કચ્છખબરડૉટકોમ, ભુજઃ ઈન્ડસ્ટ્રીયલ સોલ્ટના નામે દુબઈથી મુંદરા બંદરે સોપારી સ્મગલ કરીને તેને દેશમાં વિવિધ સ્થળે ઊંચા ભાવે ફટકારી ૨૧.૪૮ કરોડની દાણચોરી કરવાના ગુનાના મહત્વના આરોપીની આગોતરા જામીન અરજી ભુજ કૉર્ટે ફગાવી દીધી છે. મોહિત એન્ટરપ્રાઈઝના નામે સોપારી ખરીદી બોગસ બિલો બનાવી તેનું નાગપુર, દિલ્હીમાં વેચાણ કરનારા નાગપુરના હિમાંશુ ચંદ્રકાન્ત ભદ્રાની અરજી કૉર્ટે ગુનાની ગંભીરતાને અનુલક્ષી ફગાવી દીધી છે. ૨૦૨૩માં સોપારી ભરેલી ટ્રકો અટકાવીને ગોડાઉન મેનેજરનું અપહરણ કરી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ અને બે વચેટિયાએ કરેલા ૩.૭૫ કરોડના તોડની ફરિયાદની તપાસમાં સોપારીના સ્મગલિંગનું કૌભાંડ બહાર આવ્યું હતું.
પોલીસ કર્મચારીઓ સામે તોડની ફરિયાદ નોંધાવનારા અનિલ પંડિત, ગાંધીધામના માસ્ટર માઈન્ડ પંકજ ઠક્કર સહિતના શખ્સો સામે કાવતરું રચીને બોગસ દસ્તાવેજો મારફતે સોપારીની દાણચોરી કરી બારોબાર વેચી મારવા સબબ મુંદરા પોલીસ મથકે ૨૭-૧૦-૨૦૨૩ના રોજ ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે સોપારીનો જથ્થો મોહિત એન્ટરપ્રાઈઝ નામની પેઢી મારફતે ખરીદીને આ પેઢીએ જનરેટ કરેલાં બોગસ ઈ-વે બિલ મારફતે દેશમાં અલગ અલગ જગ્યાએ વેચી મરાતો હતો.
પોલીસે મોહિત એન્ટરપ્રાઈઝના માલિક મોહિત માખીજાને પકડીને પૂછપરછ કરી તો તે પ્યાદું નીકળ્યો હતો. અસલી ખેલાડી હિમાંશુ ભદ્રા હતો જે મોહિત માખીજાના નામે પેઢી બનાવડાવીને તેનું સંચાલન કરતો હતો.
એક વર્ષ જેટલો સમય થવા આવ્યો પણ હિમાંશુ નાસતો ફરે છે. રેન્જ આઈજી મોથલિયાની ટ્રાન્સફર થયાં બાદ ગુનાની તપાસનો જાણે વીંટો વળી ગયો છે. કૉર્ટે ગુનાની ગંભીરતા અને હિમાંશુની સક્રિય ભૂમિકાને અનુલક્ષીને અરજી ફગાવી દીધી છે કેસમાં સરકાર તરફે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કે.સી. ગોસ્વામીએ દલીલો કરી હતી.
Share it on
|