click here to go to advertiser's link
Visitors :  
16-Jul-2025, Wednesday
Home -> Bhuj -> Bhuj Court refuse to grant bail of accused involved in brutal murder case
Saturday, 28-Jun-2025 - Bhuj 26340 views
ગોધરાની યુવતીની ઘાતકી હત્યા કરનાર ઝનૂની પ્રેમીની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ્દ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ માંડવી તાલુકાના ગોધરા ગામે ૨૮ વર્ષની ગૌરી તુલસીભાઈ ગરવા નામની યુવતી પર ગુપ્તી અને તલવારથી ઘાતકી હુમલો કરીને સ્થળ પર હત્યા કરનારા ઝનૂની પ્રેમીની જામીન અરજી કૉર્ટે ફગાવી દીધી છે. હત્યાનો બનાવ સાત માસ અગાઉ ૩૦-૧૨-૨૦૨૪ની વહેલી પરોઢે સાડા પાંચના અરસામાં ગૌરીના ઘર નજીક બન્યો હતો, જેનાથી ભારે ચકચાર ફેલાઈ હતી. ગૌરીની હત્યા બદલ પોલીસે કોડાયના સાગર રવજીભાઈ સંઘાર (સુઈયા)ની ધરપકડ કરી હતી.

ગૌરીની હત્યા બાદ સાગરે ઝેર પીધેલું અને પોતે મરી જશે તે ડરથી સીધો માંડવીની સરકારી હોસ્પિટલભેગો થઈ ગયો હતો.

મામલતદાર સમક્ષ મરણોન્મુખ નિવેદનમાં તેણે ગૌરીની હત્યા કરી હોવાનું જણાવ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. ગૌરી સાથે તેને પ્રેમ સંબંધ હતો પરંતુ ગૌરીએ તેની સાથે બોલવાનું બંધ કરી દેતાં તે ઉશ્કેરાયો હતો.

તુંબડીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતી ગૌરી નિત્યક્રમ મુજબ ઘરેથી નોકરી જવા નીકળી ત્યારે સાગરે તેં મને કેમ દગો આપ્યો કહીને ગુપ્તી અને તલવારથી તેને સ્થળ પર રહેંસી નાખી હતી. ચાર્જશીટ બાદ આરોપીએ ભુજ સેશન્સ કૉર્ટમાં નિયમિત જામીન અરજી દાખલ કરી હતી. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આઠમા અધિક સેશન્સ જજ અને ખાસ એટ્રોસીટી કૉર્ટના વિશેષ જજ તુષાર ખાંધડીયાએ અરજી ફગાવી દીધી છે.

જજે જણાવ્યું કે સમાજમાં આ પ્રકારના ગુનાઓ વધી રહ્યાં છે અને તેની ગંભીર અસરો સમાજ પર પડી રહી છે.

ગુનામાં આરોપીની પ્રથમદર્શનીય સંડોવણી અને ગુનાની ગંભીરતાને અનુલક્ષીને જજે તેને જામીન આપવા ઈન્કાર કર્યો હતો. કેસમાં એડવોકેટ બાબુલાલ એસ. ગોરડીયાએ અરજી ફગાવી દેવા ફરિયાદ પક્ષે રજૂઆત કરી હતી.

Share it on
   

Recent News  
મહિને ૨૦ હજાર માંગતા VTV ને INDIA TVના બે તોડબાજ પત્રકારની ‘ચાકી’ LCBએ ઢીલી કરી
 
બુલેટ ટ્રેન શરૂ થાય ત્યારે ખરી પણ કંડલામાં દેશની પહેલી મેગ્નેટિક રેલ દોડશે
 
માંડવીઃ પિતા પુત્ર પર ઍસિડ એટેક બદલ આધેડને સેશન્સે પાંચ વર્ષનો કારાવાસ ફટકાર્યો