click here to go to advertiser's link
Visitors :  
23-Apr-2026, Thursday
Home -> Bhuj -> Bhuj Court Orders Rigorous Life Sentences to College Girl Murder Convicts
Thursday, 23-Apr-2026 - Bhuj 2511 views
ભુજની કોલેજગર્લ સાક્ષીનું ગળું કાપી હત્યા કરનારાં એકતરફી પ્રેમી સહિત બેને જનમટીપ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ૮ મહિના અગાઉ ભુજમાં ૧૯ વર્ષની કોલેજ કન્યાનું છરી વડે ગળું કાપી હત્યા કરવાના ગુનામાં ભુજ સેશન્સ કૉર્ટે સૂત્રધાર અને મદદગાર સહિત બેઉ યુવકોને સખ્ત આજીવન કારાવાસની સજા ફટકારી છે. હત્યાનો બનાવ ૨૮-૦૮-૨૦૨૫ની સાંજે ભુજના એરપોર્ટ રોડ પર આવેલી સંસ્કાર કોલેજ બહાર બન્યો હતો.
પડોશમાં રહેતો મોહિત એકતરફી પ્રેમમાં ઝનૂની બનેલો

મરણ જનાર સાક્ષી જેઠાલાલ ખાનીયા (રહે. ભારતનગર, ગાંધીધામ) સંસ્કાર કોલેજમાં બી.સી.એ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને ભુજની ભાનુશાલી કન્યા છાત્રાલયમાં રહેતી હતી.

ગાંધીધામમાં સાક્ષીની પડોશમાં રહેતો મોહિત મુળજીભાઈ સિધ્ધપુરા તેના એકતરફી પ્રેમમાં હતો. સાક્ષી ભુજમાં ભણવા આવી જતા મોહિત તેને ભણતર છોડીને પરત ગાંધીધામ આવી જવા દબાણ કર્યા કરતો હતો.

મોહિત તેના પ્રેમસંબંધ અંગે સાક્ષીના માતા પિતાને જણાવી દેવાની ધમકી આપતો હતો. મોહિતના વારંવાર ફોન કૉલના લીધે સાક્ષીએ તેનો મોબાઈલ નંબર પણ બ્લોક કરી દીધો હતો. બનાવના દિવસે સાક્ષીએ તેની માતાને પણ મોહિતની ધાક ધમકી અંગે વાત કરેલી.

અંજારથી છરી ખરીદી મિત્ર જોડે બાઈક પર ભુજ આવેલો

ઉશ્કેરાયેલો મોહિત ગુસ્સામાં આવીને અંજારના મેઘપર બોરીચીના પરસોત્તમનગરમાં રહેતા મિત્ર જયેશ જેન્તીજી ઠાકોરના ઘરે ગયેલો. ત્યાંથી બેઉ જણ જયેશની મોટર સાયકલથી અંજાર આવેલા. મોહિતે અંજારમાં છરી-ચપ્પુની દુકાનમાંથી એક છરી લીધેલી. બેઉ જણે ભુજમાં સંસ્કાર કોલેજમાં આવીને કોલેજની અંદર અન્ય વિધાર્થીનીઓને ‘સાક્ષી ક્યાં છે?’ તે અંગે પૂછપરછ કરેલી.

આ રીતે મોહિતે સાક્ષીની કરી હતી હત્યા

સાક્ષીને જોઈ મારે વાત કરવી છે તેમ કહી મોહિતે તેને સાઇડમાં લઇ જઈને પેટમાં છરી મારી દીધી હતી. ઘાયલ સાક્ષી જયેશની બાઈક પર હોસ્પિટલમાં સારવાર માટે જતી હતી ત્યારે મોહિત બાઇકમાં સાક્ષીની પાછળ બેસી ગયેલો અને તેના ગળા પર છરી ફેરવી દીધી હતી. ગંભીર હાલતમાં સાક્ષીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ પરંતુ મોડી રાત્રે તેનું મૃત્યુ નીપજ્યું હતું. ઝપાઝપી સમયે જયેશને પણ સામાન્ય ઈજાઓ પહોંચતા તેને જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયેલો.

