કચ્છખબરડૉટકોમ, ભુજઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો વિરોધ કરવા તાજેતરમાં ભાજપે ઠેર ઠેર રાહુલના પૂતળાનું જાહેરમાં દહન કર્યું હતું. કચ્છ કોંગ્રેસે પૂતળું બાળનારા ભાજપના આગેવાનો અને કાર્યકરો વિરુધ્ધ ગુનો દાખલ કરવા કચ્છ પોલીસને રજૂઆત કરી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલના નેતૃત્વમાં આજે કોંગ્રેસના એક પ્રતિનિધિ મંડળે ભુજમાં બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયાને રૂબરૂ મળી આ મામલે રજૂઆત કરી છે. હુંબલે જણાવ્યું કે ભાજપે સોશિયલ મીડિયામાં રાહુલના પૂતળા દહનના સંદેશા પોસ્ટ કરેલાં. આ મામલે કોંગ્રેસે પોલીસને એક્શન લેવા લેખિતમાં આગોતરી જાણ કરેલી પરંતુ પોલીસે કોઈ પગલાં લીધા નથી. ભાજપને આવો કાર્યક્રમ કરવા માટે અને કોંગ્રેસ પક્ષને બદનામ કરવા માટે ખુલ્લી છૂટ આપવામાં આવી તે ગંભીર બાબત હોવાનું જણાવતા હુંબલે દરેક તાલુકામાં થયેલા પૂતળા દહનના વીડિયોના આધારે સંબંધિતો સામે ગુનો દાખલ કરવામાં આવે.
અમને મોદી-શાહના પૂતળા બાળવા માટે છૂટ મળશે?
હુંબલે આરોપ કર્યો કે જ્યારે કોંગ્રેસ આવા પૂતળા દહનના કાર્યક્રમોનું આયોજન કરે ત્યારે પોલીસ તરત પહોંચી જઈને પૂતળાદહન કરવા દેતી નથી, કોંગ્રેસ કાર્યકરોની ધરપકડ કરી ગુનો નોંધે છે. આમ, પોલીસ વિભાગ તરફથી ભાજપને ખુલ્લી મદદ મળી રહી છે.
પોલીસ તંત્રના અધિકારીઓ જ્યારે ફરજ પર જોડાય છે, ખાખી વર્દી પહેરે છે ત્યારે બંધારણીય સોગંદ લેવાતા હોય છે કે પોલીસ ભેદભાવ કર્યા સિવાય નિષ્પક્ષ રીતે કામ કરશે.
જે રીતે ભાજપના આગેવાનો હોદ્દેદારોને દરેક તાલુકા મથકે પૂતળાદહન કર્યું તે જોતા તેમને છૂટ અપાઈ હોવાનું જણાય છે. શું પોલીસ કોંગ્રેસને પણ નરેન્દ્ર મોદી, અમિત શાહ કે હર્ષ સંઘવીના પૂતળાદહન માટે છૂટ આપશે? કે પછી અમારો પક્ષ કાયદો હાથમાં લઈ આવું કરી શકે છે? તેવો પ્રશ્ન કરીને હુંબલે જણાવ્યું છે કે જેમણે આવા કાર્યક્રમો કર્યા હોય તેમની સામે ગુનો નોંધી કાર્યવાહી કરી પોલીસ પાસેથી તટસ્થ કામગીરીની અપેક્ષા રાખવામાં આવે છે. આ મામલે પૂર્વ અને પશ્ચિમ કચ્છના એસપી તથા રાજ્યના પોલીસ વડા સમક્ષ પણ રજૂઆત કરાઈ છે.
Share it on
|