|
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉ કૉર્ટે સતત ત્રીજા દિવસે મર્ડરના ત્રીજા કેસમાં આરોપીને સખ્ત સજા ફટકારી છે. રાપરના મોમાયમોરામાં નિદ્રાધીન યુવકની છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી સ્થળ પર હત્યા કરનાર પિતરાઈ ભાઈને કૉર્ટે સખ્ત આજીવન કારાવાસની સજા ફટકારી છે. ૧૦-૦૨-૨૦૨૧ના રોજ પરોઢે ૪ વાગ્યે બનાવ બન્યો હતો. મરણ જનાર ૩૦ વર્ષિય દેવાભાઈ દયારામભાઈ મારાજ (બ્રાહ્મણ) મોમાયમોરાની સીમમાં મોહન ધરમશી સુંબડની વાડી નજીક આવેલી ઝૂંપડીમાં પત્ની રેખા અને ચાર સંતાનો સાથે સૂતો હતો. અંધારાનો લાભ લઈને હાથમાં છરી સાથે અચાનક ધસી આવેલો ૩૦ વર્ષિય મહેશ શિવરામ વેણવા (મારાજ) નિદ્રાધીન દેવાની છાતી પર ચડી બેઠેલો. દેવાના પેટ, છાતી, મોં, હાથ, પીઠ વગેરે અંગો પર છરી વડે આડેધડ ૩૭ જેટલાં ઘા ઝીંકી સ્થળ પર જ તેની હત્યા કરી નાખી હતી.
રેખા પતિને બચાવવા માટે વચ્ચે પડી તો તેને પણ હાથની આંગળીમાં છરીથી ઈજા થઈ હતી.
રેખાએ ઝૂંપડી બહાર આવી રાડારાડ કરતાં અડધો કિલોમીટર દૂર જીરુંના પાકનું રખોપું કરતો જેઠ શૈલેષ ત્યાં દોડી આવ્યો હતો. શૈલેષને જોઈ મહેશ નાસી છૂટ્યો હતો.
સૂવા બાબતે એક વર્ષ અગાઉ થયેલી બબાલનો ખાર રાખેલો
બનાવ અંગે શૈલેષે મહેશ વિરુધ્ધ ફરિયાદ નોંધાવેલી. મૃતક દેવો, મોટો ભાઈ શૈલેષ અને આરોપી પિતરાઈ મહેશ સૌ વરણું ગામના રહેવાસી છે. દેવો અને શૈલેષ મોમાયમોરામાં ભાગવે ખેતી કરતાં હતા. એક વર્ષ અગાઉ મહેશ પણ બેઉ ભાઈઓ સાથે અહીં ખેતી કામ કરતો હતો. તે સમયે સૂવાની બાબતને લઈ મહેશ અને દેવા વચ્ચે ઝઘડો થયેલો. તેની અદાવત રાખીને મહેશે દેવાને નિદ્રાધીન હાલતમાં તેની પત્ની અને ચાર સંતાનોની નજર સમક્ષ ક્રૂરતાથી રહેંસી નાખ્યો હતો.
જનમટીપ મેળવનાર મહેશ હત્યા પછી જેલમાં જ કેદ
આ ગુનામાં ૨૬ સાક્ષીઓ અને ૨૩ દસ્તાવેજી આધાર પુરાવા અને બંને પક્ષના વકીલોની દલીલો સાંભળીને ભચાઉના ત્રીજા અધિક સેશન્સ જજ અંદલિપ તિવારીએ મહેશને હત્યા કરવા બદલ ઈપીકો કલમ ૩૦૨ હેઠળ દોષી ઠેરવી સખ્ત આજીવન કારાવાસ અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
આ ગુનામાં મહેશની ધરપકડ થઈ ત્યારથી તે જેલમાં જ કેદ છે.
આ કેસમાં સરકાર તરફે એડવોકેટ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજા અને એમ. આર. જાડેજાએ દલીલો કરી હતી. આડેસરના તત્કાલિન પીએસઆઈ વાય.કે. ગોહિલે તપાસ કરી હતી. ઉલ્લેખનીય છે કે ગુરુવારે ભચાઉ કૉર્ટે મોબાઈલ ફોન લૂંટવા માટે ભચાઉમાં યુવકની હત્યા કરનાર શબ્બિર ભટ્ટીને સખ્ત આજીવન કારાવાસ ફટકાર્યો હતો. શુક્રવારે રાપરના ધબડામાં આધેડની હત્યા મામલે પિતા અને તેના બે પુત્રોને સજા ફટકારી હતી.
Share it on
|