કચ્છખબરડૉટકોમ, ભુજઃ પોતાની ઑફિસમાં નોકરી કરતી સગીર વયની કિશોરીની એકલતાનો લાભ લઈ, બળાત્કાર કરવાના ગુનામાં નાસતાં ફરતા માંડવીના આરોપીની આગોતરા જામીન અરજી ભુજ કૉર્ટે ફગાવી દીધી છે. માંડવીના લાકડા બજારમાં આવેલા આશિર્વાદ કોમ્પ્લેક્સમાં ફાઈનાન્સની પેઢી ધરાવતા ૩૭ વર્ષિય રમેશપુરી રામપુરી ગોસ્વામી (રહે. ધવલનગર, માંડવી) વિરુધ્ધ ૨૧-૦૧-૨૦૨૪ના રોજ માંડવી પોલીસ મથકે દુષ્કર્મ, પોક્સો સહિતની કલમો તળે ફરિયાદ દાખલ થયેલી. રમેશે ૦૫-૧૦-૨૦૨૩ની સાંજે સગીરાને ઑફિસના સોફા પર ધક્કો મારીને પાડી દઈ તેની હવસનો શિકાર બનાવી પીંખી નાખી હતી. દુષ્કર્મ બાદ રમેશે આ અંગે કોઈને વાત કરી તો પીડિતા અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપેલી.
ઘટનાના દિવસથી પીડિતાએ નોકરી છોડી દીધી હતી અને સૂનમુન રહેવા માંડી હતી.
તપાસમાં બહાર આવ્યું કે પીડિતા તેને ‘મામા’ કહીને બોલાવતી હતી પરંતુ ચાર સંતાનના પિતા એવા રમેશના મનમાં વાસનાનો કીડો સળવળતો હતો. ઑફિસમાં સીસીટીવી કેમેરા લાગેલાં છે પરંતુ બનાવ સમયે રમેશે તેને બંધ કરી દીધાં હતાં.
રમેશની આગોતરા જામીન અરજીનો વિરોધ કરતાં વકીલે દલીલ કરી હતી આરોપી પૈસાપાત્ર અને માથાભારે છે તથા સમાધાનના નામે કેસને રફેદફે કરવા પ્રયાસો કરી રહ્યો છે. પાંચમા અધિક સેશન્સ જજ પી.એમ. ઉનડકટે આરોપી સામેનો ગુનો ગંભીર હોવાનું, પોલીસની તપાસ ચાલું હોવાનું અને તેને જામીન પર છોડાય તો કેસમાં વિપરીત અસર પડે તેમ હોવાનું જણાવી રમેશની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. કેસમાં મૂળ ફરિયાદીના વકીલ તરીકે એડવોકેટ બી.એસ. ગોરડિયાએ દલીલો કરી હતી.
ફેક પ્રમાણપત્રના ગુનામાં હંગામી કર્મીના આગોતરા રદ્દ
પોલીસ સ્ટેશનમાંથી નોન ક્રિમિનલ સર્ટીફિકેટ મેળવવાના હેતુથી પરપ્રાંતીય યુવક યુવતીને પધ્ધર અને લાખોંદ ગ્રામ પંચાયતના રહીશ હોવાનું સરપંચ તલાટીના બોગસ સહી સિક્કા કરીને નકલી પ્રમાણપત્ર આપી, તેના આધારે ડિફેન્સ સર્વિસમાં જોડાવા માટે જરૂરી એવું બોગસ ડોમિસાઈલ સર્ટીફિકેટ કાઢી આપવાના ગુનામાં નાસતાં ફરતાં કલેક્ટરની પીએ કચેરીના કોન્ટ્રાક્ટ બેઝ્ડ કર્મચારી વિષ્ણુ દિલીપભાઈ ઘરેણિયા (૩૪, રહે. ભક્તિપાર્ક, મુંદરા રોડ, ભુજ)એ કરેલી આગોતરા જામીન અરજી કૉર્ટે નામંજૂર કરી છે. ફરિયાદી પક્ષે કૉર્ટને રજૂઆત કરી હતી કે આ મામલે વિષ્ણુને ખુલાસો આપવા નોટીસ આપેલી પરંતુ તે હાજર થયો નહોતો અને તપાસમાં સહકાર આપતો નથી. આઠમા અધિક સેશન્સ જજ શિલ્પાબેન કાનાબારે વિષ્ણુની આગોતરા ફગાવી દીધી છે.
Share it on
|