click here to go to advertiser's link
Visitors :  
25-May-2026, Monday
Home -> Bhuj -> Bhuj based fake doctor booked in one more FIR of 1.1o Crore fraud
Monday, 29-Sep-2025 - Bhuj 79847 views
ભુજનો ગઠિયો નકલી ડૉક્ટર બનીને શિવાલિકા ગૃપના ૧.૧૦ કરોડ હજમ કરી ફરાર
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં એક ગઠિયો ડૉક્ટરનો સ્વાંગ સજી, પોતાને ક્રિટીકલ કેર સ્પેશિયાલિસ્ટ, પેઈન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે ઓળખાવી, ભાડેથી હોસ્પિટલ ખોલી, વિવિધ લોકોને બિઝનેસ પાર્ટનર બનાવીને કરોડો રૂપિયા રકમ મેળવીને ફરાર થઈ ગયો છે. MD, MBBS, FICCM, CTCC જેવી ડિગ્રીઓના લટકણિયાં લગાવનાર ભુજના ‘મિસ્ટર નટવરલાલ’ ડૉક્ટર ઝૈનુલ અમીરઅલી કાજાણી (રહે. ધર્મનાથ એપાર્ટમેન્ટ, લોહાણા મહાજન વાડી પાસે છછ ફળિયું, ભુજ) સામે ૧ કરોડ ૧૦ લાખ ૫૦ હજારના ફ્રોડની બીજી ફોજદારી ફરિયાદ નોંધાઈ છે.

ભુજના મિરજાપરમાં રહેતા શિવાલિકા ગૃપના પ્રોપરાઈટર અંકિત અનુપગીરી ગોસ્વામીએ પોતાને હોસ્પિટલમાં બિઝનેસ પાર્ટનર બનાવવાના બહાને નકલી ડૉક્ટર ઝૈનુલ કાજાણી ૧.૧૦ કરોડથી વધુ રૂપિયા હજમ કરી ફરાર થઈ ગયો હોવાની સીઆઈડી ક્રાઈમ પોલીસ સ્ટેશન (બોર્ડર ઝોન, ભુજ) ખાતે ફરિયાદ નોંધાવી છે.

MDની ડિગ્રી અને ઓપરેશનના વીડિયો બતાડતો

ફરિયાદી અંકિતે જણાવ્યું કે લોકોને રાહત દરે સારવાર મળે અને પોતાના શિવાલિકા ગૃપને યશ મળે તે હેતુ ઝૈનુલ જોડે બિઝનેસ પાર્ટનર તરીકે જોડાઈને ટુકડે ટુકડે આ રૂપિયા આપ્યા હતા.

પ્રારંભિક પરિચય સમયે ઝૈનુલે પોતે ઉત્તરાખંડમાંથી MDની ડિગ્રી મેળવી હોવાનું જણાવીને પોતે કરેલાં વિવિધ ઓપરેશનના વીડિયો ફરિયાદીને બતાડીને વિશ્વાસમાં લીધો હતો.

ઝૈનુલે ફરિયાદીને ભુજ શહેરના ઘનશ્યામનગર પાસે જીમખાના સામે આવેલી હોસ્પિટલમાં પચાસ ટકાનો ભાગીદાર બનાવવાનો પ્રસ્તાવ મૂકેલો. તેની વાતો પર ભરોસો કરીને ફરિયાદીએ સપ્ટેમ્બર ઓક્ટોબર ૨૦૨૪ દરમિયાન તેને ટુકડે ટુકડે આ નાણાં આપ્યા હતા. ઝૈનુલ પોતે ભારતના ટોપ હંડ્રેડ ક્રિટીકલ કેર સ્પેશિયાલિસ્ટ પૈકીનો એક હોવાનો દાવો કરતો હતો.

અગાઉ ભચાઉમાં ઝૈનુલ સામે ફરિયાદ નોંધાયેલી

ઝૈનુલે ‘સારો નફો મળશે’ તેવી લાલચ આપીને ભચાઉના જાલમસિંહ બળવંતસિંહ જાડેજા, ભુજના અર્જુન અજાણી, હેમલ રામૈયા, લવ ઠક્કર, સંદિપ શાહ વગેરેને બિઝનેસ પાર્ટનર બનાવીને તેમની પાસેથી લાખો રૂપિયા મેળવ્યાં છે. જાલમસિંહે ગત ૨૮-૦૨-૨૦૨૫ના રોજ ભચાઉ પોલીસ મથકે ઝૈનુલ વિરુધ્ધ ૧૫ લાખના ફ્રોડની ફરિયાદ નોંધાવી હતી.

