click here to go to advertiser's link
Visitors :  
21-May-2026, Thursday
Home -> Bhuj -> Bhuj Court denies bail to Mokhana Land Scam Key Accused
Wednesday, 20-May-2026 - Bhuj 1252 views
મોખાણાના ચકચારી જમીન કૌભાંડમાં સવા વર્ષે પકડાયેલાં આરોપીને જામીનનો ઈન્કાર
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના મોખાણા ગામે ‘સોનાની લગડી’ જેવાં ત્રણ ખેતર ગણોતિયાઓની જાણ બહાર રાતોરાત પાણીના મૂલે બારોબાર વેચાઈ જવાના ચકચારી કૌભાંડમાં સવા વર્ષે પકડાયેલા એક આરોપીની નિયમિત જામીન અરજી કૉર્ટે ફગાવી દીધી છે. મોખાણા ગામના સર્વે નંબર ૧૩૨નું ૭ એકર ખેતર, સર્વે નંબર ૨૭૭નું ૧૧ એકર ખેતર અને સર્વે નંબર ૫૯૪/૧નું ૬ એકર ખેતર વર્ષોથી ગણોતિયાઓના કબજા ભોગવટામાં છે.

૧૨-૦૬-૨૦૨૩ના રોજ આ ત્રણે ખેતરના ભુજ સબ રજિસ્ટ્રાર કચેરીમાં ગણોતિયાઓની જાણ બહાર બારોબાર વેચાણ દસ્તાવેજ બની ગયેલાં. ગણોતિયાઓએ તંત્રને રજૂઆત કરેલી કે જમીન માલિક તરીકે ચોપડે જેનું નામ બોલે છે તે ધરમશી કલ્યાણ શાહને વર્ષોથી કોઈએ જોયાં નથી, ના તે કદી આ ખેતરોમાં આવેલાં છે. મોખાણા ગામમાં પણ ધરમશી શાહ નામનો કોઈ વ્યક્તિ વસવાટ કરતો નથી.

એકાએક ધરમશી કલ્યાણ શાહ નામનો મુંબઈ રહેતો જમીન માલિક ૧૨-૦૬-૨૦૨૩ના રોજ મુંબઈથી ભુજમાં પ્રગટ થયેલો!

ધરમશીએ સર્વે નંબર ૧૩૨નું ૭ એકર ખેતર કે જેની માર્કેટ વેલ્યૂ ૧૦.૨૬ લાખ છે તે ૫.૨૦ લાખ રૂપિયામાં રાપરના મોટી હમીરપરના હરદેવસિંહ ભગુભા વાઘેલાને વેચ્યું હતું. એ જ રીતે, સર્વે નંબર ૨૭૭નું ૧૧ એકર ખેતર કે જેની માર્કેટ વેલ્યૂ ૨૨.૭૭ લાખ છે તે ખેતરનો ૧૧.૪૦ લાખ રૂપિયામાં માલા હિરાલાલ સોની (રહે. ચંદિયા, ભુજ)ના નામે વેચાણ દસ્તાવેજ લખી આપેલો. એ જ રીતે, સર્વે નંબર ૫૯૪/૧નું ૬ એકર ખેતર કે જેની માર્કેટ વેલ્યૂ ૧૦.૯૧ લાખ રૂપિયા થાય છે તેનો ૫.૫૦ લાખમાં પ્રેમજી દામજી ચાડ (રહે. સુમરાસર શેખ) અને છગનલાલ પ્રેમજી સોની (સાંયરા, નખત્રાણા)ને સંયુક્ત વેચાણ દસ્તાવેજ લખી આપેલો.

ત્રણે ખેતરના વેચાણ દસ્તાવેજમાં કંકુબેન વાલજી શાહ (રહે. શિવાજીનગર, મલાડ વેસ્ટ, મુંબઈ) અને કરસન વાઘા દોઢિયા (કાંદિવલી વેસ્ટ, મુંબઈ)એ સાક્ષી તરીકે સહી કરી હતી.

