કચ્છખબરડૉટકોમ, ભુજઃ સગીર વયની બાળાને લગ્નના નામે ભોળવી, કાયદેસરના વાલીપણામાંથી અપનયન કરી પોતાની જોડે લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવવાના ગુનામાં ભુજની કૉર્ટે ૨૬ વર્ષના યુવકને ૨૦ વર્ષના સખ્ત કારાવાસની સજા ફટકારી છે. પોતે પરિણીત અને એક બાળકનો પિતા હોવા છતાં અપરાધી યુવક પોતાની ઉંમરથી ૧૧ વર્ષ નાની સગીરાને ભગાડી ગયો હતો. ભુજના સણોસરા નજીક ખેતમજૂર પરિવારની ૧૪.૫ વર્ષની દીકરીને નજીકની વાડીમાં કામ કરતા દિનેશ નરવત તીતાભાઈ ગોયરા (ઉ.વ. ૨૬)એ પ્રેમજાળમાં ફસાવી હતી. મૂળ મોરવા હડફ, પંચમહાલનો દિનેશ નજીકની વાડીમાં કામ કરતો હતો અને બે વર્ષથી અવારનવાર બાળા સાથે શારીરિક સંબંધો બાંધતો હતો.
૦૮-૧૦-૨૦૨૨ની રાત્રે પરિવારના લોકો સૂતાં હતા ત્યારે દિનેશ લગ્નના નામે સગીરાને પોતાની સાથે લઈને વડોદરા નાસી આવ્યો હતો. અહીં એક ઓરડીમાં સગીરા સાથે પતિની જેમ રહેવા માંડ્યો હતો.
બનાવના બે દિવસ બાદ દીકરીનો પત્તો ના મળતાં તેના સ્વજને પધ્ધર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવના સવા મહિના પછી પોલીસે બંનેને પકડ્યાં હતા. સગીરાની તબીબી તપાસમાં સ્પષ્ટ થયું હતું કે તે ગર્ભવતી હતી. કૉર્ટના હુકમ બાદ તેનો ગર્ભપાત કરવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે દિનેશે અગાઉ બે વખત લગ્ન કરેલાં. પહેલાં લગ્નથી એક પુત્રનો પિતા બન્યો હતો. પ્રથમ પત્નીએ છૂટાછેડાં લીધા બાદ તેણે બીજી યુવતી સાથે લગ્ન કરેલાં. જે તેના વતનમાં રહેતી હતી.
આ ગુનામાં આજે વિશેષ પોક્સો કૉર્ટના જજ જે.એ. ઠક્કરે દિનેશને દોષી ઠેરવીને પોક્સો એક્ટની કલમ ૫ (એલ) (જે) (૨) અને કલમ ૬ હેઠળ ૨૦ વર્ષની સખ્ત કેદ સાથે ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એ જ રીતે, ઈપીકો કલમ ૩૬૩ હેઠળ ૩ વર્ષની કેદ અને ૩ હજાર રૂપિયા દંડ તથા ઈપીકો કલમ ૩૬૬ હેઠળ ૫ વર્ષની કેદ અને ૫ હજાર દંડ ફટકાર્યો છે. ગુનામાં પોલીસે લગાડેલી ઈપીકો કલમ ૩૭૬ (૨) (એન), ૩૭૬ (૩) અને પોક્સો એક્ટની કલમ ૭ હેઠળની સજા અગાઉની કલમોમાં નિર્દિષ્ટ કરાયેલી સજામાં આવી જતી હોઈ કૉર્ટે વિશેષ સજા ફટકારી નથી.
કૉર્ટે ગુનાનો ભોગ બનનાર બાળાને ૭ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા ડિસ્ટ્રીક્ટ લિગલ સર્વિસ ઑથોરીટીને ભલામણ કરી, તેના ભાવિ જીવન અને શિક્ષણને પુન-સ્થાપિત કરવા ચાઈલ્ડ વેલફેર કમિટી અને ડિસ્ટ્રીક્ટ ચિલ્ડ્રન પ્રોટેક્શન યુનિટને નિર્દેશ આપ્યો છે.
આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ ઉપસ્થિત રહીને દલીલો કરી હતી.
Share it on
|