|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ શેર માર્કેટમાં રોકાણના નામે સાયબર માફિયાઓની જાળમાં ભુજના બે વેપારી બંધુએ ૯૧ લાખ રૂપિયા જેવી માતબર રકમ ગુમાવી છે. બનાવ અંગે બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભુજના ભાનુશાલીનગરમાં આવેલા કેશર વ્યૂ એપાર્ટમેન્ટમાં રહેતા અને પશુઓના ખોળ ભૂસાનો વેપાર કરતા કેવલ પ્રફુલ્લભાઈ શાહ અને તેમના નાના ભાઈ ધૃમિલ સાથે છેતરપિંડી થઈ છે. કેવલ શાહે જણાવ્યું કે ૨૬ ઓક્ટોબરના રોજ તે તેમના નાના ભાઈ ધૃમિલના ઘેર હાજર હતા. તે સમયે ધૃમિલને અજાણ્યા નંબર પરથી એક વોટસએપ ગૃપમાં એડ થવા ઈન્વિટેશન મળેલું. આ ગૃપમાં સ્ટોક માર્કેટમાં રોકાણ માટે ટીપ્સ અપાતી હતી. ત્યારબાદ ફરિયાદી કેવલભાઈની સંમતિ સાથે તેમના નામ અને બેન્ક ખાતાંની વિગતો ભરીને નાના ભાઈ ધૃમિલે MAVERICK CAPITAL LTD નામની કહેવાતી ફર્મ સાથે ઈન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કરેલું.
પેઢીનો સક્સેસ રેટ સારો હોવાનો ઠગો દાવો કરતા હતા. તેમણે એક એપ ડાઉનલોડ કરાવેલી જે ડિજિટલ વૉલેટ હતી.
જે નાણાંનું રોકાણ કરવામાં આવે તે રોકાણ અને તેના પર મળતાં રિટર્ન વગેરેનો તેમાં ઓનલાઈન હિસાબ દેખાતો હતો.
બેઉ ભાઈઓએ ૨૬-૧૧-૨૦૨૫ ૧૮-૧૨-૨૦૨૫ના ૨૨ દિવસના ગાળા દરમિયાન ટુકડે ટુકડે ૯૧ લાખ રૂપિયા આરોપીઓના બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કરીને શેર માર્કેટમાં લગાવ્યાં હતા.
દરમિયાન, તેમણે નાણાં ઉપાડવા પ્રયાસ કરતાં વીસ ટકા ટેક્સ ભરવો પડશે અને તમને લાગેલ આઈપીઓની રકમ હજુ પેન્ડિંગ છે તેવા બહાના કરેલાં. જેના આધારે પોતાની સાથે ફ્રોડ થયો હોવાની શંકા પડતાં તેમણે નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર ફરિયાદ કરી હતી. સાયબર પોલીસે અજાણ્યા સાયબર ઠગો સામે ગુનો દાખલ કર્યો છે. ગુનાની તપાસ પીઆઈ એલ.પી. બોડાણાએ હાથ ધરી છે.
Share it on
|