કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામના પડાણા પાસે નિર્જન વગડામાં કુદરતી હાજત કરવા બેસેલા ટ્રક ડ્રાઈવરના છરીની અણીએ ૮ હજાર રૂપિયા લૂંટી લેનાર બાઈકસવાર બેલડીને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધી છે. આ ગુનો આચરનાર મીઠીરોહરના કાસમ ઊર્ફે ગુડબો જુમાભાઈ સોઢા અને મૌસીમ સુલેમાન ચાવડાની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ગુનામાં વપરાયેલી મોટર સાયકલ અને લૂંટેલી પૂરેપૂરી આઠ હજારની રોકડ રકમ, છરી તથા બે મોબાઈલ ફોન સાથે ધરપકડ કરી છે.
પોતાને લૂંટીને નાસી રહેલા બેઉ બાઈકચાલકની બાઈકનો નંબર ટ્રક ચાલકે યાદ રાખી લીધો હતો અને આરોપીઓને પકડવામાં આ નંબર ઘણો ઉપયોગી બની રહ્યો. પોલીસે આ ગુના સંદર્ભે બનાવસ્થળે બંને આરોપીઓને લઈ જઈને બનાવને રીક્રીએટ કર્યો હતો.
બંને આરોપીના રહેણાકના ગેરકાયદે વીજ જોડાણ કટ
મીઠીરોહરમાં બંને જણના રહેણાક મકાનમાં ગેરકાયદે રીતે વીજ જોડાણ લેવાયા હોવાનું બહાર આવતા પોલીસે પીજીવીસીએલની ટીમને સાથે રાખીને બંનેના રહેણાકના ગેરકાયદે વીજ જોડાણ કટ કરાવ્યા હતા. પીજીવીસીએલએ વીજચોરી અને દંડ પેટે ૪૦ હજાર રૂપિયાનો મેમો આપ્યો છે. ઝડપી ડીટેક્શન માટે ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એસ.વી. ગોજીયા, પીએસઆઈ એલ.એન. વાઢીયા, એન.બી. બામ્ભા અને સર્વેલન્સ સ્ટાફે દોડધામ કરી હતી.
આદિપુરમાં ગૃહિણીના ગળામાંથી ચેઈનની ચીલઝડપ
પોલીસની કડક કાર્યવાહી છતાં ગુનેગારો બેફામ બની રહ્યાં છે. આદિપુરમાં બુકાનીધારી બે બાઈકસવારો ગૃહિણીની સોનાની ચેઈન લૂંટીને નાસી ગયાં છે. ગઈકાલે સોમવારે બપોરે એકથી દોઢના અરસામાં બનાવ બન્યો હતો. કેસરનગર-3માં રહેતા ૨૫ વર્ષિય અમૃતાબેન મુકેશ પ્રજાપતિ તેમના સાસુ સાથે માર્કેટમાંથી શાકભાજી વગેરે ખરીદીને પગપાળા પરત ફરતાં હતા ત્યારે ઘર નજીક હનુમાન મંદિરની ગોલાઈ નજીક મોંઢે બુકાની ધારણ કરીને આવેલા બે બાઈકસવારો અમૃતાબેને ગળામાં પહેરેલી ૬૦ હજારની સોનાની ચેઈન તોડીને ફરાર થઈ ગયા હતા.
બનાવના પગલે તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી પરંતુ ચેઈન સ્નેચરો પૂરઝડપે બાઈક હંકારીને ગાયબ થઈ ગયા હતા.
આદિપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Share it on
|