પોલીસે ગણતરીના કલાકોમાં મોહિતને ઝડપી પાડેલો

ઘટના અંગે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાક્ષીના પિતાએ મોહિત સિધ્ધપુરા અને તેના મિત્ર જયેશ ઠાકોર વિરુધ્ધ હત્યા સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી હતી. પીઆઈ એ.એમ.પટેલે ગણતરીના કલાકોમાં મોહિતને ભુજમાંથી ઝડપી પાડ્યો હતો. પાછળથી જયેશ ઠાકોરની ધરપકડ કરવામાં આવેલી.

આ પુરાવા ખૂબ મહત્વના પૂરવાર થયાં

તપાસ દરમિયાન પોલીસને મોહિત અને જયેશ બનાવના સમયગાળા દરમિયાન બાઇકથી ભુજમાં એન્ટર થયેલાં તે અંગેના નેત્રમ સી.સી.ટીવી. ફૂટેજ પુરાવા રૂપે એકત્ર કરેલાં. સાક્ષી પર હુમલા બાદ બાદ લોહીથી ખરડાયેલાં કપડાં બદલવા મોહિત જે દુકાનમાં નવા કપડાં ખરીદવા ગયેલો તે દુકાનના સીસીટીવી ફુટેજ પણ કબજે કરાયેલાં. મહત્વના સાક્ષીઓના BNSS કલમ ૧૮૩ મુજબ નિવેદનો નોંધવામાં આવેલાં. આરોપીઓ પાસેથી કબજે કરાયેલી છરી, કપડાં વગેરે પરીક્ષણ અર્થે એફએસએલમાં મોકલવામાં આવેલાં. જેનો પોઝિટીવ રીપોર્ટ આવ્યો હતો.

કૉર્ટે સજા ફટકારી, સાક્ષીના માવતરને પ લાખનું વળતર 

આ કેસમાં આજે પ્રિન્સીપલ સેશન્સ જજ દિલીપ પી. મહિડાએ ફરિયાદ પક્ષે રજૂ થયેલાં ૭પ દસ્તાવેજી પુરાવા અને ૩૧ સાક્ષીની જુબાનીના આધારે ખૂન કરનાર ૨૨ વર્ષિય મોહિત અને મદદગારી કરનાર ૨૨ વર્ષિય જયેશને દોષી ઠેરવી આજીવન કેદની સજા સાથે રપ રપ હજારનો દંડ ફટકાર્યો છે. કૉર્ટે ગુનાનો ભોગ બનનાર સાક્ષીના માતા પિતાને વળતર પેટે પ લાખ રૂપિયા ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને હુકમ કર્યો છે.

આ કેસમાં પ્રોસિક્યુશન તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી.જાડેજાએ હાજર રહી સાક્ષીઓ તપાસેલાં અને દલીલો કરેલી. મૂળ ફરિયાદીના વકીલ તરીકે કે.પી.ગઢવી અને બી.જે. ભાનુશાલી હાજર રહ્યા હતા.

આજના આ ચુકાદા પર સમગ્ર ભાનુશાલી સમાજની નજર મંડાયેલી હતી. આજે મોટી સંખ્યામાં કૉર્ટ ખાતે આગેવાનો અને સંબંધિતો ઉમટી પડ્યાં હતા. સૌના ચહેરાં પર જાણે કે ન્યાય થયો હોવાનો સંતોષ પ્રવર્તતો હતો. 

Share it on
   

Recent News  
ભુજમાં AIMIMના કાર્યકરના ભાઈને ધાક ધમકીઃ નાસ્તાની હાથલારીનો વકરો ઝૂંટવી લેવાયો
 
ભચાઉઃ ‘આડા સંબંધ’માં નડતાં પ્રેમિકાના સસરાંને પ્રેમીએ ગોળી ધરબીને પતાવી દીધો
 
ભુજના ‘રસિકલાલ આઈસ્ક્રીમ’માંથી એક્સપાયર્ડ એસેન્સ, ફ્લેવર, કલરનો જથ્થો મળ્યો