. સપના એપાર્ટમેન્ટ, ભુજ) આવેલ અને બેન્કે સેજપાલને ૫૦૦ અને ૭૦૦ રૂપિયાના બે ચેક ઈસ્યૂ કરેલાં. સેજપાલે આ બંને ચેક દીપક ભાવસારની ફેવરમાં ICICI બેન્કમાં વટાવ્યાં હતા.
ચૅક ક્લિયર થયાં બાદ ICICI બેન્કે BMCB બેન્કને તેમના ખાતામાંથી ૧૪.૬૦ લાખ ડેબિટ કર્યાં હોવાની જાણ કરેલી.
૧૨૦૦ રૂપિયાના ચેક સામે ICICI બેન્કે ૧૪.૬૦ લાખ ખાતામાંથી કેમ કાપી નાખ્યાં તે મામલે BMCB બેન્કે વાંધો ઉઠાવીને નાણાં પરત કરવા નોટિસો મોકલેલી. ICICI બેન્કે કશો જવાબ ના આપતાં ભુજની દિવાની કૉર્ટમાં દાવો દાખલ કરેલો.
BMCB બેન્કે દાવામાં આ દલીલો કરેલી
BMCB બેન્કે દાવામાં દલીલ કરેલી કે ૫૦૦ રૂપિયાની રકમ સામે ચેડાં કરાઈને તે રકમ ૬.૫૦ લાખ કરી દેવાયેલી. એ જ રીતે, ૭૦૦ રૂપિયાની રકમમાં ચેડાં કરીને તે રકમ ૮.૧૦ લાખ રૂપિયા કરી દેવાયેલી. રકમ જ નહીં જેના નામે ચેક ઈસ્યૂ કરાયેલા તે સેજપાલના નામમાં ચેડાં કરાઈને દીપક ભાવસાર કરાયેલું.
ચેકમાં આવા ચેડાં થયા હોવા છતાં ICICI બેન્કે બેદરકારી દાખવીને કશું જ વેરીફાય કર્યાં વગર ચેક જમા લઈ BMCBના ખાતામાંથી આ રકમ બારોબાર કાપી લીધી છે.
જો ICICI બેન્કે સતર્કતા દાખવી હોત તો આ રૂપિયા કપાયાં જ ના હોત. એટલું જ નહીં, આ મામલે ICICI બેન્કને મોકલેલી નોટીસોનો પણ કોઈ જવાબ અપાયો નથી.
BMCB બેન્કે આટલી રકમના કોઈ ચેક ઈસ્યૂ કર્યાં જ નહોતા અને આવા ચેડાં કરાયેલા ચેકને જમા લઈ ICICI બેન્કે ફરજચૂક કરી છે.
જેથી ૧૮ ટકાના વ્યાજ સાથે ICICI બેન્ક ૧૪.૬૦ લાખ અમને પરત આપે.
ICICI બેન્કે BMCBના આરોપને નકારેલાં
પ્રતિવાદી ICICI બેન્કે BMCBના આરોપને નકારી કાઢી દલીલ કરેલી કે હકીકતે તો BMCB બેન્કે તેમની બેન્ક સાથે થયેલા કરાર મુજબ શરતોનો ઈરાદાપૂર્વક ભંગ કર્યો છે.
ICICI બેન્કે જણાવેલું કે જે ચેક તેમની બેન્કમાં આવેલા તેમાં નામ કે રકમ (આંકડા અને શબ્દો)માં કોઈ જ પ્રકારનું ઓવરરાઈટીંગ કે ચેકચાક યા ચેડાં કરાયાં હોવાનું જણાતું નહોતું.
કરારની શરત મુજબ ચેક સાથે BMCBએ ચેક નંબર, સાઈન, વેલિડીટી સહિતની વિગતો દર્શાવતી એડવાઈસ સ્લીપ તે જ દિવસે કામકાજના કલાકો અગાઉ મોકલી નહોતી, જેથી સ્લીપની વિગતોના આધારે બેન્ક પેમેન્ટ કરતાં અગાઉ ચેકને વેરીફાઈ કરી શકે.
ચેક BMCBના સક્ષમ સત્તાધિકારીએ ઈસ્યૂ કરેલો. બેન્ક પાસે પેમેન્ટ કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.
ICICIએ બીજો એક મહત્વનો મુદ્દો રજૂ કરેલો કે અગાઉ ફેબ્રુઆરી માસમાં અમે BMCB બેન્કને દ્વિરંગી સાહિત્ય (Two Colour Stationery)નો જ ઉપયોગ કરવા સૂચના આપેલી. જેથી ફ્રોડના ઈરાદે ચેકમાં કોઈ ચેડાં કરાય તો તરત તે પકડાઈ જાય.
