click here to go to advertiser's link
Visitors :  
10-Jul-2026, Friday
Home -> Bhachau -> Three Accused in Dual Cases Granted Bail Due To Serious Lapse By IO
Wednesday, 17-Jun-2026 - Bhachau 26319 views
સામખિયાળી PSIની ગંભીર બેદરકારી બદલ બે ગુનાના ૩ આરોપીને જામીન પર છોડી મૂકાયાં!
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ કોઈપણ ગુનામાં પોલીસ જ્યારે આરોપીની ધરપકડ કરે ત્યારે આરોપીને તેની ધરપકડના કારણો (ગ્રાઉન્ડ ઑફ અરેસ્ટ) જણાવી, તેની સહી લેવી ફરજિયાત છે. ધરપકડ અંગે આરોપીના સગાં સંબંધી તથા ઉપરી અધિકારીને જાણ કરવી ફરજિયાત છે. ધરપકડના ૨૪ કલાક પૂરાં થતાં પહેલાં આરોપીને નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ પ્રોડક્શન રિપોર્ટ, ચહેરા નિશાન પત્રક, ધરપકડ કર્યાના કારણો વગેરે કાગળો રજૂ કરવા ફરજિયાત છે. દરેક પોલીસ અધિકારીને આ પાયાની બાબતોની સમજણ, તાલીમ અપાય છે.

સામખિયાળીના પોલીસ સબ ઈન્સ્પેક્ટરે ઘાતક હથિયારોથી હુમલો કરવાના તથા દારૂબંધીના અન્ય એક કેસમાં આરોપી અને કૉર્ટ સમક્ષ ધરપકડના આધારની લેખિતમાં જાણ ના કરી તથા આરોપીઓની સહી ના લેતાં કૉર્ટે ત્રણ આરોપીને જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો છે. એટલું જ નહીં, પીએસઆઈની હરકતને ગંભીર ગણી પૂર્વ કચ્છના એસપીને કૉર્ટના હુકમની નકલ મોકલી યોગ્ય કાર્યવાહી કરવા હુકમ કર્યો છે.

બે ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરાયેલી

સામખિયાળી પોલીસ મથકે ગત ૯મી જૂનના રોજ પિતા અને બે પુત્રો પર લલિયાણા ગામના ૫૭ વર્ષિય જશાભાઈ ગાગલ (આહીર) પર ધારિયા, કુહાડી અને લાકડીઓથી હુમલો કરી બંને હાથમાં ફ્રેક્ચર સહિત શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડવાની ફરિયાદ નોંધાયેલી. આરોપી ગણેશા વીરા ગાગલ, તેના બે પુત્ર ગોવિંદ અને રમેશ કેનાલમાંથી પાઈપ લાઈન ખેંચી જશાભાઈના  ખેતરમાંથી પસાર કરવા ઈચ્છતા હતા.

જશાભાઈએ પોતાના ખેતરમાંથી લાઈન ખેંચવા ના પાડતાં તેમણે હુમલો કરેલો. આ ગુનામાં સામખિયાળી પોલીસે ગોવિંદ અને રમેશની ધરપકડ કરેલી.

એ જ રીતે, પાંચમી મેના રોજ સૂરજબારી ગામે એક ખંડેરમાંથી ૭૩ હજારનો ઈંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસની તપાસમાં સામખિયાળીના અભય વેલા બઢિયા નામના યુવકનું નામ ખૂલતાં તેની પણ ધરપકડ કરેલી.

બચાવ પક્ષે બંધારણીય અધિકારોનો ભંગ ગણાવ્યો

બંને ગુનાના ત્રણ આરોપીઓને કૉર્ટમાં રજૂ કરાયાં ત્યારે તપાસકર્તા પો.સ.ઈ. જી.ડી. ગઢવીએ આરોપીના ગ્રાઉન્ડ ઑફ અરેસ્ટની લેખિતમાં જાણ ના કરી હોવાની અને તેમાં આરોપીઓની સહી ના લેવાઈ હોવાના મુદ્દે બચાવ પક્ષના વકીલોએ વાંધો ઉઠાવીને સુપ્રીમ કૉર્ટના જજમેન્ટ તથા સુપ્રીમ કૉર્ટે આપેલી ગાઈડલાઈનનો ભંગ થયો હોવાનું જણાવ્યું હતું. ધરપકડ અંગે જાણ ના કરાય તો આરોપીના બંધારણીય અધિકારનો ભંગ થયો ગણાય અને આ ધરપકડ ગેરકાયદે ગણાય તેમ જણાવી બચાવ પક્ષના વકીલોએ આરોપીઓને જામીન પર છોડી મૂકવા રજૂઆત કરી હતી.

હુમલાના કેસમાં ફરિયાદ પક્ષે રજૂ થયેલાં એડવોકેટ વી.એન. જોશીએ તપાસકર્તા અધિકારીએ ઈરાદાપૂર્વક ગ્રાઉન્ડ ઑફ અરેસ્ટની જાણ ના કરી હોવાનો આરોપ કરીને ગુનો ગંભીર હોઈ જામીન અરજી ફગાવી દેવા રજૂઆત કરેલી.

પીએસઆઈએ પણ કૉર્ટમાં પોતાની ભૂલનો સ્વિકાર કર્યો હતો.

કૉર્ટે આરોપીઓને જામીન પર છોડી મૂક્યાં 

ભચાઉના અધિક સીનિઅર સિવિલ જજ નરેશ આર. પટેલે જણાવ્યું કે અગાઉના બે કેસમાં આ જ તપાસકર્તા અમલદારે આરોપીના પ્રોડક્શન સમયે ગ્રાઉન્ડ ઑફ અરેસ્ટની તેની સહી સાથેની યાદી રજૂ કરેલી. એટલે કે સુપ્રીમ કૉર્ટના ચુકાદાથી પીએસઆઈ વાકેફ છે તે ફલિત થાય છે. છતાં સમાજવિરોધી ગંભીર ગુનાના આ કેસોમાં પૂરતી તકેદારી રાખ્યા વગર પ્રોડક્શન પેપર્સ સાથે ગ્રાઉન્ડ ઑફ અરેસ્ટની યાદી નથી જોડી.

જેવી રીતે આરોપીના અધિકાર રહેલા છે તેવી રીતે ફરિયાદીને પણ અધિકાર મળેલાં છે, આવી ગંભીર બેદરકારી બંને પક્ષના હિતોને નુકસાન પહોંચાડે છે.

કૉર્ટે CrPC કલમ ૫૦ અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ ૪૭ અંતર્ગત આરોપીઓના બંધારણીય અધિકારોનો ભંગ થયો હોવાનું ઠેરવી બેઉને શરતી જામીન પર મુક્ત કરી દેવા હુકમ કર્યા છે.

તપાસકર્તા અધિકારી ગઢવીની બેદરકારી અંગે એસપીને જાણ કરી યોગ્ય પગલાં લેવા હુકમની નકલ મોકલી આપવા જણાવ્યું છે.
Share it on
   

Recent News  
ગાંધીધામમાં ૫૨ વર્ષની મહિલા પર દુષ્કર્મ આચરનાર ૨૫ વર્ષના યુવકને ૧૦ વર્ષની કેદ
 
મુંદરા પોલીસે બિહારમાં જઈને સ્થાનિક ગ્રામજનોનો વેશ પહેરીને હત્યારાને ઝડપી પાડ્યો
 
કચ્છ કાંઠે મળેલા કરોડોના બિન વારસી ડ્રગ્ઝના ૮ કેસની તપાસ NCBએ બંધ કરી દીધી!