કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી મતદાર યાદી સઘન સુધારણા (SIR) અંતર્ગત તમામ તાલુકાઓમાં હજારો મુસ્લિમ મતદારોના નામ કમી કરવાનો ખેલ શરૂ થતાં કોંગ્રેસ અને જાગૃત મતદારો ભડક્યાં છે. એકલાં ભુજ તાલુકામાંથી જ અંદાજે ૧૩ હજાર જેટલાં મતદારોના નામ કમી કરાવવા કારસો રચાયો હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. તો, વરિષ્ઠ કોંગ્રેસી નેતા આદમ ચાકીએ બન્ની પચ્છમના ૫૧ બુથમાંથી ૮ હજાર ૩૧૧ મતદારોના નામ કમી કરાયાં હોવાનો ગંભીર આરોપ કર્યો છે.
ગંભીર આરોપો છતાં કલેક્ટર ભાજપનું ગુનાહિત મૌન
કચ્છ જિલ્લા ભાજપ કાર્યાલયમાંથી અંતિમ દિવસે મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટે હજારોની સંખ્યામાં ફોર્મ નંબર સાત તમામ તાલુકા મથકોએ રજૂ કરાયાં હોવાના ગંભીર આરોપ અંગે કચ્છ જિલ્લા ભાજપ અને ચૂંટણી અધિકારી એવા કચ્છ કલેક્ટરે કોઈ જ જાહેર ખુલાસો કર્યો નથી. સંબંધિત લોકોના ગુનાહિત મૌનના લીધે સમગ્ર કામગીરીની તટસ્થતા અને પવિત્રતા પર ગંભીર સંકટ સર્જાયું છે.
વોટ ચોરીના સુવ્યવસ્થિત કૌભાંડની આશંકાના પગલે પહેલાંથી જ સતર્ક કચ્છ કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો સમગ્ર કામગીરી પર બાજનજર રાખી રહ્યાં છે.
ફોર્મ નંબર સાતનો પ્રપંચ બહાર આવતાં જ તમામ તાલુકા મથકો પર સંબંધિત અધિકારી સમક્ષ લેખીત અને મૌખિક રીતે ઉગ્ર વિરોધ દર્શાવી રહ્યાં છે.
બન્ની પચ્છમના લોકો માટે ચૂંટણી કાર્ડ એ જીવન કાર્ડ છે
ભુજ વિધાનસભા મત વિસ્તારમાં આવતા બન્ની પચ્છમમાં ૮૩૧૧ મતદારોના નામ કમી કરાયાં હોવાનો આરોપ કરી આદમ ચાકીએ જણાવ્યું કે અહીંના દરેક લોકો પાસે દસ્તાવેજી પુરાવા છે. તેમના માટે ચૂંટણી ઓળખ કાર્ડ એ તેમના જીવનનું કાર્ડ છે. આ કાવતરાંને કોઈ સંજોગોમાં નહીં ચલાવી લેવાય અને વહીવટી તંત્ર તાકીદે તેમાં સુધારો કરે.
ફોર્મ રજૂ કરનારાં લોકોની જ પહેલાં ખરાઈ કરો
કોંગ્રેસના જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલની આગેવાનીમાં આજે ભુજમાં કોંગ્રેસના સિનિયર નેતાઓએ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી કે કેવળ ભુજ તાલુકામાંથી જ ૧૩ હજાર જેટલાં મતદારોના નામ કમી કરાવવાનું કાવતરું અમલમાં મૂકાયું છે. ગામના સરપંચ અને પૂર્વ સરપંચોના નામ કાઢી નાખવા ફોર્મ રજૂ થયાં છે.
વાંધા અરજીના જે ફોર્મ રજૂ થયાં છે તે તમામમાં રજૂ કરનારના નામ અને મોબાઈલ નંબરો ખોટાં છે, સાથે જોડવામાં આવેલા ચૂંટણી કાર્ડ પણ ખોટાં છે.
જે તેર હજાર મતદારોના નામ કાઢી નાખવા કારસો રચાયો છે તેમાં નેવું ટકા મુસ્લિમ મતદારો છે તેવો દાવો પ્રદેશ કોંગ્રેસના આગેવાન રફીક મારાએ કર્યો છે.
ભારતના બંધારણે પ્રત્યેક નાગરિકને આપેલા મત અધિકારને છીનવી લેવા માટે ખોટી રીતે ફોર્મ નંબર ૭ ભરનારાં લોકો સામે તાત્કાલિક FIR દાખલ કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે માગ કરી છે.
કોઈપણ મતદારના નામ સામે વાંધો રજૂ થાય ત્યારે નિયમ મુજબ મતદારને નોટિસ આપી તેને સાંભળવામાં આવે તેમજ યોગ્ય પ્રક્રિયા કર્યા વગર મતદારનું નામ કમી કરી શકાતું નથી. વાંધો લેનાર વ્યક્તિ પણ તે જ વિધાનસભાનો મતદાર હોવો જોઈએ અને પાંચથી વધુ વાંધા ના લઈ શકે તે નિયમ ચૂંટણી પંચની હેન્ડબૂકમાં દર્શાવાયેલો છે.
જાણો, કોંગ્રેસે કરેલી મુદ્દાસર વિગતવાર રજૂઆત
(૧) તારીખ ૧૬, ૧૭ ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં વિધાનસભા દીઠ બુથવાઈઝ ફોર્મ નંબર ૬, ૭ અને ૮ કેટલાં રજૂ થયેલાં છે તેની વિગતો જાહેર કરાય
(૨) તારીખ ૧૬, ૧૭ ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ સુધીના દરેક એ.આર.ઓ. કચેરીના સમય સવારે ૧૧થી સાંજે ૬ કલાક સુધીના સીસીટીવી ફૂટેજ આપવામાં આવે
(૩) ફોર્મ નંબર ૭થી જેમણે વાંધા લીધેલાં છે અને ખોટી માહિતી આપેલી છે તેમની સામે આપની કક્ષાએથી ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવે
(૪) જે વાંધા રજૂ થયેલા છે, તેમાં જેમની સહી છે તે વ્યક્તિ પોતે જ છે કે કેમ તેની ખરાઈ કરવા તેની સહીની FSLમાં તપાસ કરાવાય, ફોર્મમાં જણાવાયેલા મોબાઈલ નંબર તે જ વ્યક્તિના છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવે
(૫) સમગ્ર ગુજરાતમાં એક જ પેટર્નથી ફોર્મ નંબર ૭ ભરવામાં આવેલા છે જે સાબિત કરે છે કે બદઈરાદાથી સામૂહિક રીતે આ ફોર્મ ભરવામાં આવ્યાં છે
(૬) દરેક એઆરઓને સૂચના આપવામાં આવે કે જેમણે ફોર્મ નંબર ૭ રજૂ કરી વાંધા લીધા છે તે શખ્સને બોલાવી વાંધા લેવા અંગેના પુરાવા માંગવામાં આવે અને ત્યારબાદ જ મતદાર પાસેથી પુરાવા માગવામાં આવે
Share it on
|