હોસ્પિટલને તાળાં મારી ૮ માસથી ફરાર

ઝૈનુલે અનેક લોકોને બાટલીમાં ઉતાર્યાં હોવાની જાણ થતાં અંકિત સહિતના પાર્ટનરોએ રૂપિયા પરત માગવાનું શરૂ કરેલું. તે સમયે ઝૈનુલે હોસ્પિટલ ચાલું રાખીને તેમાંથી તમામને રૂપિયા પરત આપી દેવાનો વાયદો કરેલો. પરંતુ, ૧ ફેબ્રુઆરી ૨૦૨૫થી હોસ્પિટલને અલીગઢી તાળાં મારીને અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે.

અઢી કરોડની લોનના મોટાભાગના રૂપિયા બચી ગયાં

ઝૈનુલે ફરિયાદીને હોસ્પિટલમાં સાધનસામગ્રી ખરીદવા માટે અઢી કરોડની જરૂરિયાત હોવાનું કહેતા અંકિતે પત્ની અને મિત્રોની જમીન તથા મિલકતો મોર્ગેજ કરાવીને BMCB બેન્કમાંથી અઢી કરોડની ઓવરડ્રાફ્ટ લોન ૨૧-૧૦-૨૦૨૪ના રોજ ઝૈનુલના નામે મંજૂર કરાવી હતી. જેમાંથી ઝૈનુલે શ્રી હેલ્થકેર સેલ્સ એન્ડ સર્વિસમાંથી ૧૨ લાખની મશિનરી ખરીદેલી.

પાછળથી તપાસ કરતાં બહાર આવેલું કે ઝૈનુલે માતાની તબિયત ખરાબ હોવાનું બહાનુ કરીને આ ઓર્ડર કેન્સલ કરાવેલો અને ૧૨ લાખ રૂપિયા પોતાની હોસ્પિટલના અન્ય બેન્ક ખાતામાં જમા કરાવેલાં. 

ફરિયાદીને તેની દાનત અંગે શંકા જણાતાં સમજાવટ બાદ ઝૈનુલે લોનના બાકીના નાણાં સ્વેચ્છાએ પરત આપી દીધા હતા.

વાદની ડૉક્ટરના પ્રમાણપત્રમાં ચેડાં કરેલાં

ઝૈનુલ સામે અંકિતે સીઆઈડીને આપેલી અરજીમાં તેની ડિગ્રી અંગે પણ શંકા વ્યક્ત કરી હતી. સીઆઈડીની તપાસમાં બહાર આવ્યું છે કે અમદાવાદની શ્રૃષ્ટિબેન નામની ડૉક્ટરે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં કરાવેલી નોંધણીમાં ચેડાં કરીને તેમાં પોતાનું નામ ઘૂસાડી દઈ, ડૉક્ટર ના હોવા છતાં જાહેર જનઆરોગ્યને ચેડાં થાય તે રીતે તબીબ તરીકે પ્રેક્ટિસ કરતો હતો.

આવી અને આટલી કલમો તળે નોંધાઈ ફોજદારી

ઝૈનુલ નામના ઊંટવૈદ્ય સામે સીઆઈડીએ BNSની કલમ ૧૨૫ (જાહેર જનતાના જીવનને નુકસાન થાય અથવા કોઈનો જીવ જોખમમાં મૂકાય તેવું કૃત્ય આચરવું), ૩૧૯ (તબીબ તરીકેની નકલી ઓળખ ધારણ કરવી), ૩૩૬ (૨) અને ૩૪૦ (૨) (છેતરપિંડીના હેતુથી નકલી પ્રમાણપત્રો બનાવવા અને તે હેતુ નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવો), ૩૧૬ (૨) અને ૩૧૮ (૨) (ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી) કલમો હેઠળ ફરિયાદ રજિસ્ટર કરી છે. ઈન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક મનીષાબેન સવાભાઈ ગોહેલે તપાસ શરૂ કરી છે.

Share it on
   

Recent News  
માંડવીના સલાયામાં પિતાની જમીનના બોગસ દસ્તાવેજો બનાવીને પુત્રએ ૭૦ લાખની ઠગાઈ કરી
 
આમ આદમી પાર્ટીનો કચ્છ ઝોનના પ્રમુખ સહિત ત્રણ જણ ખંડણી અને લૂંટના ગુનામાં ઝડપાયાં
 
અંજારમાં અડધી રાતે રહેણાકમાં ત્રાટકી પોલીસે ૨.૫૦ લાખનો ૫ કિલો ગાંજો જપ્ત કર્યો