કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભારતમાં ગેરકાયદે ઘૂસી આવેલા મ્યાનમાર (બર્મા)ના મુસ્લિમ ‘રોંહિગ્યા ઘૂસપૈઠિયા’ ગણાવીને ૨૦૨૦માં પશ્ચિમ કચ્છ SOGએ જે ગરીબ મુસ્લિમ પરિવારને પકડી જેલમાં ઘાલી દીધો હતો તે પરિવારને ભુજ સેશન્સ કૉર્ટે નિર્દોષ ઠરાવી છોડી મૂક્યો છે. ખુદ SOG પોલીસ અધિકારી- કર્મચારીઓએ કૉર્ટમાં કબૂલ્યું કે જેમને પકડેલાં તેમની પાસે ભારતમાં વસવાટ કરવા માટેના રેફ્યુજી કાર્ડ હતા. આ કાર્ડના આધારે તેઓ ભારતમાં વસવાટ કરે તો ગેરકાયદે ના ગણાય અને તેઓ ભારતની નાગરિક્તા મેળવવા માટે પણ અરજી કરી શકે છે! રોહિંગ્યા ઘૂસપૈઠિયા પકડાયા મુદ્દે ભારે ચકચાર મચેલી
૧૪ માર્ચ ૨૦૨૦ના રોજ SOGએ મુંદરાની મહેશ કોલોનીમાં ભાડાની ઓરડીમાં રહેતા ટ્રક ડ્રાઈવર અનવર હુસેન સુન્ની, તેની પત્ની રુબિના ઊર્ફે રુબીની ગેરકાયદે ભારતમાં ઘૂસણખોરી કરવાના આરોપસર અટક કરેલી. આ દંપતી એકથી પાંચ વર્ષની વયના ત્રણ નાનાં બાળકો સાથે રહેતું હતું. બે દિવસ બાદ SOGએ અનવરના ભાઈ મોહમ્મદ આરીફ ખાનની પણ મુંદરામાંથી અટક કરેલી.
અનવર અને આરીફે દિલ્હી, યુપી, રાજસ્થાન વગેરે જગ્યાએથી ભારતીય નાગરિક હોવાના આધાર પુરાવા માટે ખોટાં આધાર કાર્ડ, ચૂંટણી ઓળખ પત્ર, ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, રાશનકાર્ડ બનાવડાવી લીધાં હોવાનો આરોપ કરી SOGએ ત્રણેને સૌપ્રથમ ભુજના જોઈન્ટ ઈન્ટરોગેશન મોકલી આપેલાં.
ચાર માસ બાદ ૧૩ જૂલાઈ ૨૦૨૦ના રોજ ત્રણે સામે ફોરેનર્સ એક્ટ, ઈન્ડિયન પાસપોર્ટ રૂલ્સ તથા ખોટી રીતે ભારતીય ઓળખના બોગસ આધાર દસ્તાવેજો બનાવવા સબબ ઈપીકો કલમ ૪૬૫, ૪૬૭, ૪૭૧ અને ૧૧૪ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા.
IG ઈન્ટેલિજન્સના ગુપ્ત પત્ર, ATSનો હવાલો અપાયેલો
પોલીસની તપાસ તહોમતનામા (ચાર્જશીટ) પરથી સ્પષ્ટ થયું હતું કે ગુજરાતના IG ઈન્ટેલિજન્સએ ગુજરાત ATSને એક ગુપ્ત પત્ર લખી, તે વિશે તપાસ કરી રિપોર્ટ સુપ્રત કરવા જણાવેલું. જેના આધારે ATSના બે પીએસઆઈએ કચ્છમાં SOG કચેરીએ રૂબરૂ આવી જાણ કરેલી.
SOGએ બાતમીદારો મારફતે કરેલી પ્રાથમિક તપાસમાં મુંદરામાં રહેતો આ પરિવાર ભારતમાં ગેરકાયદે વસવાટ કરતો હોવાનું જણાતાં તેમની અટક કરાઈને ફરિયાદ નોંધાવાઈ હતી.
કૉર્ટમાં સુનાવણી દરમિયાન સ્પષ્ટ થયું હતું કે IG ઈન્ટેલિજન્સએ જે ગુપ્ત પત્ર પાઠવેલો તેમાં કચ્છમાં એક્ટિવ એક અજાણી મહિલાના મોબાઈલ નંબર પરથી જમ્મુમાં વાતચીત થતી હોવાનું અને તેમાં કોમ્પ્યુટર, ડેટા સંબંધી વાતચીત થતી હોવાનું જણાવાયેલું અને તેની તપાસ કરી ATSને રિપોર્ટ આપવાનો હતો.