આ કૌભાંડમાં ૯ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ પધ્ધર પોલીસ મથકે ધરમશી શાહ, કંકુબેન વાલજી શાહ અને કરસન વાઘા દોઢિયા સામે બોગસ આધારો અને દસ્તાવેજો મારફતે જમીન હડપ કરવાના પ્રયાસનો ગુનો દાખલ કરેલો. તપાસ દરમિયાન પોલીસે મહેશ વાલજી વાડા, હરદેવસિંહની ધરપકડ કરેલી. આ ગુનામાં ધ્રંગના વિપુલ ભગુભાઈ કોવાડીયા (આહીર), હરદેવસિંહ ભગુભા વાઘેલા, વિજય ઊર્ફે વીજેશ કરસન ઢીલા, અજય રસિકલાલ ઠક્કર વગેરેની સંડોવણી બહાર આવેલી.

સવા વર્ષે પકડાયેલા વિપુલ કોવાડીયાની અરજી રદ્દ

થોડાંક સમય અગાઉ પોલીસે વિપુલ કોવાડીયાની ધરપકડ કરેલી. સરકારી વકીલ ડી.જે. ઠક્કરે કૉર્ટમાં દલીલ કરેલી કે ગુનાના કાવતરાંની શરૂઆતથી જ વિપુલ અને હરજીભાઈ માવજીભાઈ નામના બે જણ સામેલ છે. તેમણે જ સમગ્ર કાવતરું રચેલું. નકલી વેચાણ દસ્તાવેજ બનાવ્યા બાદ વિપુલે જ રોકડમાં નાણાં મેળવ્યાં હતા.

મૂળ વેચાણ દસ્તાવેજ રીકવર કરવાનો હજુ બાકી છે. આરોપી અત્યારસુધી નાસતો ફરતો રહ્યો હતો અને જામીન પર છોડાય તો કેસના સાક્ષીઓ પુરાવાઓ સાથે ચેડાં કરી શકે તેમ છે.

ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ દિલીપ મહિડાએ ગુનાને વ્હાઈટ કોલર ક્રાઈમ ગણાવી, તેની ગંભીરતા, આરોપીની સંડોવણીને ધ્યાને રાખીને અરજી ફગાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે વિપુલ વિરુધ્ધ અગાઉ માધાપરમાં પણ એક ગુનો નોંધાયેલો છે. અજય રસિકલાલ ઠક્કર કચ્છમાં અબડાસા, રાપર, અંજાર, ભુજ સહિત વિવિધ પોલીસ મથકોમાં દાખલ થયેલાં આ પ્રકારના અનેક જમીન કૌભાંડના ગુનાઓનો આરોપી છે.

અજય ઠક્કર કચ્છમાં આ જ ગોરખધંધો આચરતો રહ્યો છે અને વિવિધ પોલીસ મથકોમાં તેની સામે ગંભીર ગુનાઓ નોંધાયેલાં છે. 

મહેશ વાડા અને હરદેવસિંહની નિયમિત જામીન અરજીઓ અગાઉ કૉર્ટ ફગાવી ચૂકેલી છે. તો, નાસતાં ફરતાં રહેલા હરદેવસિંહ ભગુભા વાઘેલા અને વિજય ઊર્ફે વીજેશે હાઈકૉર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી પરત ખેંચવી પડી હતી.

Share it on
   

Recent News  
મોત આ રીતે ત્રાટકતું હશે? ભુજમાં બંધ ઘરમાંથી માતા અને વિકલાંગ પુત્રની લાશ મળી
 
વડોદરાના ગઠિયાએ રોકાણના નામે આદિપુરના સ્કુલ ક્લાર્કને ૧૦.૨૦ લાખનો ચૂનો ચોપડ્યો
 
ભુજ, અંજાર, મુંદરા, માંડવી અને નખત્રાણા નગરપાલિકાના સૂકાનીઓની કરાઈ વરણી