કચ્છખબરડૉટકોમ, ભુજઃ ૧૮ વર્ષથી ઓછી વય ધરાવતાં વ્યક્તિ કે જેને કિશોર અથવા માઈનોરની શ્રેણીમાં ગણવામાં આવે છે તે ભેદી સંજોગોમાં લાપત્તા થઈ જાય તો પોલીસે એફઆઈઆર રજિસ્ટર કરીને તુરંત સક્રિય થવું પડે તેવું કાયદો કહે છે. તેમાંય આ બાળકનો કબજો જો કોઈ ચિલ્ડ્રન હોમ કે રીમાન્ડ હોમ જેવી સરકારી સંસ્થા પાસે હોય તો સરકારી તંત્રોની જવાબદારી વધી જાય છે. સુપ્રીમની ગાઈડલાઈન અને કાયદા મુજબ આવો કોઈ બનાવ બને તો સરકારી તંત્રએ ૨૪ કલાકમાં તે અંગે કાયદેસર કાર્યવાહી કરવી પડે. આપને જાણીને આઘાત લાગશે કે ભુજના સરકારી ચિલ્ડ્રન હોમમાંથી એક ૧૨થી ૧૪ વર્ષના ગૂમ થયેલાં એક બાળકનું અપહરણ થયું હોવાની ફરિયાદ ચિલ્ડ્રન હોમના જ અધીક્ષકે ૧ મહિનો અને ૧૧ દિવસે નોંધાવી છે!
જૂવેનાઈલ જસ્ટીસ કમિટિ અને જૂવેનાઈલ એક્ટની જોગવાઈઓનો જાણે કે સરેઆમ ભંગ થયો હોય તેમ આખો કિસ્સો જાણીને તમે પણ ચોંકી ઉઠશો.
ભુજના ચિલ્ડ્રન હોમ ફોર બોય્ઝના ઈન્ચાર્જ અધીક્ષક રશ્મિકાન્ત જયચંદ પટેલે આજે ભુજ બી ડિવિઝને સંસ્થામાંથી એક ૧૨થી ૧૪ વર્ષનો બાળક ૧૪-૦૯-૨૦૨૪ના રોજ બપોરે ૧૨થી ૨ના અરસામાં લાપત્તા થઈ ગયો હોવાની જાણ કરતાં પોલીસે સુપ્રીમ કૉર્ટની ગાઈડલાઈન મુજબ અજાણ્યા માણસો વિરુધ્ધ અપહરણની કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોની કાળજી અને જતન રાખવાની જેની પાયાની ફરજ છે તે સંસ્થાએ છેક ૧ મહિનો અને ૧૧ દિવસે શા માટે ફરિયાદ નોંધાવી તે મુદ્દે કચ્છખબરે ફરિયાદ નોંધાવનાર ઈન્ચાર્જ અધીક્ષક રશ્મિકાન્ત પટેલ જોડે ફોન પર વાતચીત કરી પરંતુ વિલંબ અંગે કશી સંતોષકારક માહિતી ના મળી. તેમણે જણાવ્યું કે આ બાળકને છઠ્ઠી સપ્ટેમ્બરે ભુજોડી નજીક શિવશક્તિ હોટેલ પાસેથી બાળ સુરક્ષા એકમના અધિકારી ચિલ્ડ્રન હોમમાં લઈ આવ્યાં હતાં.
આ છોકરો કેવા સંજોગોમાં મળેલો તે અંગે કશી સ્પષ્ટતા નથી. તે બાળ મજૂરી કરતો હતો કે કેમ તે અંગે પધ્ધર પોલીસ સ્ટેશનમાં તપાસ કરતાં ત્યાં કોઈ વિગત નોંધાયેલી નથી.
ભુજ બી ડિવિઝનના પીઆઈ વી.બી. પટેલે જણાવ્યું કે આ બાળકને ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવ્યો પરંતુ તેને ત્યાં ફાવતું ન હોઈ અગાઉ એક બે વાર ત્યાંથી સ્વેચ્છાએ જતો રહેલો. જે અંગે અમે તાત્કાલિક કાર્યવાહી કરી તેને શોધીને પરત ચિલ્ડ્રન હોમમાં મોકલી આપેલો. ફરિયાદ દાખલ કરવામાં થયેલા વિલંબ અંગે પટેલે ચિલ્ડ્રન હોમ પર જવાબદારી ઢોળી દીધી. આ બાળક વડોદરાના વાઘોડિયા બાજુનો છે અને તેને ટ્રેસ કરી લેવામાં સફળતા મળી જશે તેવો આશાવાદ તેમણે દર્શાવ્યો.
જૂવેનાઈલ જસ્ટીસ એક્ટ મુજબ આ કેસમાં દાખવાયેલી ભયંકર બેદરકારી જોતાં આજના નવા સવા અધિકારીઓને તેમની જવાબદારી અને કાયદાની જોગવાઈઓની ગંભીરતા અંગે સમજણ આપવાની જરૂર હોય તેમ જણાઈ રહ્યું છે.
Share it on
|