કચ્છખબરડૉટકોમ, ભુજઃ પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર પકડાયેલા નારાયણ સરોવરના ૨૮ વર્ષિય સહદેવસિંહ દીપુભા ગોહિલ નામના યુવકે ભુજ કૉર્ટમાં રેગ્યુલર બેઈલ માટે કરેલી અરજી કૉર્ટે ફગાવી દીધી છે. ૨૨ એપ્રિલના રોજ પહલગામના આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ પ્રવર્તતી હતી. તે સમયે ૨૪ મેના ગુજરાત એટીએસએ સહદેવની ધરપકડ કરી હતી. માતાના મઢ પેટા આરોગ્ય કેન્દ્રમાં મલ્ટિપરપઝ હેલ્થ વર્કર તરીકે કામ કરતો સહદેવ પાકિસ્તાનની અદિતિ ભારદ્વાજ નામની કથિત એજન્ટના સંપર્કમાં હતો અને તેના કહેવાથી તેણે કચ્છ સીમા પર સુરક્ષા દળો દ્વારા થતા સંવેદનશીલ બાંધકામોના ફોટોગ્રાફ વોટસએપ પર મોકલી આપ્યા હતા.
જાસૂસીની અવેજમાં તેને ૪૦ હજાર રૂપિયા મળ્યા હતા. તપાસમાં સ્પષ્ટ થયું હતું કે આરોપી વરચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક (VPN)થી પાકિસ્તાની એજન્ટના કોન્ટેક્ટમાં હતો. જેનું આઈપી એડ્રેસ કરાચી હોવાનું ખૂલ્યું હતું.
ATSના તપાસ અધિકારીએ તપાસમાં આવેલા તથ્યો અંગે જાણકારી આપતું રજૂ કરેલું સોગંદનામું વાંચીને આઠમા અધિક સેશન્સ જજ તુષાર ખંધડીયાએ ગુનાને ગંભીર ગણાવી સમાજના હિતમાં આરોપીની જામીન અરજી રીજેક્ટ કરી દીધી છે.
Share it on
|