કચ્છખબરડૉટકોમ, ભુજઃ મુંબઈ રહેતી મૂળ માંડવીના ગોધરાની યુવતીને પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધ બાંધીને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરી તેના અનુચિત ફોટો વાયરલ કરનાર આરોપી જીયાદ શેખના કૉર્ટે મંગળવાર બપોરે ૧ વાગ્યા સુધીના રીમાન્ડ મંજૂર કર્યાં છે. પોલીસે આરોપીને કૉર્ટ સમક્ષ રજૂ કરીને પાંચ દિવસના રીમાન્ડ માંગેલાં. કૉર્ટમાં રજૂઆત કરાઈ હતી કે ૨૨ વર્ષિય જીયાદ ઊર્ફે સમીર લતીફ શેખે શરૂઆતથી આયોજનબધ્ધ રીતે ગુનાહિત માનસ રાખીને હિંદુ નામ ધારણ કરીને યુવતીને ફસાવી હતી. યુવતીએ તેની સાથેના સંબંધ પૂરાં કરી નાખ્યા બાદ પણ તે તેની પાછળ પડી ગયેલો.
યુવતીને મોબાઈલ ફોન આપવા માટે તે બે વખત કચ્છ પણ આવ્યો હતો. આરોપી અને તેનો પરિવાર ખેતી સાથે સંકળાયેલો એક ગરીબ પરિવાર છે. ત્યારે, આ ગુનો આચરવામાં શું કોઈ વ્યક્તિ કે સંસ્થાએ જીયાદને આર્થિક મદદ પૂરી પાડેલી કે કેમ તે જાણવું જરૂરી છે.
એ જ રીતે, કચ્છમાં આવ્યો ત્યારે યુવતી જ્યાં રહે છે તે સરનામું તેને કોણે આપેલું? કચ્છમાં ક્યાં રોકાયેલો અને કોને કોને મળેલો? તે જાણવું જરૂરી છે. એટલું જ નહીં, યુવતીની સગાઈ અંગે તેને કેવી રીતે ખબર પડી અને યુવતીના મંગેતરનો નંબર તેણે કેવી રીતે મેળવ્યો હતો તે અંગે પણ ગહન પૂછપરછ કરી કડીઓ પૂરાવા મેળવવા આવશ્યક છે. ખાસ સરકારી વકીલ એચ.બી. જાડેજાએ કરેલી દલીલોને ગ્રાહ્ય રાખીને કૉર્ટે તેના રીમાન્ડ મંજૂર કર્યાં છે.
Share it on
|