♦ગુપ્ત પત્રમાં પોલીસે જેના પર આરોપ કરી અંદર કરેલા તે કોઈ આરોપીના નામ નહોતા. ફક્ત અજાણી બિનભારતીય મહિલાનો ઉલ્લેખ હતો, કોઈ પુરુષનો ઉલ્લેખ નહોતો
♦તે મહિલા મુંદરા રહે છે કે કેમ તેનો પણ કશો ઉલ્લેખ નહોતો
♦જે મોબાઈલ નંબર અપાયેલો તે મોબાઈલ નંબર કોનો હતો તે વિશે પણ કશી તપાસ કરાઈ નહોતી
♦પોલીસે ઝડપેલાં આરોપીઓએ આ મોબાઈલ નંબર પર કદી વાતચીત કરી હોવાનું પણ સાબિત થયું નહોતું
♦ATSની ટીમ ૧૩ માર્ચે ભુજ એસઓજી કચેરીએ આવી હોવાનું જણાવાયેલું પરંતુ તે અંગે કોઈ આધાર પુરાવા રજૂ કરાયા નહોતા
♦IG ઈન્ટેલિજન્સના પત્ર વિશે પણ કોઈ જાણવાજોગ એન્ટ્રી કરાઈ નહોતી.
ખુદ પોલીસે કૉર્ટમાં કબૂલ્યું કે ગેરકાયદે વસવાટ ના ગણાય!
પોલીસે આરોપીઓને પકડ્યાં ત્યારે તેમની પાસેથી શરણાર્થી (રેફ્યુજી) કાર્ડ પણ મળી આવ્યા હતા.
બચાવ પક્ષના વકીલ એમ.એ. સૈયદે જ્યારે SOGના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ઉલટ તપાસ કરી પ્રશ્નો પૂછ્યાં ત્યારે તેમણે કૉર્ટ રૂબરૂ કબૂલ્યું હતું કે આ રેફ્યુજી કાર્ડ કયા કાયદા તળે અને કઈ ઑથોરીટી ઈસ્યૂ કરે છે તેની તેમને ખબર નથી!
પોલીસે એ બાબત કબૂલેલી કે રેફ્યુજી કાર્ડ હોય તે ભારતમાં વસવાટ કરે તો ગેરકાયદે ગણાય નહીં. શરણાર્થી ભારતીય નાગરિક્તા મેળવવા માટે પણ અરજી કરી શકે છે. રેફ્યુજી કાર્ડ દિલ્હીસ્થિત આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીએ ઈસ્યૂ કર્યાં હતા.
♦પોલીસે આ રેફ્યુજી કાર્ડ સાચાં છે કે ખોટાં, કાર્ડ મેળવનારાઓની નામાવલિ મેળવવાની દિશામાં કોઈ તપાસ જ કરી નહોતી.
♦આરોપીઓ પાસેથી મળેલા આધાર કાર્ડ, રાશનકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ સાચાં છે કે ખોટાં તેની ખરાઈ પણ પોલીસે કરી નહોતી
♦આરોપીઓની અટક માર્ચ મહિનામાં કરેલી પરંતુ વિધિવત્ ફરિયાદ ચાર માસ બાદ દાખલ કરેલી. CrPC ૧૫૪ મુજબ ફરિયાદ દાખલ કરવામાં ચાર માસનો વિલંબ શા માટે થયો તે અંગે પોલીસે કશો ખુલાસો કર્યો નહોતો
♦પોલીસે રજૂ કરેલા પંચનામાના સાક્ષીઓ સહિતના મોટાભાગના સાક્ષીઓ જુબાની સમયે પોતે કંઈ જાણતાં નથી, પોલીસે ફક્ત કાગળોમાં સહી કરાવેલી તેમ કહી જુબાનીમાંથી ફરી ગયેલાં
ખુદ પોલીસ કર્મચારી અધિકારીઓ તેમની જુબાનીમાં સ્વીકારે છે કે આરોપીઓ પાસે રેફ્યુજી કાર્ડ હોઈ તેઓ ભારતમાં ગેરકાયદે વસવાટ કરતાં હોવાનું માની શકાય નહીં તેની વિશેષ નોંધ લઈને ભુજના સાતમા અધિક સેશન્સ જજ એન.પી. રાડીઆએ ત્રણે આરોપીને નિર્દોષ છોડી મૂક્યાં છે.
ઉલ્લેખનીય છે કે પોલીસે પકડેલું દંપતી છેલ્લાં સાત વર્ષથી ભારતમાં વસવાટ કરતું હતું. પોલીસે આ યુગલને પકડીને જેલહવાલે કર્યું ત્યારે ત્રણ નાનાં સંતાનો પણ હતા. તેમની પાસેથી સોનાના ઘરેણાં અને ૪૩ હજાર રોકડાં રૂપિયા કબજે કર્યાં હતા.
Share it on
|