છતાં BMCBએ ઈરાદાપૂર્વક જૂની સ્ટેશનરીનો જ ચેક ઈસ્યૂ કરેલો.
લવાદ (આર્બિટ્રેશન)ની શરતો મુજબ બેન્કનું ન્યાયીક ક્ષેત્ર મુંબઈ છે તેથી ભુજમાં દાખલ થયેલો દાવો ટકી શકે તેમ નથી. તેથી કૉર્ટે આ દાવો ફગાવી દેવો જોઈએ.
BMCB કર્મચારીએ ઉલટ તપાસમાં કરેલી કબૂલાત મહત્વપૂર્ણ
BMCB બેન્કે વળતી દલીલ કરેલી કે જો એડવાઈસ નોટ નહોતી તો ICICI બેન્કે પેમેન્ટ અટકાવી રાખવું જોઈતું હતું. યોગ્ય ચકાસણી બાદ જ પેમેન્ટ કરવું જોઈતું હતું. બેન્ક વતી જુબાની આપવા આવેલા પ્રદીપ જેન્તીલાલ શેઠિયાએ પ્રતિવાદી ICICI બેન્કના વકીલે લીધેલી ઉલટ તપાસમાં રેકર્ડ પર કબૂલ્યું હતું કે જે બે ચેક ઈસ્યૂ થયેલાં તેમાં BMCBના મેનેજર શાંતિલાલ મોરબિયા અને કિરણ પંડ્યાની સહીઓ હતી, બેઉ જણ બેન્કના અધિકૃત અધિકારી છે.
સાક્ષીએ કબૂલ કરેલું કે ચેકમાં ૫૦૦ અને ૭૦૦ રૂપિયાની કોઈ રકમ શબ્દો કે આંકડામાં લખાઈ જ નહોતી. એટલું જ નહીં, ચેકના નામ અને રકમ (આંકડા અને શબ્દો)માં કોઈ ચેડાં થયાં હોવાનું ના જણાતું હોવાનું કબૂલેલું.
ચેક ક્લિયર થયા અગાઉ ICICI બેન્કને કોઈ જ એડવાઈસ નોટ મોકલાઈ નહોતી. જેને ચેક અપાયેલો તે પાર્ટીએ નામ અને રકમમાં ચેડાં કર્યાં હોવાની શક્યતા સાક્ષીએ કબૂલી હતી. ચેડાં કરવા બદલ તે પાર્ટી વિરુધ્ધ BMCBએ કાયદેસર કાર્યવાહી કરવી જોઈતી હતી. ચેકનો ફેસ જોતાં તેમાં કોઈ ચેડાં થયાં હોવાનું જણાતું નથી. જેથી ICICI બેન્કને તે માટે જવાબદાર ઠેરવી શકાય નહીં.
♦કૉર્ટે અપીલ ફગાવતાં જણાવ્યું કે BMCBએ ૧૪-૦૬-૨૦૨૪થી ૨૨-૦૬-૨૦૦૬ દરમિયાન શરત મુજબ ICICI બેન્કને એડવાઈસ સ્લીપ મોકલી જ નહોતી. જે તેની બેદરકારી છે. તે માટે ICICIને જવાબદાર ઠેરવી ના શકાય.
♦સૂચના મુજબ દ્વિરંગી સાહિત્યનો ઉપયોગ કરાયો નહોતો. ચેક ICICIએ થોડી ઈસ્યૂ કરેલો?
♦જેને ચેક ઈસ્યૂ કરાયેલો તેણે ચેડાં કર્યાં હોવાની શક્યતા છે છતાં BMCBએ તેની વિરુધ્ધ કોઈ ફોજદારી કાર્યવાહી કરી નથી.
♦BMCB બેન્ક દાવાને અનુરૂપ વિશ્વસનીય અને ઉચિત પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહી છે.
♦ઉલટાનું સમગ્ર કેસમાં BMCBની જ બેદરકારી જણાઈ આવે છે.
જો કે, ન્યાયક્ષેત્ર ભુજ હોવાનું ઠેરવી જિલ્લા ન્યાયાધીશ દિલીપ પી. મહિડાએ નીચલી અદાલતે આપેલો ચુકાદો ન્યાયીક અને ઉચિત હોવાનું જણાવી BMCBની અપીલ ફગાવી દીધી છે.
Share it on
|