કચ્છખબરડૉટકોમ, ભુજઃ એરોમેટિક સોલવન્ટના નામે UAEથી ૮.૯૪ કરોડનું હાઈ સ્પીડ ડીઝલ ઈમ્પોર્ટ કરનાર પેઢીના MD સિનિવાસન નારાયણસામીની નિયમિત જામીન અરજી ભુજ સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. થોડાંક માસ અગાઉ દિલ્હી DRIએ બાતમીના આધારે કચ્છમાં આ સ્મગલિંગનો પર્દાફાશ કર્યો હતો. ૪૨ વર્ષિય આરોપી GKN કેમિકલ્સ નામની કંપનીનો MD છે. આરોપીએ શ્રી કેમટેક નામની પેઢી મારફતે હાઈ ફ્લેશ હાઈ સ્પીડ ડીઝલ, કેરોસીન એન્ડ લાઈટ પેટ્રોલિયમ હાઈડ્રો કાર્બન સોલવન્ટની આયાત કરેલી.
કસ્ટમ્સ એન્ડ DRI પબ્લિક પ્રોસિક્યુટર કલ્પેશ ગોસ્વામીએ કૉર્ટમાં દલીલ કરેલી કે આરોપીએ મિસડિક્લરેશન કરીને ઈમ્પોર્ટ કરેલી આઈટમ કસ્ટમ્સની ‘રિસ્ટ્રીક્ટેડ આઈટમ’ની શ્રેણીની છે. વડોદરાની એક લેબના ટેસ્ટ રિપોર્ટના આધારે સુનિયોજિત રીતે સ્મગલિંગનું સ્કેમ ચાલતું હતું.
ગુનામાં આરોપીની પ્રથમદર્શનીય સંડોવણી સ્પષ્ટ થયેલી છે, અગાઉ લૉઅર કૉર્ટ મેરીટના આધાર પર તેની જામીન અરજી ફગાવી ચૂકી છે, તપાસ નાજૂક તબક્કે છે અને તેને જામીન પર છોડાય તો સાક્ષીઓ પુરાવા સાથે ચેડાં કરી શકે છે. સાતમા અધિક સેશન્સ જજ એન.પી. રાડિઆએ ગુનાની ગંભીરતા અને પ્રકારને જોઈ આરોપીની અરજી ફગાવી દીધી હતી.
Share it on
|