કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉના શિકારપુર અને નજીકના નારણસરી ગામે ખેતરમાં કામ કરતાં બે વૃધ્ધ ખેડૂત પર લોખંડની કુંડળવાળી લાકડીથી માથાભારે યુવકે હુમલો કરી બેઉના હાથ-પગ ભાંગી નાંખતા વાગડના ખેડૂતોમાં ગભરાટ છવાયો છે. હુમલાનો બનાવ એક જ દિવસે નજીક નજીકના બે ગામમાં બન્યો હતો. ભચાઉના શિકારપુર ગામે રહેતા ૫૫ વર્ષિય ભવાન નરસિંહભાઈ ઢાઢી (પટેલ) મંગળવારે બપોરે ખેતરમાં હતા ત્યારે અચાનક વીસેક વર્ષનો હુમલાખોર યુવક તેમની પાસે આવ્યો હતો. હુમલાખોરે ભવાનભાઈને છરી બતાડી ધમકી આપી હતી કે અમે બકરાં ચરાવીએ છીએ તો તું કેમ ખેતરની રખેવાળી કરવા આવી જાય છે?
હુમલાખોરે લોખંડની કુંડળવાળી ડાંગથી ભવાનભાઈ પર હુમલો કરી તેમના બેઉ હાથ અને જમણા પગે ઘૂંટણ નીચે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચાડી હતી.
ભવાનભાઈને ખેતરેથી જ ૧૦૮ મારફતે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયાં હતાં. બનાવ અંગે સામખિયાળી પોલીસે અજાણ્યા હુમલાખોર સામે ફરિયાદ દાખલ કરી છે. બીજી તરફ, નજીકના નારણસરી ગામે ખેતરમાં રહેલાં ૬૫ વર્ષિય જેરામભાઈ પમાભાઈ ભ્રાસડીયા (પટેલ) પર મંગળવારે રાત્રે આઠ વાગ્યાના અરસામાં શિકારપુરના રજાક હાજી ત્રાયા નામના યુવકે હુમલો કર્યો હતો.
રજાક ખેતરમાં બકરાં ચરાવવા ઘૂસતાં જેરામભાઈને ના પાડતાં ઉશ્કેરાઈને તેણે લોખંડની કુંડળવાળી ડાંગથી જેરામભાઈ પર હુમલો બેઉ પગ ભાંગી નાખ્યાં હતાં.
જેરામભાઈને મારી નાખવાના હેતુથી રજાકે તેમના માથામાં ફટકારવા ડાંગ ઉગામી હતી પરંતુ જેરામભાઈએ હાથ આડો કરતાં ડાંગના ફટકાથી ડાબો હાથ ભાંગી ગયો હતો. આ મામલે લાકડીયા પોલીસે રજાક ત્રાયા સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો દાખલ કર્યો છે.
શિકારપુરના બનાવમાં પણ અજાણ્યો હુમલાખોર રજાક જ હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે. તેને દબોચી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.
ખેતરમાં કામ કરતાં નિઃસહાય વૃધ્ધ વાડીમાલિકો પર થયેલા હુમલાની ઘટનાએ સ્થાનિક ગામોમાં ભારે આક્રોશ સર્જ્યો છે.
Share it on
|